મહામહિમ, મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ,
બંને પ્રતિનિધિગણના સભ્યો,
મીડિયાના પ્રતિનિધિઓ,
નમસ્કાર!
સૌથી પહેલા તો, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરવા માંગુ છું. વિતેલા કેટલાક વર્ષોમાં, ભારત અને માલદીવ્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવેસરથી જુસ્સો આવ્યો છે, આપણી નિકટતામાં વધારો થયો છે. મહામારીના કારણે ઊભા થયેલા પડકારો વચ્ચે પણ, આપણો સહયોગ વ્યાપક ભાગીદારીનું સ્વરૂપ લઈ રહ્યો છે.
મિત્રો,
આજે મેં, રાષ્ટ્રપતિ સોલિહ સાથે વ્યાપક ચર્ચા કરી છે. અમે આપણા દ્વિપક્ષીય સહકારના તમામ પરિમાણોનું મૂલ્યાંકન કર્યું છે અને મહત્વપૂર્ણ પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું છે.
થોડા સમય પહેલાં જ અમે ગ્રેટર મેલ કનેક્ટિવિટી પરિયોજનાના આરંભનું સ્વાગત કર્યું હતું. માલદીવ્સમાં આ સૌથી મોટી માળખાકીય સુવિધા પરિયોજના હશે.
આજે અમે ગ્રેટર મેલમાં 4000 સામાજિક આવાસ એકમોના નિર્માણ માટેની પરિયોજનાની પણ સમીક્ષા કરી છે. મને એ જાહેરાત કરતા ઘણ આનંદ થાય છે કે, અમે 2000 સામાજિક આવાસ એકમો માટે પણ વધારાની નાણાકીય સહાય પૂરી પાડીશું.
અમે 100 મિલિયન ડૉલરની વધારાની લાઇન ઓફ ક્રેડિટ પૂરી પાડવાનો પણ નિર્ણય લીધો છે જેથી કરીને તમામ પરિયોજનાઓનું કામ સમયબદ્ધ રીતે પૂરું થઇ શકે.
મિત્રો,
હિન્દ મહાસાગરમાં ટ્રાન્સ-નેશનલ ગુનાખોરી, આતંકવાદ અને નશીલા દ્રવ્યોની હેરાફેરીનું જોખમ ઘણું ગંભીર છે. અને આથી જ, સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં ભારત અને માલદીવ્સ વચ્ચેનો ગાઢ સંપર્ક અને સંકલન, સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. અમે આ તમામ સામાન્ય પડકારો સામે અમારો સહયોગ વધાર્યો છે. તેમાં માલદીવ્સના સુરક્ષા અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ અને તાલીમ સહાયનો પણ સમાવેશ થાય છે. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, ભારત માલદીવ્સના સુરક્ષા દળ માટે 24 વાહનો અને એક નેવલ બોટ આપશે. અમે માલદીવ્સના 61 ટાપુઓમાં પોલીસ સુવિધાઓના નિર્માણમાં પણ સહયોગ આપીશું.
મિત્રો,
માલદીવ્સ સરકારે 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હું આ પ્રતિબદ્ધતા બદલ રાષ્ટ્રપતિ સોલિહને અભિનંદન પાઠવું છું અને એ પણ ખાતરી આપું છું કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત દ્વારા માલદીવ્સને શક્ય હોય તે તમામ પ્રકારે સમર્થન આપવામાં આવશે. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વ, એક સૂર્ય, એક ગ્રીડની પહેલ કરી છે અને આ અંતર્ગત અમે માલદીવ્સ સાથે અસરકારક પગલાં લઇ શકીએ છીએ.
મિત્રો,
આજે ભારત અને માલદીવની ભાગીદારી માત્ર બંને દેશોના નાગરિકોના હિતમાં કામ કરી રહી છે એવું થી, પરંતુ આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જળવાઇ રહે તેનો સ્રોત પણ બની રહી છે.
માલદીવની કોઇપણ જરૂરિયાત અથવા સંકટમાં ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર રાષ્ટ્ર રહ્યું છે અને આગળ પણ રહેશે.
હું રાષ્ટ્રપતિ સોલિહ અને તેમના પ્રતિનિધિમંડળને ભારતની સુખદ મુલાકાતની શુભેચ્છા પાઠવું છું.
ખુબ ખુબ આભાર.