પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અતિ-સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 35મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકળાયેલી હોય છે.
આ બેઠકમાં સમીક્ષા માટે કુલ દસ બાબતોની સમીક્ષા હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ નવ પ્રોજેક્ટ અને એક સરકારી કાર્યક્રમ સામેલ હતો. નવ પ્રોજેક્ટમાં ત્રણ પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના, ત્રણ પ્રોજેક્ટ એમઓઆરટીએચના અને એક-એક પ્રોજેક્ટ ડીપીઆઇઆઇટી, વીજ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના હતા. આ નવ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 54,675 કરોડ છે, જેમાં 15 રાજ્યો ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ, બિહાર, તેલંગાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ સામેલ હતા.
આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ બેઠકમાં તમામ અધિકારીઓને માળખાગત સુવિધાઓ સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટ માટે અવરોધરૂપ બનેલી સમસ્યાઓનું ઝડપથી સમાધાન સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. તેમણે ફાર્માસ્યુટિકલ્સ વિભાગ તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો બહોળ પ્રચાર કરવા તથા તેની અસરકારકતા વધારવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન પણ આપ્યું હતું.
અત્યાર સુધી પ્રગતિની કુલ 34 બેઠકો યોજાઈ છે, જેમાં કુલ 283 પ્રોજેક્ટની સમીક્ષા થઈ છે, જેનો કુલ ખર્ચ રૂ. 13.14 કરોડ છે.