પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘યાસ’થી ઊભી થયેલા સ્થિતિસંજોગોનો સામનો કરવામાં સંકળાયેલા રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની સજ્જતાની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જાણકારી આપી હતી કે, ચક્રવાત ‘યાસ’ 26મી મેની સાંજે 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતા પવન સાથે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા પરથી પસાર થાય એવી અપેક્ષા છે, જેમાં પવન મહત્તમ 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આઇએમડીએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 2થી 4 મીટરનું તોફાન ઊભું થવાની ચેતવણી પણ આપી હતી. આઇએમડી તમામ સંબંધિત રાજ્યોને લેટેસ્ટ આગાહી સાથે નિયમિત બુલેટિન ઇશ્યૂ કરે છે.
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, કેબિનેટ સચિવે 22 મે, 2021ના રોજ દરિયાકાંઠાના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તથા કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠક યોજી છે.
ગૃહ મંત્રાલય (એમએચએ) 24*7 સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સંબંધિત રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓ સાથે સંપર્કમાં છે. એમએચએએ તમામ રાજ્યોને એસડીઆરએફનો પ્રથમ હપ્તો અગાઉથી આપી દીધો છે. એનડીઆરએફની 46 ટુકડીઓ અગાઉથી ગોઠવાઈ ગઈ છે, જે 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોડીઓ, વૃક્ષો કાપવાની સાધનસામગ્રીઓ, ટેલીકોમ ઉપકરણઓ વગેરે સાથે સજ્જ છે. આ ઉપરાંત 13 ટુકડીઓને આજે વિમાનમાં મોકલવામાં આવી છે અને 10 ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ભારતીય તટરક્ષક દળ અને નૌકાદળે રાહત, તપાસ અને બચાવ કામગીરીઓ માટે જહાજો અને હેલિકોપ્ટર્સ તૈનાત કર્યા છે. સેનાના વાયુદળ અને એન્જિનીયર ટાસ્ક ફોર્સના એકમો હોડીઓ અને બચાવ માટેની સાધનસામગ્રી સાથે કામગીરી કરવા માટે સજ્જ કરવામાં આવી છે. પશ્ચિમ દરિયાકિનારા પર માનવીય ધારણો સહાય અને આપત્તિ રાહત એકમો સાથે સાત જહાજો પણ તૈયાર રાખવામાં આવ્યાં છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દરિયામાં તમામ ઓઇલ ઇન્સ્ટોલેશનને સુરક્ષિત રાખવા અને જહાજોને સુરક્ષિત રીતે બંદર પર લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. વીજ મંત્રાલયે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે અને ટ્રાન્સફોર્મર્સ, ડીજી સેટો અને ઉપકરણ વગેરેને તૈયાર રાખ્યાં છે, જેથી વીજળીનો પુરવઠો તાત્કાલિક ચાલુ કરી શકાય. ટેલીકોમ મંત્રાલય વિવિધ ટાવર અને એક્સચેન્જ પર સતત નજર રાખી રહ્યું છે તથા ટેલીકોમ નેટવર્કની સેવાઓ ફરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પ્રભાવિત થનાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓ અને પ્રભાવિત વિસ્તારોમાં કોવિડની સ્થિતિનું ઉચિત રીતે સંભાળવા માટે ચર્ચાવિચારણા કરી છે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે તમામ જહાજોને સુરક્ષિત રાખવા વિવિધ પગલાં લીધા છે અને ઇમરજન્સી જહાજો (ટગ્સ)ને તૈયાર રાખ્યાં છે.
એનડીઆરએફ ખતરનાક સ્થળોમાંથી લોકોને બહાર કાઢવાની તૈયારીઓમાં રાજ્ય સરકારોની સંસ્થાઓની મદદ કરી રહ્યું છે તથા ચક્રવાતની સ્થિતિનો સામનો કરવા સતત સામુદાયિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારીઓને રાજ્યો સાથે સતત સંકલન સ્થાપિત કરીને કામ કરવાનું કહ્યું છે, જેથી વધારે જોખમ ધરાવતા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી સુનિશ્ચિત થઈ શકે. તેમણે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે, દરિયાકાંઠાથી થોડે દૂર વિવિધ કામગીરીઓમાં સામેલ લોકો પણ સમયસર બહાર આવે એ સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે તમામ સંબંધિત વિભાગોને વીજળી અને ટેલીકોમ નેટવર્કમાં કાપનો સમય ઘટાડવા અને વીજળી અને ટેલીકોમ નેટવર્કની સેવાઓ ઝડપથી ફરી શરૂ કરવાની સૂચના આપી છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને રાજ્ય સરકારો સાથે ઉચિત તાલમેળ અને આયોજન કાર્ય કરવા માટે પણ કહ્યું છે, જેથી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર અને રસીકરણની કામગીરીમં કોઈ વિક્ષેપ પેદા ન થાય. તેમણે શ્રેષ્ઠ પ્રેક્ટિસમાંથી સારું શીખવા માટે આયોજન અને તૈયારીની પ્રક્રિયામાં જિલ્લા વહીવટીતંત્રને સામેલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રભાવિત જિલ્લાઓના નાગરિકોને સમજાય એવી સ્થાનિક ભાષામાં શું કરવું, શું ન કરવું એ વિશે સલાહ અને સૂચનો આપે પ્રધાનમંત્રીએ દરિયાકાંઠે વસતા સમુદાયો, ઉદ્યોગો વગેરે વિવિધ હિતધારકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા અને તેમને જાગૃત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ગૃહ મંત્રી, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, ગૃહ રાજ્ય મંત્રી, કેબિનેટ સચિવ, ગૃહ, ટેલીકોમ, મત્સ્યપાલન, નાગરિક ઉડ્ડયન, વીજ, બંદર, જહાજ અને જળમાર્ગ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયો/વિભાગોના સચિવ, રેલવે બોર્ડના અધ્યક્ષ, સભ્ય તથા એનડીએમએના સચિવ સભ્ય, આઈએમડી અને એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ, પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.