આભાર શ્રીમાન રાષ્ટ્રપતિ,
તમે હમણાં જે ભારત વિષે કહ્યું મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા, ભારતના લોકોના સામર્થ્ય વિષે કહ્યું, સિદ્ધિઓ અને સંસ્કૃતિ વિષયમાં કહ્યું, મારા વિષે પણ ઘણું બધું કહ્યું. હું તેના માટે પ્રત્યેક ભારતવાસી તરફથી તમારો ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ભારતનું જ ગૌરવ નથી વધાર્યું પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોને પણ સન્માન આપ્યું છે.
શ્રીમાન રાષ્ટ્રપતિ, જ્યાંથી તમે ભારતીયોને સંબોધિત કર્યા છે, તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. રમત–ગમતને લગતી કેટલીક સુવિધાઓ અહીં હાલ નિર્માણાધીન છે. તેમ છતાં તમારું અહીં આવવું, ખેલ જગત સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિને પણ ઉત્સાહિત કરશે. હું, ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો પણ આભાર પ્રગટ કરું છું. તેમણે આ શાનદાર જગ્યા આ કાર્યક્રમની માટે ઉપલબ્ધ કરાવી. બની શકે છે કે તેનાથી તેમના પૂર્ણ થવાના સમયપત્રકમાં કંઇક પરિવર્તન આવ્યું હોય પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે તેઓ તેની ભરપાઈ કરી લેશે.
સાથીઓ,
બે વ્યક્તિ હોય કે પછી બે દેશોના સંબંધ, તેનો સૌથી મોટો આધાર હોય છે વિશ્વાસ, એકબીજા પર ભરોસો. આપણે ત્યાં કહેવાયું પણ છે કે, તન મિત્રમ્ યત્ર વિશ્વાસઃ અર્થાત મિત્રતા ત્યાં છે જ્યાં વિશ્વાસ અતૂટ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકાની વચ્ચે વિશ્વાસ જે નવી ઊંચાઈઓ પર પહોંચ્યો છે, જેટલો મજબૂત થયો છે, તે ઐતિહાસીક છે. અમેરિકાની મારી યાત્રાઓમાં, મેં આ વિશ્વાસને દિવસે દિવસે મજબૂત થતો જોયો છે. મને યાદ છે, હું જ્યારે વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૌપ્રથમ વખત મળ્યો હતો તો તેમણે મને કહ્યું હતું– “વ્હાઈટ હાઉસમાં ભારતનો એક સાચો મિત્ર છે.” રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પ્રત્યેના આ વિશેષ પ્રેમને હંમેશા પ્રદર્શિત કર્યો છે. જ્યારે વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે તો અમેરિકામાં રહેતા 40 લાખ ભારતીયો પણ, અમેરિકાની સમૃદ્ધિ અને પ્રગતિના સહયાત્રી હોવા પર ગર્વનો અનુભવ કરે છે.
સાથીઓ,
અમેરિકાની જેમ જ આજે ભારતમાં પણ પરિવર્તનની માટે અભૂતપૂર્વ અધીરતા છે. આજે 130 કરોડ ભારતવાસી સાથે મળીને નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આપણી યુવા શક્તિ મહત્વાકાંક્ષાઓથી સભર છે. મોટું લક્ષ્ય રાખવું, તેને પ્રાપ્ત કરવું, એ આજે નવા ભારતની ઓળખ બની રહી છે. આજે ભારતમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જ નથી પરંતુ આજે ભારત વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પણ ચલાવી રહ્યું છે. આજે ભારતમાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક જ નથી બની રહ્યો પરંતુ આજે ભારતમાં વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. આજે ભારત એકસાથે સૌથી વધુ સેટેલાઈટ મોકલવાનો વિશ્વ વિક્રમ જ નથી બનાવી રહ્યું પરંતુ આજે ભારત સૌથી ઝડપી નાણાકીય સમાવેશીતા કરીને પણ પણ વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યું છે. 21મી સદીમાં આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી સામાજિક ક્ષેત્ર, આપણે વૈશ્વિક ધોરણોને લઈને આગળ ચાલી રહ્યા છીએ. વીતેલા કેટલાક સમયમાં ભારતે માત્ર જૂના 1500 કાયદાઓ જ ખતમ નથી કર્યા પરંતુ સમાજને સશક્ત કરવા માટે અનેક નવા કાયદાઓ પણ બનાવ્યા છે. ટ્રાન્સજેન્ડર લોકોના અધિકાર હોય, ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓનું સન્માન હોય, દિવ્યાંગ જનોને પ્રાથમિકતા આપવાની વાત હોય, મહિલાઓને પ્રસુતિ દરમિયાન 26 અઠવાડિયાની વેતન સાથેની માતૃત્વ રજાની જોગવાઈ હોય, એવા અનેક અધિકાર અમે સમાજના જુદા–જુદા વર્ગોની માટે સુનિશ્ચિત કર્યા છે.
સાથીઓ,
મને એ વાતની ખુશી છે કે ભારતમાં થઇ રહેલા આ પરિવર્તનોની વચ્ચે આજે અમેરિકા, ભારતનું એક વિશ્વાસપાત્ર ભાગીદાર બન્યું છે. આજે જે દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, તે દેશ છે અમેરિકા. આજે ભારતની સેનાઓ જે દેશની સાથે સૌથી વધુ યુદ્ધ અભ્યાસ કરી રહી છે તે છે અમેરિકા. આજે જે દેશની સાથે ભારતની સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટની ભાગીદારી છે – તે દેશ છે અમેરિકા. આજે ભલે સંરક્ષણ હોય કે ઊર્જા ક્ષેત્ર હોય, કે પછી આઈટી હોય, દરેક ક્ષેત્રમાં આપણા સંબંધોની હદ સતત વધતી જઈ રહી છે.
સાથીઓ
21મી સદીના આ દાયકામાં, નવું ભારત, પુનરુત્થાન કરતા અમેરિકાની માટે પણ અનેક નવા અવસરો લઈને આવ્યું છે. વિકાસના દરેક ક્ષેત્રમાં, બંને દેશોની પાસે મેળવવા માટે ઘણું બધું છે. ભારતમાં ઉત્પાદન વધવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર થવો, અમેરિકા માટે અનેક સંભાવનાઓ લઈને આવશે. ઇન્ડસ્ટ્રી 4.૦ના આ યુગમાં ભારતમાં ડિજિટલ ઈકોનોમીનો વિસ્તાર, અમેરિકાની માટે પણ રોકાણના અનેક અવસરો ઉભા કરશે.
શ્રીમાન રાષ્ટ્રપતિ,
વીતેલા દાયકાઓમાં ડિજિટલ ટેકનોલોજીએ ભારત અને અમેરિકાના સંબંધોને ઘડવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારતીય પ્રતિભા અને અમેરિકી ટેકનોલોજીએ આ ક્ષેત્રને નવું નેતૃત્વ આપ્યું છે. અને હું માનું છું કે 21મી સદીમાં ભારત અને અમેરિકા સાથે મળીને આ ડિજિટલ યુગનું ઇન્ડસ્ટ્રી 4.૦નું નેતૃત્વ કરી શકે છે.
સાથીઓ,
21મી સદીમાં, નવા આયામો, નવી સ્પર્ધાઓ, નવા પડકારો અને નવી તકો પરિવર્તનનો પાયો નાંખી રહ્યા છે. એવામાં ભારત અને અમેરિકાના સંબંધ અને સહયોગની, 21મી સદીના વિશ્વની દિશા નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
મારો સ્પષ્ટ મત છે કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો છે. આપણે માત્ર ઇન્ડો પેસિફિક રીજનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ, પ્રગતી અને સુરક્ષામાં એક અસરકારક યોગદાન આપી શકીએ છીએ. આતંકવાદને હરાવવામાં અમેરિકાની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વએ માનવતાની સેવા કરી છે અને એટલા માટે હું માનું છું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેવા વિલક્ષણ નેતા અને ભારતના અનન્ય મિત્રનું આ દાયકાની શરૂઆતમાં જ ભારતમાં આવવું એક ખૂબ મોટો અવસર છે.
વીતેલા સમયમાં ભારત અમેરિકી સંબંધોને સશક્ત કરવાની જે શરૂઆત આપણે કરી છે, હવે તેમની આ મુલાકાત વડે તેનો બીજો તબક્કો શરુ થઇ રહ્યો છે. આપણે એક લાંબા ગાળાના વિઝનથી પ્રભાવિત છીએ, માત્ર ટૂંકા ગાળાના લાભોથી નહી. આપના દ્વિપક્ષીય સંબંધો વિકસિત થશે, આપણી આર્થિક ભાગીદારીનો વિસ્તાર થશે, આપણો ડિજિટલ સહયોગ વધશે અને મને વિશ્વાસ છે કે નવી ઊંચાઈઓને પાર કરીને ભારત જે સપનાઓને લઈને આગળ ચાલ્યું છે, અમેરિકા જે સપનાઓને લઈને ચાલ્યું છે આપણે સાથે મળીને તે સપનાઓને પૂરા કરીશું. આજે મારું સૌભાગ્ય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સંપૂર્ણ પરિવારનું મને સ્વાગત સન્માન કરવાનો અવસર મળ્યો છે, હું એકવાર ફરી નમસ્તે ટ્રમ્પના આ નાદને ગૂંજતો કરીને આપ સૌને આગ્રહ કરીશ કે ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય.
ભારત અમેરિકા ફ્રેન્ડશીપ, લોંગ લીવ, લોંગ લીવ!
ખૂબ ખૂબ આભાર!