પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિર દર્શન અને પરિક્રમા કર્યા હતા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતિ પણ કરી હતી. રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા માટેના પોતાના કાર્યો બદલ લોકોમાં પૂજનીય સ્થાન ધરાવે છે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ આ શુભ અવસર પર તેમને ઉપસ્થિત રહેવાની તક મળી તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ ભગવાન શ્રી દેવનારાયણજીના આશીર્વાદ મેળવવા માટે ઇચ્છુક એક તીર્થયાત્રી તરીકે આવ્યા છે. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં ‘પૂર્ણાહુતિ’ કરી શક્યા તે બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દેવનારાયણજી અને 'જનતા જનાર્દન' બંનેના 'દર્શન'ની પ્રાપ્તિથી હું ધન્યતા અનુભવું છું". પ્રધાનમંત્રીએ વધુ ટિપ્પણી કરી હતી કે, "અહીં આવેલા દરેક અન્ય તીર્થયાત્રીઓની જેમ, હું દેશના નિરંતર વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે ભગવાન શ્રી દેવનારાયણજી પાસેથી આશીર્વાદ માંગું છું".
ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતરણ દિવસના ભવ્ય પ્રસંગ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ છેલ્લા એક સપ્તાહથી અહીં ચાલી રહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમાં ગુર્જર સમુદાયની સક્રિય ભાગીદારીની નોંધ લીધી હતી. તેમણે આ સમુદાયની દરેક વ્યક્તિના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રાચીનકાળથી નિરંતર વહી રહેલા ભારતીય ચેતનાના પ્રવાહનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માત્ર કોઇ જમીનનો સમૂહ નથી પરંતુ તે આપણી સભ્યતા, સંસ્કૃતિ, સંવાદિતા અને સામર્થ્યની અભિવ્યક્તિ છે. તેમણે ભારતીય સંસ્કૃતિની સ્થિતિસ્થાપકતા વિશે વાત કરી કારણ કે અન્ય ઘણી સંસ્કૃતિઓ બદલાતા સમય સાથે અનુકૂલન કરી શકી ન હતી અને નાશ પામી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતને ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રીતે તોડવાના અનેક પ્રયાસો થઇ રહ્યા હોવા છતાં કોઇ તાકાત ભારતને ખતમ કરી શકી નથી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના શાશ્વતતાને જાળવી રાખવાનો શ્રેય ભારતીય સમાજની શક્તિ અને પ્રેરણાને આપતા કહ્યું હતું કે "આજનું ભારત એક ભવ્ય ભવિષ્યનો પાયો નાંખી રહ્યું છે". ભારતની હજાર વર્ષ જૂની સફરમાં સમાજની શક્તિના યોગદાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ઇતિહાસના દરેક સમયગાળામાં સમાજની અંદર રહેલી ઊર્જાની નોંધ લીધી અને તે ઉર્જા દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક પ્રકાશનું કામ કરે છે તેવું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, ભગવાન શ્રી દેવનારાયણે હંમેશા સેવા અને જન કલ્યાણને પ્રાધાન્યતા આપી હતી. પ્રધાનમંત્રીએ શ્રી દેવનારાયણની લોક કલ્યાણ પ્રત્યેની નિષ્ઠા અને માનવજાતની સેવા કરવાનું તેમણે પસંદ કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ભગવાન દેવનારાયણે ચિંધેલો માર્ગ 'સબકા સાથ' દ્વારા 'સબકા વિકાસ'નો છે અને આજે દેશ એ જ માર્ગે આગળ વધી રહ્યો છે." છેલ્લાં 8-9 વર્ષથી દેશ વંચિત અને ઉપેક્ષિત એવા દરેક વર્ગને સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે ‘વંચિતોને અગ્રતા’ આપવાના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો જ્યારે ગરીબો માટે રાશનની ઉપલબ્ધતા અને ગુણવત્તા અંગે ભારે અનિશ્ચિતતા હતી. તેમણે કહ્યું કે, આજે, દરેક લાભાર્થીને સંપૂર્ણ રાશન મળી રહ્યું છે અને તે પણ મફતમાં મળી રહ્યું છે. આયુષ્માન ભારત યોજનાએ તબીબી સારવાર અંગેની ચિંતા દૂર કરી છે. તેમણે કહ્યું કે, "અમે આવાસ, શૌચાલય, ગેસ કનેક્શન અને વીજળી વિશે ગરીબ વર્ગની ચિંતાઓ પર પણ ધ્યાન આપી રહ્યા છીએ". તાજેતરના વર્ષોમાં લોકોનો નાણાકીય સમાવેશ કરવામાં આવ્યો તે બાબતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેંકોના દરવાજા હવે દરેક વ્યક્તિ માટે ખુલ્લા છે.
પ્રધાનમંત્રીએ અભિપ્રાય આપતા કહ્યું હતું કે, પાણીનું મૂલ્ય કેટલું છે એ કદાચ રાજસ્થાન કરતાં વધુ સારું કોઇ જાણતું નથી. તેમણે એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો કે, આઝાદીના કેટલાય દાયકાઓ વીતી ગયા પછી પણ, માત્ર 3 કરોડ પરિવારોને તેમના ઘરોમાં નળ દ્વારા પાણીના જોડાણ મળ્યા છે અને 16 કરોડથી વધુ પરિવારોને રોજિંદા ધોરણે પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારના પ્રયાસોથી, અત્યાર સુધીમાં અગિયાર કરોડથી વધુ પરિવારોને નળના જોડાણો આપવામાં આવ્યા છે. તેમણે કૃષિ ક્ષેત્રોને પાણી પહોંચાડવા માટે દેશમાં ચાલી રહેલા સર્વાંગી કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે માહિતી આપતાં કહ્યું કે આ યોજના દ્વારા 15000 કરોડ રૂપિયા સીધા જ રાજસ્થાનના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જણાવ્યું હતું કે, "પરંપરાગત રીતોનું વિસ્તરણ હોય કે પછી સિંચાઇ માટે નવી ટેકનોલોજીઓ અપનાવવાની હોય, ખેડૂતોને દરેક પગલામાં સહકાર આપવામાં આવે છે."
પ્રધાનમંત્રીએ ‘ગૌ સેવા’ને સમાજ સેવા અને સામાજિક સશક્તિકરણનું માધ્યમ બનાવવા માટે ભગવાન દેવનારાયણના અભિયાનનો ઉલ્લેખ કરતાં, દેશમાં ગૌ સેવાની વધતી જતી ભાવના તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે પગ અને મોઢાના રોગ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન, રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને રાષ્ટ્રીય ગોકુલ મિશનની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "'પશુ ધન' (પાલતુ પશુઓ) આપણી આસ્થા અને પરંપરાનું અભિન્ન અંગ હોવા ઉપરાંત આપણા ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ છે, તેથી જ, પ્રથમ વખત કિસાન ક્રેડિટ કાર્ડને પશુપાલન ક્ષેત્ર અને પશુપાલકો સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે'. એવી જ રીતે, ગોબર્ધન યોજના પણ કચરામાંથી સમૃદ્ધિનું સર્જન કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન આપતી વખતે પ્રધાનમંત્રીએ પંચ પ્રણોનો ઉલ્લેખ કર્યો હતો તેને યાદ કરીને તેમણે આપણા પોતાના વારસા પર ગૌરવ લેવાના, ગુલામીની માનસિકતાને તોડવાના, રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીઓને ધ્યાનમાં રાખવાના, આઝાદીની શહાદતને યાદ રાખવાના, આઝાદીના લડવૈયાઓ અને આપણા પૂર્વજો દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાના ઉદ્દેશ્યનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે, રાજસ્થાન એ વારસાની ભૂમિ છે જ્યાં કોઇપણ વ્યક્તિને સર્જન અને ઉજવણીનો ઉત્સાહ મળી જાય છે, જ્યાં શ્રમમાં દાન મળે છે, જ્યાં બહાદુરીને ઘર-ઘરની પરંપરા માનવામાં આવે છે અને આ ભૂમિ રંગો અને રાગોનો પર્યાય છે.
શ્રી મોદીએ તેજાજીથી પાબુજી, ગોગાજીથી રામદેવજી, બપ્પા રાવલથી લઇને મહારાણા પ્રતાપ જેવી મહાન વિભૂતિઓના અભૂતપૂર્વ યોગદાનની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, આ ભૂમિની મહાન વિભૂતિઓ, નેતાઓ અને સ્થાનિક દેવતાઓએ હંમેશા દેશને માર્ગદર્શન આપ્યું છે. પ્રધાનમંત્રીએ ખાસ કરીને ગુર્જર સમુદાયના યોગદાનની નોંધ લીધી જે હંમેશા વીરતા અને દેશભક્તિનો પર્યાય છે. તેમણે કહ્યું હતું કે, "રાષ્ટ્રીય સંરક્ષણની વાત હોય કે સંસ્કૃતિનું રક્ષણ કરવાનું હોય, ગુર્જર સમુદાયે દરેક સમયગાળામાં રક્ષકની ભૂમિકા નિભવી છે", અને ક્રાંતિવીર ભૂપ સિંહ ગુર્જરનું ઉદાહરણ આપ્યું હતું જેઓ વિજયસિંહ પથિક તરીકે પણ ઓળખાય છે. તેમણે પ્રેરણાદાયી બિજોલિયા કિસાન ચળવળનું નેતૃત્વ કર્યું હતું. શ્રી મોદીએ કોટવાલ ધનસિંહજી અને જોગરાજસિંહજીના યોગદાનને પણ યાદ કર્યું હતું. તેમણે ગુર્જર મહિલાઓની બહાદુરી અને યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને રામપ્યારી ગુર્જર તેમજ પન્ના ધાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ પરંપરા આજે પણ ખીલી રહી છે. આ દેશ માટે દુર્ભાગ્યની વાત એ છે કે, આવા અસંખ્ય લડવૈયાઓને આપણા ઇતિહાસમાં સ્થાન મેળવવા માટે હકદાર હોવા છતાં તે ઇતિહાસમાં સ્થાન પામી શક્યા નથી. પરંતુ નવું ભારત વિતેલા દાયકાઓઓમાં થયેલી આ ભૂલોને સુધારી રહ્યું છે”.
પ્રધાનમંત્રીએ ભગવાન દેવનારાયણજીના સંદેશ અને તેમણે આપેલા ઉપદેશોને આગળ ધપાવવા માટે ગુર્જર સમુદાયની નવી પેઢીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી ગુર્જર સમુદાય વધુ સશક્ત બનશે અને દેશને પણ આગળ વધવામાં મદદ મળશે. 21મી સદીનો સમયગાળો રાજસ્થાનના વિકાસ માટે મહત્વપૂર્ણ છે તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે એકજૂથ થવાની અને સાથે મળીનેકામ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આજે આખી દુનિયા ભારત તરફ મોટી આશા રાખીને જોઇ રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના સામર્થ્યના પ્રદર્શનથી યોદ્ધાઓની આ ભૂમિનું ગૌરવ પણ આખી દુનિયામાં વધ્યું છે. પ્રધાનમંત્રીએ ભગવાન દેવનારાયણજીના આશીર્વાદ અને સબકા પ્રયાસથી સફળતા પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ટીપ્પણી કરી હતી કે, “આજે, ભારત અન્ય દેશો પર પોતાની નિર્ભરતા ઓછી કરીને દુનિયાના દરેક મોટા પ્લેટફોર્મ પર નિરંતર આત્મવિશ્વાસ સાથે બોલે છે. આપણે આપણા સંકલ્પોને સાબિત કરીને વિશ્વની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે”.
પ્રધાનમંત્રી પોતાની વાતના સમાપન વખતે એ સંયોગની પણ નોંધ લીધી હતી કે, કમળમાં બિરાજમાન ભગવાન દેવનારાયણજીના 1111મા અવતરણ વર્ષમાં જ ભારત G-20ની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે, જેનો લોગોમાં પણ કમળના ફુલ પર પૃથ્વી જોવા મળે છે. તેમણે આ પ્રસંગે સામાજિક ઉર્જા અને ભક્તિના માહોલને નમન કરીને પોતાની વાતનું સમાપન કર્યું હતું.
કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી અર્જૂન રામ મેઘવાલ, માલસેરી ડુગરીના મુખ્ય પૂજારી શ્રી હેમરાજજી ગુર્જર અને સાંસદ શ્રી સુભાષ ચંદ્ર બહેરિયા સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
भगवान देवनारायण और जनता जनार्दन, दोनों के दर्शन करके मैं धन्य हो गया हूं: PM @narendramodi in Bhilwara, Rajasthan pic.twitter.com/UQRYUMc1DW
— PMO India (@PMOIndia) January 28, 2023
भारत सिर्फ एक भूभाग नहीं है, बल्कि हमारी सभ्यता की, संस्कृति की, सद्भावना की, संभावना की एक अभिव्यक्ति है। pic.twitter.com/6t9gDge8tv
— PMO India (@PMOIndia) January 28, 2023
भारत की हजारों वर्षों की यात्रा में समाजशक्ति की बहुत बड़ी भूमिका रही है। pic.twitter.com/FGUhCV9RpZ
— PMO India (@PMOIndia) January 28, 2023
बीते 8-9 वर्षों से देश समाज के हर उस वर्ग को सशक्त करने का प्रयास कर रहा है, जो उपेक्षित रहा है, वंचित रहा है। pic.twitter.com/fNAjuP7ZJZ
— PMO India (@PMOIndia) January 28, 2023
हम सभी अपनी विरासत पर गर्व करें, गुलामी की मानसिकता से बाहर निकलें और देश के लिए अपने कर्तव्यों को याद रखें। pic.twitter.com/FPWwXlRlts
— PMO India (@PMOIndia) January 28, 2023
आज पूरी दुनिया भारत की ओर बहुत उम्मीदों से देख रही है।
— PMO India (@PMOIndia) January 28, 2023
हमें अपने संकल्पों को सिद्ध कर दुनिया की उम्मीदों पर खरा उतरना है। pic.twitter.com/P8cez7pL0B