પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉર્જા અને અક્ષય ઉર્જા ક્ષેત્રમાં અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણની દિશામાં વિચારવિમર્શ માટે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ઉર્જા અને નવી તેમજ અક્ષય ઉર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર); હિતધારકો અને ઉર્જા ક્ષેત્રના ક્ષેત્રીય નિષ્ણાતો, ઉદ્યોગો અને સંગઠનોના પ્રતિનિધિઓ, ડિસ્કોમના MDs, અક્ષય ઉર્જા માટે રાજ્યોની નોડલ એજન્સીઓના CEOs, ગ્રાહક સમૂહો તેમજ ઉર્જા મંત્રાલય અને નવી તેમજ અક્ષય ઉર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ઉર્જા ક્ષેત્ર ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે અને તે ઇઝ ઓફ લિવિંગ તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ બંનેમાં યોગદાન આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વેબિનાર, સરકાર અને ખાનગી ક્ષેત્રો વચ્ચેના ભરોસાનો સંકેત આપે છે અને આ ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતોના ઝડપી અમલીકરણ માટેની રીતો શોધવાનો એક પ્રયાસ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર માટે સરકારનો અભિગમ સર્વાંગી છે અને આ અભિગમ ‘પહોંચ, મજબૂતીકરણ, સુધારા અને અક્ષય ઉર્જા’ આ ચાર મંત્રથી માર્ગદર્શિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પહોંચને ઇન્સ્ટોલેશનની ક્ષમતા દ્વારા વધુ મજબૂત કરવાની જરૂર છે અને તેના માટે સુધારાઓ આવશ્યક છે. આ બધાની સાથે અક્ષય ઉર્જા હાલના સમયની માંગ છે.
આ બાબતે વધુ આગળ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પહોંચ માટે સરકાર દરેક ગામડાં અને દરેક પરિવાર સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ક્ષમતાના મજબૂતીકરણના સંદર્ભમાં, ભારત એક સમયે ઉર્જા અછત વાળા દેશની સ્થિતિમાંથી હવે ઉર્જા સિલક વાળા દેશની સ્થિતિમાં આવી ગયો છે. તાજેતરના વર્ષોમાં, ભારતે 139 ગીગા વૉટ્સની ક્ષમતાનો ઉમેરો કર્યો છે અને એક રાષ્ટ્ર એક ગ્રીડ એક ફ્રિક્વન્સીનાં લક્ષ્ય સુધી પહોંચ્યું છે. નાણાકીય અને પરિચાલન ક્ષમતાઓમાં સુધારો લાવવા માટે રૂપિયા 2 લાખ 32 હજાર કરોડ રૂપિયાની કિંમતના બોન્ડ ઇશ્યુ કરીને UDAY યોજના જેવા સુધારા લાવવામાં આવ્યા છે. પાવરગ્રીડની અસ્કયાતમોનું મુદ્રીકરણ કરવા માટે માળખાગત સુવિધા રોકાણ ટ્રસ્ટ – InvITની સ્થાપના કરવામાં આવી હતી જે ટૂંક સમયમાં રોકાણકારો માટે ખુલી જશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અક્ષય ઉર્જાની ક્ષમતા છેલ્લા છ વર્ષમાં વધીને અઢી ગણી થઇ ગઇ છે. સૌર ઉર્જા ક્ષમતામાં 15 ગણો વધારો થયો છે. આ વર્ષે ભારતના અંદાજપત્રએ માળખાગત સુવિધાના ક્ષેત્રમાં રોકાણ માટેની અભૂતપૂર્વ કટિબદ્ધતાઓ બતાવી છે. મિશન હાઇડ્રોજન, સ્થાનિક સ્તરે સોલર સેલનું વિનિર્માણ અને અક્ષય ઉર્જા ક્ષેત્રમાં મોટાપાયે મૂડી રોકાણમાં આ સ્પષ્ટ છે.
PLI યોજનાનો સંદર્ભ ટાંકતા, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ઉચ્ચ કાર્યદક્ષ સૌર PV મોડ્યૂલ હવે PLI યોજનાનો હિસ્સો છે અને સરકાર તેમાં રૂપિયા 4500 કરોડનું રોકાણ કરવા માટે કટિબદ્ધ છે. તેમણે આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. PLI યોજના અંતર્ગત, 10 હજાર MW ક્ષમતાના એકીકૃત સોલર PV વિનિર્માણ પ્લાન્ટ્સને કાર્યાન્વિત કરવામાં આવશે જેમાં અંદાજે રૂપિયા 14 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આના કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત સામગ્રી જેમકે, EVA, સોલર ગ્લાસ, બેકશીટ, જંકશન બોક્સ વગેરેની માંગમાં વધારો થવાની સંભાવના છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે આપણી કંપનીઓને માત્ર સ્થાનિક માંગ પૂરી કરનારી તરીકે નહીં પરંતુ વૈશ્વિક વિનિર્માણ ચેમ્પિયન બનતી જોવા માંગીએ છીએ.”
સરકારે અક્ષય ઉર્જા ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સૌર ઉર્જા નિગમમાં રૂપિયા 1000 કરોડની વધારાની મૂડી ઉમેરવા માટેની કટિબદ્ધતાનો સંકેત આપ્યો છે. તેવી જ રીતે, ભારતીય અક્ષય ઉર્જા વિકાસ એજન્સીને રૂપિયા 1500 કરોડનું વધારાનું રોકાણ પ્રાપ્ત થશે.
પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખાસ કહ્યું હતું કે, નિયમનકારી અને પ્રક્રિયાઓના માળખામાં સુધારાઓના કારણે, ઉર્જા ક્ષેત્ર પ્રત્યેના દૃષ્ટિકોણમાં નોંધનીય સુધારો આવ્યો છે. સરકાર ઉર્જાને ઉદ્યોગ ક્ષેત્રના ભાગરૂપે નહીં પરંતુ એક અલગ ક્ષેત્ર તરીકે જ ગણે છે. ઉર્જાના આ સહજ મહત્વના કારણે જ સરકાર પ્રત્યેક વ્યક્તિને ઉર્જા ઉપલબ્ધ થાય તે માટે તીવ્ર પ્રયાસો પર ધ્યાન આપી રહી છે. સરકાર વિતરણ ક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓ નિવારવા પર પણ ધ્યાન આપી રહી છે. આ માટે, ડિસ્કોમ માટે નીતિ અને નિયમનકારી માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો અન્ય છુટક કોમોડિટીની જેમ આમાં પણ કામગીરીના આધારે તેમના પૂરવઠાકાર પસંદ કરી શકવા જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવેશ અવરોધોથી મુક્ત વિતરણ ક્ષેત્ર અને વિતરણ તેમજ પૂરવઠા માટે લાઇસન્સ આપવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પ્રિપેઇડ સ્માર્ટ મીટર, ફીડર અલગીકરણ અને પ્રણાલીમાં અપગ્રેડેશન માટેના પ્રયાસો પણ હાલમાં ચાલી રહ્યાં છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, PM KUSUM યોજના હેઠળ ખેડૂતો ઉર્જા ઉદ્યોગસાહસિકો બની ગયા છે. ખેડૂતોના ખેતરોમાં નાના પ્લાન્ટ્સ દ્વારા 30 GW સૌર ઉર્જાની ઉત્પાદનની ક્ષમતાનું સર્જન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પહેલાંથી જ, રૂપટોપ સોલર પરિયોજના દ્વારા 4 GW ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવી છે જેમાં ટૂંક સમયમાં 2.5 GWનો ઉમેરો કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આગામી દોઢ વર્ષના સમયમાં રૂપટોપ સોલર પરિયોજના દ્વારા 40 GW સૌર ઉર્જા મેળવવાનું લક્ષ્ય છે.