પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં ક્વાડ લીડર્સ સમિટ અંતર્ગત રાષ્ટ્રપતિ જોસેફ આર બિડેન જુનિયર દ્વારા આયોજિત ક્વાડ કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ સર્વાઇકલ કેન્સરને રોકવા, શોધવા અને સારવાર કરવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ બિડેનની આ વિચારશીલ પહેલની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ઈન્ડો-પેસિફિક દેશોમાં લોકોને સસ્તું, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય-સંભાળ પ્રદાન કરવામાં ઘણો આગળ વધશે. તેમણે કહ્યું હતું કે ભારત દેશમાં સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ પણ હાથ ધરે છે. ભારતના સ્વાસ્થ્ય સુરક્ષા પ્રયાસોની વાત કરતાં, તેમણે ઉલ્લેખ કર્યો કે દેશે સર્વાઇકલ કેન્સરની રસી વિકસાવી છે અને આ રોગ માટે AI આધારિત સારવાર પ્રોટોકોલ પર કામ કરી રહ્યું છે.
કેન્સર મૂનશોટ પહેલમાં ભારતના યોગદાન તરીકે, પ્રધાનમંત્રીએ એક વિશ્વ, એક સ્વાસ્થ્યના ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને, ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં કેન્સર પરીક્ષણ, સ્ક્રીનીંગ અને નિદાન માટે US $7.5 મિલિયનનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ એ પણ જાહેરાત કરી હતી કે ભારત ઈન્ડો-પેસિફિકમાં કેન્સર નિવારણ માટે રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણ માટે સમર્થન આપશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે GAVI અને QUAD કાર્યક્રમો હેઠળ ભારત તરફથી રસીના 40 મિલિયન ડોઝના સપ્લાયથી ઈન્ડો-પેસિફિક દેશોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જ્યારે ક્વાડ કાર્ય કરે છે, ત્યારે તે માત્ર રાષ્ટ્રો માટે નથી, તે લોકો માટે છે અને તે તેના માનવ-કેન્દ્રિત અભિગમનો સાચો સાર છે.
ભારત ડબ્લ્યુએચઓ-ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થમાં પોતાના 10 મિલિયન અમેરિકી ડોલરના યોગદાન દ્વારા કેન્સરની તપાસ, સંભાળ અને સાતત્ય માટે DPI પર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના રસ ધરાવતા દેશોને તકનીકી સહાય પણ પ્રદાન કરશે.
કેન્સર મૂનશોટ પહેલ દ્વારા, ક્વાડ નેતાઓએ ઇન્ડો-પેસિફિક દેશોમાં સર્વાઇકલ કેન્સરની સંભાળ અને સારવારની ઇકોસિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે સંયુક્ત કેન્સર મૂનશોટ ફેક્ટ શીટ બહાર પાડવામાં આવી હતી.