પ્રધાનમંત્રીએ રામચંદ્ર મિશનની સ્થાનની 75મી જયંતિના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ લોકો વચ્ચે અર્થપૂર્ણતા, શાંતિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સુખાકારી લાવવા માટે મિશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે યોગને લોકપ્રિય બનાવવા માટે પણ મિશનના પ્રયાસોને બિરદાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દુનિયાભરમાં લોકો હાલના ઝડપી અને તણાવયુક્ત જીવનમાં જીવનશૈલી સંબંધિત બિમારીઓ અને રોગચાળાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે સહજ માર્ગ, સહૃદયતા અને યોગ દુનિયા માટે આશાના કિરણ સમાન છે.
ભારતે કોરોના રોગચાળાના સફળતાપૂર્વક કરેલા સામનાનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 130 કરોડ ભારતીયો દુનિયા માટે ઉદાહરણરૂપ બની ગયા છે. એમાં સામાન્ય સમજણ અને યોગ-આયુર્વેદની પરંપરાગત રીતોએ મોટી ભૂમિકા ભજવી છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ભલાઈના કાર્યો વધારવા માનવકેન્દ્રિત અભિગમને અનુસરી રહ્યો છે. આ માનવકેન્દ્રિત અભિગમ કલ્યાણ, સુખાકારી અને સંપત્તિના સ્વસ્થ સંતુલન પર આધારિત છે. છેલ્લાં છ વર્ષમાં ભારતે દુનિયામાં વિશ્વના સૌથી મોટા જાહેર કલ્યાણના વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. આ પ્રયાસોનો ઉદ્દેશ ગરીબોના જીવનને ગરિમામય બનાવવાનો અને તેમના માટે વધુને વધુ તકોનું સર્જન કરવાનો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનથી લઈને સામાજિક કલ્યાણકારક યોજનાઓ, રસોડાઓના ધુમાડાથી મુક્ત કરવાથી ઉજ્જવલા યોજનાથી લઈને બેંકિંગની સુવિધાથી વંચિત લોકોને બેંકિંગ સાથે જોડવાની યોજના, ટેકનોલોજીની સુવિધાથી લઈને તમામ માટે ઘર પૂરી પાડવાની યોજના – આ તમામ ભારત સરકારની કલ્યાણકારક યોજનાઓ અનેક લોકોના જીવનને સ્પર્શી રહી છે.
પ્રધાનમંત્રીએ ભારતના આરોગ્યલક્ષી સુખાકારી પર બોલતા કહ્યું હતું કે, ભારતના આરોગ્યલક્ષી સુખાકારીના વિચારો રોગની સારવાર પૂરતાં મર્યાદિત નથી. હકીકતમાં આ વિચારો આરોગ્યને જાળવવા માટે પણ છે. શ્રી મોદીએ ભારતની મુખ્ય હેલ્થકેર યોજના આયુષ્માન ભારત તરફ ધ્યાન દોર્યું હતું, જેના લાભાર્થીઓની સંખ્યા અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોની વસ્તીથી વધારે છે. આ વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના છે. તેમણે કહ્યું હતું કે, દવાઓ અને તબીબી ઉપકરણની કિંમતોમાં પણ ઘટાડો થયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે રસીકરણમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યો છે. આપણે આપણા દેશની સાથે સંપૂર્ણ વિશ્વમાં આરોગ્યલક્ષી સુખાકારી વધારવાની દ્રષ્ટિ ધરાવીએ છીએ. ભારતીયો પાસે આરોગ્ય અને સુખાકારી જાળવવાનો સમૃદ્ધ વારસો છે. તેમણે લોકોને ભારતને આધ્યાત્મિક અને સુખાકારીના પ્રવાસન માટેનું કેન્દ્ર બનાવવા કામ કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણી યોગ અને આયુર્વેદની શાખાઓ સંપૂર્ણ માનવજાતને સ્વસ્થ રાખવામાં પ્રદાન કરી શકે છે. આપણે આ વિદ્યાઓને દુનિયા સમજી શકે એ ભાષાઓમાં રજૂ કરવાની જરૂર છે.
શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ અને ધ્યાન તરફ લોકોના રસમાં વધારા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આખી દુનિયામાં હતાશા-નિરાશા એક પડકારજનક સ્થિતિ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ સમસ્યાનું સમાધાન કરવામાં હાર્ટફૂલનેસ પ્રોગ્રામ મદદરૂપ થશે. તેમણે પોતાની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “રોગમુક્ત નાગરિકો, માનસિક રીતે મજબૂત નાગરિકો ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.”