સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના પ્રમુખ, મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-નાઈજીરિયા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદભૂત યોગદાન અને તેમનાં રાજનીતિક કૌશલ્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર - "ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર" એનાયત કર્યો હતો. પુરસ્કારના પ્રશસ્તિ-પત્રમાં પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમના પરિવર્તનકારી શાસને બધા માટે એકતા, શાંતિ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવ્યું છે.
પુરસ્કાર સ્વીકારતી વખતે પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકોને અને ભારત અને નાઈજીરિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી ઐતિહાસિક મિત્રતાને સમર્પિત કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ માન્યતા બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓ પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1969 પછી આ પુરસ્કારથી સન્માનિત થનારા પ્રથમ વિદેશી નેતા છે.