સાથીઓ,
સૌ પ્રથમ, હું તમને અને વિશ્વભરના લોકોને અને ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયને આ મહત્વપૂર્ણ તહેવાર પર મારી અનેક અનેક શુભેચ્છાઓ આપવા માગું છું. મેરી ક્રિસમસ!
આ ખાસ અને પવિત્ર અવસર પર તમે બધા મારાં નિવાસસ્થાને આવ્યા છો તે મારા માટે ખૂબ જ આનંદદાયક છે. જ્યારે ઈન્ડિયન માઈનોરિટી ફાઉન્ડેશને પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા સાથે મળીને નાતાલની ઉજવણી કરીએ, ત્યારે મેં તેમને કહ્યું કે મારે ત્યાં મનાવીએ, અને તેમાંથી આ કાર્યક્રમ બની ગયો. તેથી તે મારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. અનિલજીએ મને ખૂબ મદદ કરી, હું તેમનો પણ ખાસ આભારી છું. આમ, મેં તેને ખુશીથી સ્વીકારી લીધું હતું. આ પહેલ માટે હું લઘુમતી ફાઉન્ડેશનનો પણ ખૂબ આભારી છું.
ખ્રિસ્તી સમુદાય સાથેનો મારો સંબંધ કંઈ નવો નથી, તે ઘણો જૂનો, ખૂબ જ આત્મીય સંબંધ રહ્યો છે અને ખૂબ જ ઉષ્માભર્યો સંબંધ રહ્યો છે. જ્યારે હું ગુજરાતનો સીએમ હતો ત્યારે હું અવારનવાર ખ્રિસ્તી સમુદાય અને તેના નેતાઓ સાથે વાતચીત કરતો રહેતો હતો અને મણિનગર જ્યાંથી હું ચૂંટણી લડતો હતો, ત્યાં મોટી વસ્તી પણ છે અને તેનાં કારણે મારો સ્વાભાવિક સંબંધ રહેતો હતો. થોડાં વર્ષો પહેલા, મને પવિત્ર પોપને પણ મળવાનો લહાવો મળ્યો હતો. તે ખરેખર મારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ હતી. અમે આ પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવવા માટે સામાજિક સમરસતા, વૈશ્વિક ભાઈચારો, આબોહવા પરિવર્તન અને સર્વસમાવેશક વિકાસ જેવા ઘણા વિષયો પર લાંબા સમય સુધી બેસીને વાત કરી હતી.
સાથીઓ,
ક્રિસમસ એ દિવસ છે જ્યારે આપણે ઈશુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરીએ છીએ. તેમનાં જીવન, સંદેશ અને મૂલ્યોને પણ યાદ કરવાનો આ એક અવસર છે. ઈશુ કરુણા અને સેવાનાં મૂલ્યો સાથે જીવ્યા. તેમણે એક એવો સમાજ બનાવવાનું કામ કર્યું જેમાં બધા માટે ન્યાય હોય અને જે સર્વસમાવેશક હોય. આ મૂલ્યો આપણને આપણા દેશની વિકાસયાત્રામાં માર્ગદર્શક પ્રકાશની જેમ માર્ગદર્શન આપી રહ્યા છે.
સાથીઓ,
સામાજિક જીવનના વિવિધ પ્રવાહોમાં, આપણે ઘણાં એવાં સમાન મૂલ્યો જોઈએ છીએ જે આપણને બધાને એક કરે છે. દાખલા તરીકે, પવિત્ર બાઇબલમાં કહેવાયું છે કે ઈશ્વરે આપણને જે કંઈ ભેટ આપી છે, જે કંઈ સામર્થ્ય આપ્યું છે, આપણે તેનો ઉપયોગ બીજાની સેવા કરવા માટે કરવો જોઈએ. અને આ જ તો સેવા પરમો ધર્મ: છે. પવિત્ર બાઇબલમાં સત્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે માત્ર સત્ય જ આપણને મુક્તિનો માર્ગ બતાવશે. અને સંયોગ જુઓ, બધા પવિત્ર ઉપનિષદો પણ અંતિમ સત્યને જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી આપણે આપણી જાતને મુક્ત કરી શકીએ. આપણે આપણાં સહિયારાં મૂલ્યો અને આપણા વારસા પર ધ્યાન કેન્દ્રિત કરીને સાથે મળીને આગળ વધી શકીએ છીએ. 21મી સદીના આધુનિક ભારત માટે આ સહયોગ, આ સંવાદિતા, સબકા પ્રયાસની આ ભાવના ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
સાથીઓ,
પવિત્ર પોપે, તેમનાં ક્રિસમસ સંબોધનમાં, ઈશુ ખ્રિસ્તને પ્રાર્થના કરી કે જેઓ ગરીબીને સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે તેઓ તેમના આશીર્વાદ મેળવે. તેમનું માનવું છે કે ગરીબી વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચાડે છે. પવિત્ર પોપના આ શબ્દોમાં એ જ ભાવનાની ઝલક છે જે વિકાસ માટે આપણા મંત્રમાં છે. અમારો મંત્ર છે, સબકા સાથ- સબકા વિકાસ, સબકા વિશ્વાસ-સબકા પ્રયાસ.
સરકાર તરીકે, અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વિકાસના લાભો દરેક સુધી પહોંચે અને કોઈ પણ તેનાથી વંચિત ન રહે. આજે, દેશમાં થઈ રહેલા વિકાસનો લાભ ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકો, ખાસ કરીને ગરીબો અને વંચિતો સુધી પણ પહોંચી રહ્યો છે. મને યાદ છે, જ્યારે અમે મત્સ્યોદ્યોગ માટે એક અલગ મંત્રાલય બનાવ્યું, ત્યારે ખ્રિસ્તી સમુદાયના ઘણા માછીમાર ભાઈ-બહેનોએ અમારાં આ પગલાંની જાહેરમાં પ્રશંસા કરી, મારું પણ સન્માન કર્યું, મને ખૂબ અભિનંદન આપ્યા.
સાથીઓ,
નાતાલના આ અવસર પર, હું ચોક્કસપણે દેશ માટે ખ્રિસ્તી સમુદાય માટે એકવાર યોગદાન આપીશ કે ભારત તમારાં યોગદાનને ગર્વથી સ્વીકારે છે. ખ્રિસ્તી સમુદાયે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ખ્રિસ્તી સમુદાયના ઘણા વિચારકો અને નેતાઓ સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ હતા. ગાંધીજીએ પોતે કહ્યું હતું કે અસહકાર ચળવળની પરિકલ્પના સેન્ટ સ્ટીફન્સ કૉલેજના આચાર્ય સુશીલ કુમાર રુદ્રની છત્રછાયા હેઠળ કરવામાં આવી હતી.
સાથીઓ,
ખ્રિસ્તી સમુદાયે સમાજને દિશા આપવામાં સતત મહત્વની ભૂમિકા ભજવી છે. ખ્રિસ્તી સમુદાય સામાજિક સેવામાં સક્રિયપણે ભાગ લે છે, અને તમારો સમુદાય ગરીબો અને વંચિતોની સેવા માટે હંમેશા અગ્રેસર રહે છે. આજે પણ, સમગ્ર ભારતમાં, ખ્રિસ્તી સમુદાયની સંસ્થાઓ શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવાં મહત્વનાં ક્ષેત્રોમાં મોટું યોગદાન આપી રહી છે.
સાથીઓ,
2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, અમે અમારી વિકાસ યાત્રામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ અને સતત પ્રયાસો કરી રહ્યા છીએ. વિકાસની આ યાત્રામાં જો કોઈ અમારું સૌથી મહત્ત્વનું ભાગીદાર હોય તો તે આપણા યુવાનો છે. સતત વિકાસ માટે, આપણા યુવાનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ફિટ અને સ્વસ્થ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હેતુ માટે ચલાવવામાં આવી રહેલાં ઘણાં અભિયાન, જેમ કે ફિટ ઈન્ડિયા, બાજરીનો ઉપયોગ, પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું, માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને ડ્રગ્સ સામેની ઝુંબેશ જન આંદોલન બની ચૂક્યાં છે. હું ખ્રિસ્તી સમુદાયના નેતાઓને, ખાસ કરીને જેઓ શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમને આ મુદ્દાઓ વિશે લોકોને વધુ જાગૃત કરવા આગ્રહ કરીશ.
સાથીઓ,
ક્રિસમસ પર ભેટ આપવાની પરંપરા છે. મને પણ હમણાં જ એક ખૂબ જ પવિત્ર ભેટ મળી છે, અને તેથી, ચાલો આપણે આ અવસરે વિચાર કરીએ કે આપણે આવનારી પેઢીઓને કેવી રીતે વધુ સારા ગ્રહની ભેટ આપી શકીએ. ટકાઉપણું એ આજના સમયની જરૂરિયાત છે. ટકાઉ જીવનશૈલી જીવવી એ મિશન લાઇફનો કેન્દ્રિય સંદેશ છે. આ એક એવું આંતરરાષ્ટ્રીય આંદોલન છે જેનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે.
આ અભિયાન ગ્રહ તરફી લોકોને પ્રો-પ્લેનેટ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. અને સંપતજીએ નાનકડાં પુસ્તકમાં જે લીલો રંગ લાવવા માટે કહ્યું છે એનો પણ આ એક માર્ગ છે. અને ઉદાહરણ તરીકે, પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ, બાયો-ડિગ્રેડેબલ મટિરિયલ્સનો ઉપયોગ, બાજરી-શ્રી અન્નને અપનાવવાં, ન્યૂનતમ કાર્બન ફૂટપ્રિન્ટ સાથેનાં ઉત્પાદનોની ખરીદી, આપણે આવી ઘણી વસ્તુઓને આપણાં રોજિંદાં જીવનનો એક ભાગ બનાવી શકીએ છીએ, અને એક મોટો ફેરફાર લાવી શકીએ છીએ. અને હું માનું છું કે ખ્રિસ્તી સમુદાય, જે સામાજિક રીતે ખૂબ સભાન હોય છે, તે આ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને તેનું નેતૃત્વ કરી શકે છે.
સાથીઓ,
વોકલ ફોર લોકલનો એક વિષય પણ છે. જ્યારે આપણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીએ છીએ, જ્યારે આપણે ભારતમાં બનેલા માલસામાનના એમ્બેસેડર બનીએ છીએ, ત્યારે આ પણ એક રીતે દેશસેવા જ છે. વોકલ ફોર લોકલના મંત્રની સફળતા સાથે દેશના લાખો નાના ઉદ્યોગ સાહસિકોની રોજગારી અને સ્વરોજગાર જોડાયેલ છે. અને તેથી જ હું ખિસ્તી સમુદાયના લોકલ માટે અને વોકલ બનવા માટે આપ સૌનું માર્ગદર્શન એમને મળતું રહે, એ હું ચોક્કસ આગ્રહ કરીશ.
સાથીઓ,
ફરી એકવાર, અમે કામના કરીએ છીએ કે આ તહેવારોની મોસમ આપણને એક રાષ્ટ્ર તરીકે વધુ મજબૂત બનાવે, આપણા તમામ દેશવાસીઓને નજીક લાવે. આ તહેવારો એ બંધનને મજબૂત કરે જે આપણને આપણી વિવિધતામાં પણ એક રાખે છે.
ફરી એકવાર હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આપ સૌ સમય કાઢીને આવ્યા અને ખાસ કરીને આ ઉંમરે પણ આપ મુંબઈથી ખાસ દોડીને આવ્યા. જો કે, મને તમારામાંથી ઘણા લોકોના નિરંતર આશીર્વાદ મળતા રહે છે, મુલાકાત અને માર્ગદર્શન મળતું રહે છે. પણ આજે બધાને એક સાથે મળવાનો મોકો મળ્યો.
હું ફરી એકવાર તમારો આભાર માનું છું. હું આ બાળકોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ તેમના સ્વર અને તેમની ભાવનાઓથી આજે આપણા આ તહેવારને મજબૂત બનાવ્યો છે. આ બાળકોને મારા ઘણા ઘણા આશીર્વાદ.
આભાર.