પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કોવિડ-19 મહામારીની દેશમાં વર્તમાન પરિસ્થિતિ અને રસીની ડિલિવરી, વિતરણ તેમજ સંચાલન માટેની પૂર્વતૈયારીઓ અંગે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, વરિષ્ઠ વૈજ્ઞાનિકો, PMO અને ભારત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, કોવિડના દૈનિક કેસો અને વૃદ્ધિદરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
ભારતમાં ત્રણ રસી તેને વિકસાવવાના આગળના તબક્કા સુધી પહોંચી ગઇ છે અને તેમાંથી 2 રસી તબક્કા-IIમાં છે જ્યારે એક રસી તબક્કા-IIIમાં છે. ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધન ટીમો પડોશી દેશો જેમ કે, અફઘાનિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકા વગેરેમાં સંશોધનની ક્ષમતાઓમાં સહયોગ અને પ્રબળતા લાવવાનું કામ કરી રહ્યાં છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, કતાર અને ભૂતાને પોતાના દેશોમાં તબીબી પરીક્ષણો માટેની વિનંતીઓ પણ કરી છે. વૈશ્વિક સમુદાયને મદદ કરવાના પ્રયાસોરૂપે પ્રધાનમંત્રીએ વધુમાં નિર્દેશો આપ્યા હતા કે, આપણા પ્રયાસો માત્ર પડોશીઓ સુધી સમિત ના રાખવા જોઇએ પરંતુ સમગ્ર દુનિયાને રસી, દવાઓ અને રસીની ડિલિવરીના વ્યવસ્થાતંત્ર માટે IT પ્લેટફોર્મ પૂરાં પાડવા માટેના પ્રયાસો હોવા જોઇએ.
કોવિડ-19ના રસી સંચાલન માટે રાષ્ટ્રીય નિષ્ણાંત સમૂહ (NEGVAC) દ્વારા રાજ્ય સરકારો અને તમામ સંબંધિત હિતધારકો સાથે સહયોગ કરીને રસીના સંગ્રહ, વિતરણ અને સંચાલન માટેની વિગતવાર બ્લૂપ્રિન્ટ તૈયાર કરીને રજૂ કરવામાં આવી હતી. નિષ્ણાતોનો સમૂહ રાજ્યો સાથે વિચારવિમર્શ કરીને રસીની પ્રાથમિકતા અને રસીના વિતરણ સંબંધિત પ્રવૃત્તિઓ પર કામ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં એવા નિર્દેશો આપ્યા હતા કે, દેશના ભૌગોલિક વ્યાપ અને વિવિધતાને ધ્યાનમાં રાખીને, રસી સામાન્ય નાગરિક સુધી ઝડપથી પહોંચે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, લોજિસ્ટિક્સ, ડિલિવરી અને સંચાલનના દરેક પગલાં ખૂબ જ દૃઢતાપૂર્વક ભરવા જરૂરી છે. તેમાં કોલ્ડ સ્ટોરેજ શ્રૃંખલાઓ, વિતરણનું નેટવર્ક, દેખરેખનું વ્યવસ્થાતંત્ર, આગોતરી આકલનની કામગીરી અને વેઇલ્સ, સિરિંજ જેવા જરૂરી આનુષંગિક ઉપકરણો સંબંધે અગાઉથી સુવ્યવસ્થિત આયોજન હોવું આવશ્યક છે.
તેમણે વધુમાં નિર્દેશો આપ્યા હતા કે, આપણે દેશમાં ચૂંટણીઓ અને કુદરતી આપત્તિ વ્યવસ્થાપનના આપણા સફળ અનુભવનો આમાં ઉપયોગ કરવો જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે કામગીરીઓની જેમ જ રસીની ડિલિવરી અને સંચાલન તંત્ર પણ અમલમાં મૂકી શકાય. આમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ જિલ્લા સ્તરના કાર્યકારીઓ, નાગરિક સમાજ સંગઠનો, સ્વયંસેવકો, નાગરિકો અને તમામ આવશ્યક ક્ષેત્રોના નિષ્ણાતોની સહભાગીતા પણ સામેલ હોવી જોઇએ. આ સમગ્ર પ્રક્રિયા ITના મજબૂત પીઠબળ સાથે આગળ વધવી જોઇએ. આ વ્યવસ્થાતંત્ર એવી રીતે તૈયાર કરવું જોઇએ કે જેથી આપણા આરોગ્ય સંભાળ તંત્ર પર માટે ખૂબ જ મૂલ્યવાન બની રહે.
ભારતમાં ICMR અને બાયો ટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા SARSCoV-2 (કોવિડ-19 વાયરસ)ના જીનોમ પર દેશભરમાં બે અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે જે સૂચવે છે કે આ વાયરસ જિનેટિકલી રીતે સ્થિર છે અને આ વાયરસનું કોઇ મોટાપાયે પરિવર્તન જોવા મળ્યું નથી.
પ્રધાનમંત્રીએ આ બેઠકનું સમાપન કરતા તમામ લોકોને સતર્ક કર્યા હતા કે, કેસની સંખ્યામાં થયેલા ઘટાડાથી સંતોષ માની લેવાના બદલે આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે આપણા પ્રયાસો સતત ચાલુ રાખવા જરૂરી છે. તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, ખાસ કરીને હવે તહેવારોની મોસમ આવી રહી હોવાથી સામાજિક અંતર, કોવિડના સંક્રમણને રોકવા માટેના યોગ્ય શિષ્ટાચાર જેમ કે, માસ્ક પહેરવું, નિયમિત સાબુથી હાથ ધોવા અને સેનિટાઇઝ કરવા વગેરેનું એકધારું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.