પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતનાં મોરબીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં દુર્ભાગ્યપૂર્ણ પુલ દુર્ઘટનાને પગલે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જ જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ દુઃખદ સમયમાં તેમને શક્ય તમામ મદદ મળે.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને બચાવ કામગીરી અને અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવતી સહાય વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે વિગતે અને વિસ્તૃત તપાસ હાથ ધરવાની તાતી જરૂર છે, જે આ દુર્ઘટના સાથે સંબંધિત તમામ પાસાંઓને ઓળખી કાઢશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, તપાસમાંથી મુખ્ય જે બાબતો શીખવા-જાણવા મળે એનો વહેલી તકે અમલ થવો જ જોઇએ.
આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના ડીજીપી, સ્થાનિક કલેક્ટર, એસપી, પોલીસ મહાનિરીક્ષક, ધારાસભ્યો અને સાંસદો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ મોરબી પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક હૉસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં ઈજાગ્રસ્તો સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે બચાવ અને રાહત કાર્યમાં સામેલ લોકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની હિંમતની પ્રશંસા કરી હતી.