પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્રની શરૂઆત પહેલા મીડિયાને એક નિવેદન આપ્યું હતું.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ એ બાબતના ગર્વ વ્યક્ત કર્યો હતો કે 60 વર્ષ પછી સતત ત્રીજા ટર્મ માટે કોઈ સરકાર આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટને પ્રસ્તુત કરવાને દેશ એક ગૌરવશાળી ઘટના તરીકે જુએ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બજેટ અમૃત કાલનું સીમાચિહ્નરૂપ બજેટ છે અને સરકાર આ અવધિમાં આપવામાં આવેલી ગેરંટીને જમીન પર ઉતારવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, "આ બજેટ વર્તમાન સરકારનાં આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્નનો મજબૂત પાયો નાખશે."
તેમણે તે વાત પર પ્રકાશ પાડ્યો કે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 8 ટકાની વૃદ્ધિ સાથે ભારત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે. તેમણે જણાવ્યું કે, આજે સકારાત્મક દૃષ્ટિકોણ, રોકાણ અને કામગીરીને કારણે તકો ટોચ પર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે તમામ લડાઈઓ રાજકીય પક્ષો વચ્ચે થઈ રહી છે અને લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી નાગરિકોએ સરકારને ચૂંટી છે. તેમણે તમામ સાંસદોને એકસાથે આવવા અને આગામી 5 વર્ષ સુધી દેશ માટે ખભેખભો મિલાવીને લડવાનો અનુરોધ કર્યો. તેમણે તમામ રાજકીય પક્ષોને તેમના સંગઠનોથી ઉપર ઉઠીને આગામી સાડા ચાર વર્ષ સુધી સંસદના પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ થવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, "જાન્યુઆરી 2029માં ચૂંટણીના યુદ્ધના મેદાનમાં જાઓ. ત્યાં સુધી દેશને, તેના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને જ પ્રાથમિકતા મળવી જોઈએ." તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનાં સ્વપ્નો અને સંકલ્પોને સાકાર કરવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.
પ્રધાનમંત્રીએ તે વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, કેટલાંક રાજકીય પક્ષોનાં નકારાત્મક અભિગમને કારણે ઘણાં સાંસદોને તેમનાં અભિપ્રાયો રજૂ કરવાની અને તેમનાં મતવિસ્તાર સાથે સંબંધિત મુદ્દાઓ રજૂ કરવાની કોઈ તક મળી શકી નથી. તેમણે તમામ પક્ષોને અપીલ કરી કે તેઓ તમામ સભ્યોને, ખાસ કરીને પ્રથમ વખતના સભ્યોને તેમના મંતવ્યો રજૂ કરવાની તકો આપે. શ્રી મોદીએ લોકોને ચૂંટાયેલી સરકાર અને સંસદમાં પ્રધાનમંત્રીના ભાષણને દબાવવાના પ્રયાસો અંગે યાદ અપાવ્યું. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું, "લોકશાહી પરંપરાઓમાં આને કોઈ સ્થાન નથી."
પ્રધાનમંત્રીએ સાંસદોને યાદ અપાવ્યું હતું કે, દેશના લોકોએ રાજકીય પક્ષોના એજન્ડા નહીં પણ દેશની સેવા કરવાનો જનાદેશ આપ્યો છે. તેમણે ભાર આપતાં કહ્યું, "આ ગૃહ રાજકીય પક્ષો માટે નથી, આ ગૃહ દેશ માટે છે. તે સાંસદોની સેવા કરવા માટે નથી પરંતુ ભારતના 140 કરોડ નાગરિકોની સેવા કરવા માટે છે." પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તમામ સાંસદો સાર્થક ચર્ચાવિચારણામાં પોતાનું યોગદાન આપશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશને સકારાત્મક વિચારોની જરૂર છે, જે તેને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું કે, "વિરોધ કરનારાઓના વિચારો ખરાબ નથી, પરંતુ તે નકારાત્મક વિચારો જ વિકાસને અવરોધે છે." તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, લોકશાહીના આ મંદિરનો ઉપયોગ સામાન્ય નાગરિકોનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે થશે.