પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેવર્ષ 2020ની સૌપ્રથમ પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનો આ બત્રીસમો સંવાદ હતો. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લઇ પ્રો-એક્ટીવ શાસન અને સમયસરના અમલીકરણ માટેનું આઈસીટી આધારિત એક મલ્ટી મોડલ મંચ છે.
આજની પ્રગતિ બેઠકમાં, પ્રધાનમંત્રીએ કુલ 11 મુદ્દાઓની ચર્ચા કરી, જેમાંથી 9 વિલંબિત પ્રોજેક્ટ્સ છે. 24,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના આ 9 પ્રોજેક્ટ્સ 9 રાજ્યો, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને ઉત્તર પ્રદેશમાં તેમજ ૩ કેન્દ્રીય મંત્રાલયોમાં ફેલાયેલા છે. તેમાં રેલ્વે મંત્રાલયના ૩, માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયના 5 અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 1 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
વીમા યોજનાઓ- પીએમજેજેબીવાય અને પીએમએસબીવાય અંતર્ગત પ્રગતિની સમીક્ષા કરવામાં આવી
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓ વિભાગ અંતર્ગત ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ (પીએમજેજેબીવાય) અને‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ (પીએમએસબીવાય) જેવી વીમા યોજનાઓને લગતી ફરિયાદોના સંદર્ભમાં તેમના પ્રદર્શન અંગે સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીએ ક્રાઈમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (સીસીટીએનએસ) પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. સીસીટીએનએસ એ ઈ-ગવર્નન્સના માધ્યમથી અસરકારક તપાસ કરવા માટેની એક વ્યાપક અને સંકલિત સિસ્ટમ છે.
અગાઉના 31મા પ્રગતિ સંવાદમાં પ્રધાનમંત્રીએ કુલ 12.૩૦ લાખ કરોડ રૂપિયાની કિંમતના કુલ 269 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર 17 જુદા જુદા ક્ષેત્રોની અંદર 47 સરકારી કાર્યક્રમો અને યોજનાઓને લગતી ફરિયાદ નિવારણની પણ સમીક્ષા કરી હતી.