ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (“IndAus ECTA”) પર ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયા સરકારના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી શ્રી ડેન તેહાન દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી, H.E. સ્કોટ મોરિસનની હાજરીમાં એક વર્ચ્યુઅલ સમારોહમાં આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
હસ્તાક્ષર કર્યા પછી બોલતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે છેલ્લા એક મહિનામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે આ તેમની ત્રીજી વાતચીત છે. તેમણે પ્રધાનમંત્રી મોરિસનના નેતૃત્વ અને તેમના વેપાર દૂત અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટના પ્રયાસો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. તેમણે સફળ અને અસરકારક જોડાણ માટે વેપાર પ્રધાનો અને તેમની ટીમની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આટલા ટૂંકા ગાળામાં IndAus ECTA પર હસ્તાક્ષર એ બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસનું ઊંડાણ દર્શાવે છે. શ્રી મોદીએ એકબીજાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બંને અર્થતંત્રોમાં અસ્તિત્વમાં રહેલી વિશાળ સંભાવનાને રેખાંકિત કરી હતી અને આ કરાર બંને દેશોને આ તકોનો સંપૂર્ણ લાભ લેવા સક્ષમ બનાવશે. "આ અમારા દ્વિપક્ષીય સંબંધો માટે વોટરશેડ ક્ષણ છે", એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે "આ કરારના આધારે, સાથે મળીને, અમે સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતામાં વધારો કરી શકીશું અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતામાં પણ યોગદાન આપી શકીશું."
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોના મુખ્ય સ્તંભ તરીકે 'લોકોથી લોકો' સંબંધોને ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "આ કરાર આપણી વચ્ચે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પ્રવાસીઓના આદાનપ્રદાનને સરળ બનાવશે, જે આ સંબંધોને વધુ મજબૂત બનાવશે."
પ્રધાનમંત્રીએ આગામી વર્લ્ડ કપ ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસને પણ તાજેતરના વર્ષોમાં બંને દેશ વચ્ચેના સહકારના નોંધપાત્ર સ્તરની નોંધ લીધી અને પ્રધાનમંત્રી મોદીનો તેમના નેતૃત્વ માટે આભાર માન્યો. IndAus ECTA પર હસ્તાક્ષર, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના વધતા સંબંધોમાં વધુ એક સીમાચિહ્નરૂપ ગણાવતા, ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કરાર સંબંધોના વચન પર વધુ વિકાસ કરે છે. શ્રી મોરિસને જણાવ્યું હતું કે, વેપાર અને આર્થિક સહકારમાં વધારો ઉપરાંત, IndAus ECTA કામ, અભ્યાસ અને મુસાફરીની તકોનું વિસ્તરણ કરીને બંને દેશોના લોકો વચ્ચેના ઉષ્મા અને ગાઢ સંબંધોને વધુ ગાઢ બનાવશે. તે આપણાં વ્યવસાયોને એક શક્તિશાળી સંકેત મોકલશે કે 'સૌથી મોટા દરવાજામાંથી એક' હવે ખુલ્લું છે કારણ કે બે ગતિશીલ પ્રાદેશિક અર્થતંત્રો અને સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશો પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તે સ્પષ્ટ સંદેશ પણ આપે છે કે લોકશાહી એકસાથે કામ કરી રહી છે અને સપ્લાય ચેઇનની સુરક્ષા અને સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું.
ભારતીય અને ઓસ્ટ્રેલિયન મંત્રીઓએ પણ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા બંને દેશો વચ્ચેના સંબંધોની વધતી જતી મજબૂતાઈ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ભારત-ઓસ્ટ્રેલિયાના વધતા જતા આર્થિક અને વ્યાપારી સંબંધો બંને દેશો વચ્ચે ઝડપથી વૈવિધ્યસભર અને ગાઢ થતા સંબંધોની સ્થિરતા અને મજબૂતીમાં ફાળો આપે છે. IndAus ECTA, માલસામાન અને સેવાઓના વેપારને સમાવિષ્ટ કરે છે, એક સંતુલિત અને સમાન વેપાર કરાર છે, જે બંને દેશો વચ્ચે પહેલાથી જ ઊંડા, ગાઢ અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે અને માલ અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો કરશે, નવી રોજગારીનું સર્જન કરશે જેથી તકો, જીવનધોરણ ઊંચું લાવવા અને સુધારા માટે બંને દેશોના લોકોના સામાન્ય કલ્યાણમાં લાભ થશે.