પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન (NDHM)માં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન સંબોધન આપતી વખતે આદરણીય પ્રધાનમંત્રીએ NDHMના પ્રારંભની જાહેરાત કરી હતી. ત્યારથી, ડિજિટલ મોડ્યૂલો અને રજિસ્ટ્રીઓ તૈયાર કરવામાં આવ્યા છે અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ મિશનનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આજદિન સુધીમાં અંદાજે 11.9 આરોગ્ય આઇડી જનરેટ કરવામાં આવ્યા છે અને 3106 ડૉક્ટરો અને 1490 સુવિધાઓની આ પ્લેટફોર્મ પર નોંધણી કરવામાં આવી છે.
ડિજિટલ હેલ્થ માટે ટૂંક સમયમાં એક મુક્ત અને ઇન્ટર-ઓપરેબલ (આંતર પ્રયોગ યોગ્ય) IT નેટવર્ક- યુનિફાઇડ હેલ્થ ઇન્ટરફેસ (UHI) શરૂ કરવાની પણ કલ્પના છે. આ ઇન્ટરફેસ સાર્વજનિક અને ખાનગી ઉકેલો અને એપ્લિકેશનોને સમાવવા અને રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમનો હિસ્સો બનવા માટે સમર્થ બનાવશે. તેનાથી વપરાશકર્તાઓ ટેલિ-કન્સલ્ટેશન અથવા લેબોરેટરી પરીક્ષણો જેવી જરૂરી આરોગ્ય સંભાળ સેવાઓ પ્રાપ્ત કરવા માટે તેને શોધી શકશે અને બુકિંગ કરાવી શકશે. આનાથી નાગરિકો માટે આવિષ્કારો અને વિવિધ સેવાઓ સાથે ડિજિટલ ટેક ક્રાંતિનો ઉદય થઇ શકે છે. આ પ્રકારે, આરોગ્ય સંભાળ માળખાકીય સુવિધા અને માનવ સંસાધનોનો પણ સમગ્ર દેશમાં વધુ કાર્યદક્ષ રીતે ઉપયોગ થઇ શકશે.
ભારતીય રાષ્ટ્રીય ચુકવણી કોર્પોરેશન (NPCI) દ્વારા તૈયાર કરવામાં આવેલા UPI ઇ-વાઉચર વિશે પણ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. આ ડિજિટલ ચુકવણી વિકલ્પ ચોક્કસ ઉદ્દેશ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો સક્ષમ બનાવશે જેનો ઉપયોગ માત્ર ઇરાદા ધરાવતા વપરાશકર્તાઓ દ્વારા જ થઇ શકશે. તે વિવિધ સરકારી યોજનાઓની લક્ષિત અને કાર્યદક્ષ સેવાઓ પૂરી પાડવા માટે ઉપયોગી થઇ શકે છે અને UPI ઇ-વાઉચરના તાત્કાલિક વપરાશ કિસ્સાઓ આરોગ્ય સંભાળ સેવાઓ હોઇ શકે છે.
પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, NDHM અંતર્ગત વિવિધ પરિચાલનોનું વિસ્તરણ કરવા માટે કામગીરીની ઝડપ વધારવામાં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, NDHM સંખ્યાબંધ આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે લોકોના જીવનમાં સરળતા લાવશે. તેમણે ધ્યાનમાં લીધું હતું કે, ટેકનિકલ પ્લેફોર્મ અને રજિસ્ટ્રીઓનું નિર્માણ એ અનિવાર્ય આવશ્યક ઘટકો હોવા છતાં, નાગરિકોમાં પ્લેટફોર્મની ઉપયોગીતા ત્યારે જ દેખાશે જ્યારે દેશભરમાં નાગરિકો ડૉક્ટર સાથે ટેલિકન્સલ્ટેશન જેવી સેવાઓ પ્રાપ્ત કરશે, લેબોરેટરીની સેવાઓનો લાભ લેશે, પરીક્ષણોના રિપોર્ટ્સ અથવા આરોગ્ય રેકોર્ડ્સ ડિજિટલ માધ્યમથી ડૉક્ટરને ટ્રાન્સફર કરશે અને ઉપરોક્ત કોઇપણ સેવાઓ માટે ડિજિટલ માધ્યમથી ચુકવણી કરશે. તેમણે આરોગ્ય મંત્રાલય, ઇલેક્ટ્રોનિકસ અને IT મંત્રાલય તેમજ NHAને આ દિશામાં સંકલિત પ્રયાસો હાથ ધરવાના નિર્દેશો આપ્યા હતા.