પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જી20 શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.
ઇન્દોરમાં મહાનુભવોને આવકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક અને જીવંત શહેર તેની સમૃદ્ધ રાંધણ પરંપરાઓ પર ગર્વ અનુભવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ શહેરને તેના તમામ રંગો અને સ્વાદમાં માણવા મળશે.
રોજગારી એ સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક અને સામાજિક પરિબળોમાંનું એક છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ રોજગારીનાં ક્ષેત્રમાં સૌથી મોટાં પરિવર્તનોનાં બૂરવા પર છે તથા તેમણે આ ઝડપી પરિવર્તનોનું સમાધાન કરવા માટે જવાબદાર અને અસરકારક વ્યૂહરચનાઓ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં આ યુગમાં રોજગારી માટે ટેકનોલોજી મુખ્ય પ્રેરકબળ બની ગઈ છે અને રહેશે. તેમણે છેલ્લાં આ પ્રકારનાં ટેકનોલોજી-સંચાલિત પરિવર્તન દરમિયાન ભારતની અસંખ્ય ટેકનોલોજી રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો તથા યજમાન શહેર ઇન્દોરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે આ પ્રકારનાં પરિવર્તનોની નવી લહેરનું નેતૃત્વ કરી રહેલા ઘણાં સ્ટાર્ટઅપ્સનું ઘર છે.
પ્રધાનમંત્રીએ અત્યાધુનિક ટેકનોલોજી અને પ્રક્રિયાઓનાં ઉપયોગ સાથે કાર્યદળને કૌશલ્ય પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો તથા ભવિષ્યમાં કામ કરતાં કર્મચારીઓ માટે કૌશલ્યસંપન્નતા, પુનઃકૌશલ્ય સંવર્ધન અને અપ-સ્કિલિંગ મંત્ર હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતનાં 'સ્કિલ ઇન્ડિયા મિશન'ને વાસ્તવિક સ્વરૂપ આપવાનાં અને 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના'નાં ઉદાહરણો ટાંક્યાં હતાં, જેણે અત્યાર સુધી ભારતનાં 12.5 મિલિયનથી વધારે યુવાનોને તાલીમ આપી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને ડ્રોન્સ જેવા ઉદ્યોગનાં 'ફોર પોઇન્ટ ઓ' ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે."
પ્રધાનમંત્રીએ કોવિડ દરમિયાન ભારતના અગ્ર હરોળના આરોગ્ય કર્મચારીઓના કૌશલ્ય અને સમર્પણ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તે ભારતની સેવા અને કરૂણાની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારત દુનિયામાં કુશળ કાર્યબળ પૂરું પાડનારા દેશોમાંથી એક બનવાની સંભવિતતા ધરાવે છે અને ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે મોબાઇલ કાર્યબળ વાસ્તવિકતામાં પરિવર્તિત થવાનું છે. તેમણે સાચા અર્થમાં કૌશલ્યના વિકાસ અને વહેંચણીના વૈશ્વિકરણમાં જી-20ની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કૌશલ્ય અને લાયકાતની જરૂરિયાતોને આધારે વ્યવસાયોના આંતરરાષ્ટ્રીય સંદર્ભ શરૂ કરવા સભ્ય દેશોનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન તથા સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારીનાં નવા મોડલની જરૂર છે. તેમણે નોકરીદાતાઓ અને કામદારો સાથે સંબંધિત આંકડાઓ, માહિતી અને ડેટાનું આદાન-પ્રદાન કરવાનું સૂચન કર્યું હતું, જે દુનિયાભરના દેશોને વધુ સારા કૌશલ્ય, કાર્યબળના આયોજન અને લાભદાયક રોજગારી માટે પુરાવા-આધારિત નીતિઓ ઘડવા માટે સશક્ત બનાવશે.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, પરિવર્તનકારી પરિવર્તન એ ગિગ અને પ્લેટફોર્મ અર્થતંત્રમાં કામદારોની નવી શ્રેણીઓનો વિકાસ છે, જે રોગચાળા દરમિયાન સ્થિતિસ્થાપકતાનાં આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યાં છે. તેમણે ઉમેર્યું કે, તે લવચીક કાર્યકારી વ્યવસ્થા પ્રદાન કરે છે અને આવકના સ્ત્રોતોને પણ પૂરક બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમાં લાભદાયક રોજગારીનું સર્જન કરવાની પુષ્કળ સંભવિતતા છે, ખાસ કરીને યુવાનો માટે, ત્યારે તે મહિલાઓનાં સામાજિક આર્થિક સશક્તિકરણ માટે પરિવર્તનકારી સાધન પણ બની રહ્યું છે. શ્રી મોદીએ તેની સંભવિતતાને સમજવાની અને આ નવા-યુગના કામદારો માટે નવા-યુગની નીતિઓ અને હસ્તક્ષેપોની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નિયમિત કાર્ય માટે તકો ઊભી કરવા માટે સ્થાયી સમાધાન શોધવાનું સૂચન કર્યું હતું તથા સામાજિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા નવા મોડલ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતનાં 'ઇ-શ્રમ પોર્ટલ' પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં આશરે 280 મિલિયન રજિસ્ટ્રેશન થયાં છે અને આ કામદારો માટે લક્ષિત હસ્તક્ષેપ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશોએ સમાન ઉકેલો અપનાવવા જોઈએ કારણ કે કાર્યની પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય બની ગઈ છે.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી એ 2030ની કાર્યસૂચિનું મુખ્ય પાસું હોવા છતાં, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવેલું વર્તમાન માળખું માત્ર એવા લાભો માટે જવાબદાર છે, જેનું માળખું કેટલીક સંકુચિત રીતે રચાયેલું છે, ત્યારે અન્ય સ્વરૂપે પ્રદાન કરવામાં આવેલા કેટલાંક લાભોને આ માળખા હેઠળ આવરી લેવામાં આવ્યાં નથી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં સામાજિક સુરક્ષાનાં વ્યાપનું યોગ્ય ચિત્ર સમજવા સાર્વત્રિક જાહેર આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, વીમા અને પેન્શન કાર્યક્રમો જેવા લાભોનો હિસાબ આપવો પડશે. તેમણે સૂચવ્યું હતું કે, દરેક દેશની વિશિષ્ટ આર્થિક ક્ષમતાઓ, તાકાતો અને પડકારોને ધ્યાનમાં લેવા, કારણ કે સામાજિક સુરક્ષાને સ્થાયી નાણાકીય સહાય માટે વનસાઈઝ- ફિટ્સ ઓલ અભિગમ અનુકૂળ નથી.
સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ બેઠક દુનિયાભરના તમામ કાર્યકર્તાઓનાં કલ્યાણ માટે મજબૂત સંદેશ આપશે. તેમણે આ ક્ષેત્રમાં કેટલીક અતિ આવશ્યક સમસ્યાઓનું સમાધાન કરવા માટે તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.