Atal Tunnel would transform the lives of the people in Himachal, Leh, Ladakh and J&K: PM Modi
Those who are against recent agriculture reforms always worked for their own political interests: PM Modi
Government is committed to increasing the income of farmers, says PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં સોલાંગ ઘાટીમાં અભિનંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ અગાઉ દિવસની શરૂઆતમાં તેઓ રોહતાંગમાં વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ દેશને અર્પણ કરી હતી અને હિમાચલ પ્રદેશમાં સિસ્સુમાં આભાર સમારોહમાં સામેલ થયા હતા.

ટનલની પરિવર્તનકારક અસર

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અટલજી મનાલી માટે વિશેષ પ્રેમ ધરાવતા હતા. એટલે જ તેમણે આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ વધારવા, આ વિસ્તારને દેશ સાથે આખું વર્ષ જોડવા અને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા આ ટનલનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અટલ ટનલ હિમાચલ, લેહ, લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેમણે કહ્યું હતું કે, આ ટનલથી સામાન્ય લોકોના ભારણમાં ઘટાડો થયો છે અને હવે આખું વર્ષ લાહૌલ અને સ્પિતિ સાથે સરળતાપૂર્વક જોડાણની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ ટનલ પ્રાદેશિક અર્થતંત્ર અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

તેમણે જણાવ્યું હતું કે, એ દિવસો દૂર નથી, જ્યારે પ્રવાસીઓ કુલ્લુ મનાલીમાં સિડ્ડૂ ઘીનો નાસ્તો કરશે અને લાહૌલ જઈ શકશે અને ત્યાં ‘દો-માર’ અને ‘ચિલાડે’નું લંચ લેશે

હમીરપુરમાં ધૌલસિધ હાઇડ્રો પ્રોજેક્ટ

પ્રધાનમંત્રીએ હમીરપુરમાં 66 મેગાવોટની ક્ષમતા ધરાવતા ધૌલસિધ હાઇડ્રો પ્રોજેક્ટના નિર્માણની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ વીજળી પ્રદાન કરવાની સાથે વિસ્તારમાં રોજગારીની કેટલીક તકોનું સર્જન પણ કરશે.

તેમણે કહ્યું હતું કે, સરકાર દેશભરમાં આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે અવિરતપણે પ્રયાસો કરી રહી છે, ખાસ કરીને ગ્રામીણ માર્ગો, રાજમાર્ગો, વીજ પ્રોજેક્ટ્સ, રેલવે થકી જોડાણ અને હવાઈ જોડાણ સામેલ છે. આ પ્રયાસોમાં હિમાચલ પ્રદેશ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

હિમાચલ પ્રદેશમાં માળખાગત વિકાસ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કિરાતપુર – કુલ્લુ – મનાલી રોડ કોરિડોર, ઝીરકપુર – પારવાનૂ – સોલાન – કૈથાલીઘાટ રોડ કોરિડોર, નાંગલ ડેમ – તાલવાડા રેલ રુટ, ભાનુપલી – બિલાસપુર રેલ રુટમાં કામ સંપૂર્ણ ઝડપથી ચાલુ છે અને આ તમામ પ્રોજેક્ટ શક્ય એટલી વહેલી તકે પૂર્ણ કરવાના તથા હિમાચલની જનતા માટે શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે.

તેમણે કહ્યું હતું કે, માર્ગ, રેલવે અને વીજળીની જેમ મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ મૂળભૂત સુવિધાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે, જે લોકોના જીવનને સુવિધાજનક બનાવે છે.

પ્રધાનમંત્રીએ સરકારના દેશભરમાં 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઇબર પાથરવાના કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જે ચાલુ વર્ષે 15 ઓગસ્ટથી 1000 દિવસમાં પૂર્ણ થશે.

તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાઓમાં વાઇ-ફાઈ હોટસ્પોટ સ્થાપિત કરવામાં આવશે અને ગ્રામીણ ઘરોમાં પણ ઇન્ટરનેટ જોડાણ મળી શકશે. આ સાથે હિમાચલ પ્રદેશના બાળકોને દરેક રીતે લાભ થશે. તેમણે શિક્ષણની સુવિધાઓ મળશે, દવાઓ મળશે અને સાથે-સાથે પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર લોકોના જીવનને સરળ બનાવવા અને તેમને તેમના અધિકારોને સંપૂર્ણ લાભ મળે છે એ સુનિશ્ચિત કરવા સતત પ્રયાસરત છે. પગાર, પેન્શન, બેંકિંગ સેવાઓ, વીજળી અને ટેલીફોનના બિલોની ચુકવણી વગેરે જેવી લગભગ તમામ સરકારી સેવાઓનું ડિજિટાઇઝેશન થયું છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના ઘણા સુધારાથી સમયની બચત થાય છે, નાણાંની બચત થાય છે અને ભ્રષ્ટાચાર બંધ થાય છે.

કોરોનાવાયરસના સમયગાળા દરમિયાન પણ સેંકડો કરોડો રૂપિયા હિમાચલ પ્રદેશના 5 લાખથી વધારે પેન્શનર અને આશરે 6 લાખ લાભાર્થીઓના જન ધન ખાતામાં જમા થયા છે.

વિવિધ કૃષિલક્ષી સુધારા

પ્રધાનમંત્રીએ તાજેતરમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત સરકારના સુધારાનો વિરોધ કરતાં લોકોની ટીકા કરતાં જણાવ્યું હતું કે, આ સુધારાથી પોતાના અંગત રાજકીય હિતો ધરાવતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આ પ્રકારનાં લોકો મુશ્કેલીમાં મૂકાય છે, કારણ કે વચેટિયાઓની વ્યવસ્થાનો અંત આવી જાય છે, તેમણે ઊભા કરેલા દલાલોની બાદબાકી થઈ જાય છે.

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, કુલ્લુ, શિમલા, કે કિન્નૌરના ખેડૂતો પાસેથી સફરજનની ખરીદી કિલોગ્રામદીઠ રૂ. 40થી રૂ. 50ના ભાવે થાય છે અને એનું વેચાણ ગ્રાહકોને કિલોદીઠ રૂ. 100થી રૂ. 150માં થાય છે. એનાથી ન તો ખેડૂતોને લાભ થાય છે, ન ગ્રાહકોને. એટલું જ નહીં હવે સફરજનની સિઝન વેગ પકડવાની છે, ત્યારે એની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે અને નાની વાડી ધરાવતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કાયદાઓમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. હવે જો નાનાં ખેડૂતો તેમનું સંગઠન બનાવવા સ્વતંત્ર છે અને દેશમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિને સફરજનનું વેચાણ કરી શકશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી દેશનાં લગભગ 10.25 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં આશરે 1 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. એમાં હિમાચલમાં 9 લાખ ખેડૂત પરિવારો સામેલ છે, જેમને આશરે 1000 કરોડ રૂપિયા મળ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હજુ હમણા સુધી દેશમાં ઘણા ક્ષેત્રોમાં મહિલાઓને કામ કરવાની મંજૂરી નહોતી, પણ તાજેતરમાં શ્રમ આચારસંહિતા લાગુ થવાથી તેઓ હવે અગાઉ તેમના માટે પ્રતિબંધિત ક્ષેત્રોમાં કામ કરી શકશે. હવે મહિલાઓને પુરુષો જેવું કામ કરવાનો અને એટલો જ પગાર મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશના દરેક નાગરિકોને આત્મવિશ્વાસ વધારવા અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા સુધારાની આ પ્રક્રિયા જળવાઈ રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ અને દેશના દરેક યુવાનોના સ્વપ્ન અને આકાંક્ષાઓ સર્વોપરી છે.

Click here to read PM's speech