પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ગતિશક્તિના વિઝન અને કેન્દ્રીય બજેટ 2022 સાથે તેના સંકલન પર એક વેબિનારને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત પોસ્ટ બજેટ વેબિનારની શ્રેણીમાં આ છઠ્ઠો વેબિનાર છે.
પ્રધાનમંત્રી કહ્યું કે આ વર્ષના બજેટે 21મી સદીમાં ભારતના વિકાસની ગતિ (ગતિશક્તિ) નક્કી કરી છે. ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ’ની આ દિશા આપણા અર્થતંત્રની મજબૂતાઈમાં અસાધારણ વધારા તરફ દોરી જશે અને રોજગારની ઘણી નવી શક્યતાઓ ઊભી કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની પરંપરાગત રીતોમાં હિતધારકો વચ્ચે સંકલનના અભાવને રેખાંકિત કર્યો. આ વિવિધ સંબંધિત વિભાગો વચ્ચે સ્પષ્ટ માહિતીના અભાવને કારણે હતું. પીએમ ગતિશક્તિના કારણે હવે દરેક વ્યક્તિ સંપૂર્ણ માહિતી સાથે પોતાની યોજના બનાવી શકશે. આનાથી દેશના સંસાધનોનો મહત્તમ ઉપયોગ પણ થશે”,એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ સરકાર જે સ્તરે માળખાકીય વિકાસ કરી રહી છે તેના પર ભાર મૂકીને પ્રધાનમંત્રી ગતિશક્તિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. "વર્ષ 2013-14માં, ભારત સરકારનો સીધો મૂડી ખર્ચ લગભગ 1.75 લાખ કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2022-23માં વધીને સાડા સાત લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે",એવી પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી. “ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, ઇમ્પ્લીમેન્ટેશન અને મોનિટરિંગને પીએમ ગતિ-શક્તિ તરફથી નવી દિશા મળશે. આનાથી પ્રોજેક્ટના સમય અને ખર્ચમાં પણ ઘટાડો થશે,”એમ તેમણે ઉમેર્યું.
શ્રી મોદીએ કહ્યું, “સહકારી સંઘવાદના સિદ્ધાંતને મજબૂત બનાવતા, અમારી સરકારે આ વર્ષના બજેટમાં રાજ્યોની સહાય માટે એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારો આ રકમનો ઉપયોગ મલ્ટિમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઉત્પાદક સંપત્તિઓ પર કરી શકશે.” તેમણે દુર્ગમ પહાડી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા માટે નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને આ સંબંધમાં નોર્થ-ઈસ્ટ માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ (PM-DevINE) નો ઉલ્લેખ કર્યો. પીએલઆઈ પહેલનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ ખાનગી ક્ષેત્રને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે PM ગતિ-શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં, 400થી વધુ ડેટા સ્તરો હવે ઉપલબ્ધ છે, જે ફક્ત વર્તમાન અને સૂચિત માળખાકીય સુવિધાઓની જ નહીં પરંતુ જંગલની જમીન અને ઉપલબ્ધ ઔદ્યોગિક વસાહત વિશે પણ માહિતી આપે છે. તેમણે સૂચન કર્યું કે ખાનગી ક્ષેત્રે તેમના આયોજન માટે તેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ અને રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી હવે સિંગલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. “જેના કારણે ડીપીઆર સ્ટેજ પર જ પ્રોજેક્ટ સંરેખણ અને વિવિધ પ્રકારની મંજૂરીઓ મેળવવાનું શક્ય બનશે. આ તમારા અનુપાલન બોજને ઘટાડવામાં પણ મદદરૂપ થશે”,એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને તેમના પ્રોજેક્ટ્સ અને આર્થિક ક્ષેત્રો માટે PM ગતિ-શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન બેઝ બનાવવા પણ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે “આજે પણ ભારતમાં લોજિસ્ટિક કોસ્ટ જીડીપીના 13 થી 14 ટકા ગણવામાં આવે છે. આ અન્ય દેશો કરતાં વધુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્ષમતા સુધારવામાં પીએમ ગતિ-શક્તિની મોટી ભૂમિકા છે.” પ્રધાનમંત્રીએ આ બજેટમાં પ્રદાન કરેલ યુનિફાઇડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ- ULIP વિશે વાત કરી હતી અને જે વિવિધ સરકારી વિભાગો દ્વારા તેમની જરૂરિયાતો અનુસાર સ્વીકારવામાં આવી રહી છે, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે. "યુલિપ દ્વારા 6 મંત્રાલયોની 24 ડિજિટલ સિસ્ટમ્સ એકીકૃત કરવામાં આવી રહી છે. આ નેશનલ સિંગલ વિન્ડો લોજિસ્ટિક્સ પોર્ટલ બનાવશે જે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે”,એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ વધુ સારા સંકલન દ્વારા લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા માટે દરેક વિભાગમાં લોજિસ્ટિક્સ ડિવિઝન અને સચિવોના અધિકાર પ્રાપ્ત જૂથ જેવા પગલાં વિશે માહિતી આપી હતી. "આપણી નિકાસને PM ગતિ-શક્તિ દ્વારા પણ ખૂબ મદદ મળશે, આપણાં MSME વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે સક્ષમ બનશે",એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગતિ-શક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી લઈને વિકાસ અને ઉપયોગના તબક્કા સુધીના માળખાકીય નિર્માણમાં સાચી જાહેર-ખાનગી ભાગીદારીને સુનિશ્ચિત કરશે. "આ વેબિનારમાં, સરકારી સિસ્ટમ સાથે મળીને ખાનગી ક્ષેત્ર કેવી રીતે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે તેના પર પણ વિચાર મંથન થવું જોઈએ",એમ શ્રી મોદીએ કહ્યું.