ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની થીમ: નવા ભારતના ટેકેડનું પ્રેરકત્વ
પ્રધાનમંત્રીએ 'ડિજિટલ ઇન્ડિયા ભાષિની', 'ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ' અને 'Indiastack.global' લૉન્ચ કર્યું; 'માય સ્કીમ' અને 'મેરી પહેચાન'નું પણ લોકાર્પણ
પ્રધાનમંત્રીએ ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની જાહેરાત કરી
"ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0માં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે"
"ઓનલાઈન થઈને ભારતે ઘણી લાઈનો દૂર કરી છે"
"ડિજિટલ ઈન્ડિયાએ સરકારને નાગરિકોનાં ઘર અને ફોન સુધી પહોંચાડી છે"
"ભારતનો ફિનટેક પ્રયાસ ખરેખર લોકો દ્વારા, લોકોનો અને લોકો માટેનો ઉકેલ છે"
"આપણાં ડિજિટલ સોલ્યુશન્સમાં સ્કેલ, સુરક્ષા અને લોકશાહી મૂલ્યો છે"
"ભારત આગામી ત્રણ-ચાર વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને 300 અબજ ડૉલરથી વધુ સુધી લઈ જવાનાં લક્ષ્ય પર કામ કરી રહ્યું છે"
"ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આ ક્ષેત્રના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો કાર્યક્રમ 21મી સદીમાં ભારતને સતત આધુનિક બનાવવાની ઝલક આપે છે. ડિજિટલ ઈન્ડિયા દ્વારા, ભારતે માનવતાના વિકાસ માટે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કેટલો ક્રાંતિકારી છે તેનું ઉદાહરણ આપ્યું છે. "મને આનંદ છે કે આઠ વર્ષ પહેલાં શરૂ થયેલું આ અભિયાન બદલાતા સમય સાથે જાતે વિસ્તરી રહ્યું છે", એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી, સમય તેને પાછળ છોડીને આગળ વધે છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ભારત આનો શિકાર બન્યું હતું. પરંતુ આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0માં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ બાબતે પણ આગેવાની લેવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.

8-10 વર્ષ પહેલાની સ્થિતિ યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જન્મ પ્રમાણપત્ર, બિલની ચુકવણી, રાશન, પ્રવેશ, પરિણામ અને બૅન્કો માટેની લાઈનોની પરિસ્થિતિમાંથી ભારતે ઓનલાઈન થઈને આ તમામ લાઈનો દૂર કરી છે. જીવન પ્રમાણપત્ર, અનામત, બૅન્કિંગ વગેરે જેવી ઘણી બધી સેવાઓ સુલભ, ઝડપી અને સસ્તી બની ગઈ છે. એ જ રીતે, ટેકનોલોજી દ્વારા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, છેલ્લાં 8 વર્ષમાં લાભાર્થીઓના ખાતામાં 23 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટેકનોલોજીના કારણે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે”, એમ તેમણે ભ્રષ્ટાચારને ડામવામાં ડિજિટલ ઈન્ડિયાની ભૂમિકા પર ભાર મૂકતા ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાએ સરકારને નાગરિકોનાં ઘર અને ફોન સુધી પહોંચાડી છે. 1.25 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો અને ગ્રામીણ સ્ટોર્સ હવે ગ્રામીણ ભારતમાં ઈ-કોમર્સ લઈ જઈ રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેવી જ રીતે ગ્રામીણ મિલકતોના પ્રોપર્ટીના દસ્તાવેજો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

મહામારી દરમિયાન ટેકનોલોજીના ઉપયોગ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં ડિજિટલ ઈન્ડિયાએ જે શક્તિ બનાવી છે તેનાથી ભારતને કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ઘણી મદદ મળી છે. “અમે એક ક્લિક પર દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોનાં બૅન્ક ખાતામાં હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન સુનિશ્ચિત કર્યું છે.” અમે વિશ્વનો સૌથી મોટો અને સૌથી કાર્યક્ષમ કોવિડ રસીકરણ અને કોવિડ રાહત કાર્યક્રમ ચલાવ્યો છે. આપણાં Cowin પ્લેટફોર્મ દ્વારા લગભગ 200 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

વધુમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “ભારતનો ફિનટેક પ્રયાસ ખરેખર લોકો દ્વારા, લોકોનો, લોકો માટેનો ઉકેલ છે. તેમાં ટેક્નોલોજી ભારતની પોતાની એટલે કે લોકો દ્વારા છે. દેશવાસીઓએ તેને પોતાનાં જીવનનો હિસ્સો બનાવ્યો છે એટલે કે લોકોનો. તેનાથી દેશવાસીઓનો વ્યવહાર સરળ બન્યો એટલે કે લોકો માટે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, વૈશ્વિક સ્તરે 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે. "આપણાં ડિજિટલ સોલ્યુશન્સમાં સ્કેલ, સુરક્ષા અને લોકશાહી મૂલ્યો છે", તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ આવનારાં 4-5 વર્ષમાં ઇન્ડસ્ટ્રી 4.0 માટે 14-15 લાખ યુવાનોને સ્કિલ, અપસ્કિલ અને રિસ્કિલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, "સ્પેસ, મૅપિંગ, ડ્રોન, ગેમિંગ અને એનિમેશન, આવાં ઘણાં ક્ષેત્રો જે ડિજિટલ ટેકનોલોજીના ભવિષ્યને વિસ્તૃત કરવા જઈ રહ્યાં છે, તેને નવીનતા માટે ખોલવામાં આવ્યાં છે. IN-SPACe અને નવી ડ્રોન નીતિ જેવી જોગવાઈઓ આ દાયકામાં આવનારાં વર્ષોમાં ભારતની ટેકની ક્ષમતાને નવી ઊર્જા આપશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “આજે, ભારત આગામી ત્રણ-ચાર વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને 300 અબજ ડૉલરથી વધુ સુધી લઈ જવાનાં લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છે. સેમિકન્ડક્ટરનું ઉત્પાદન વધારવા માટે ભારતમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે.”

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ડિજિટલ ઈન્ડિયા અભિયાન પોતાનામાં નવા આયામો ઉમેરતું રહેશે અને દેશના નાગરિકોની સેવા કરવાનું ચાલુ રાખશે.

શરૂ કરાયેલી પહેલોની વિગતો:

'ડિજિટલ ઈન્ડિયા ભાષિની' ભારતીય ભાષાઓમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે, જેમાં વૉઇસ-આધારિત ઍક્સેસનો સમાવેશ થાય છે અને ભારતીય ભાષાઓમાં સામગ્રીનાં નિર્માણમાં મદદ મળશે. ભારતીય ભાષાઓ માટે AI-આધારિત ભાષા ટેકનોલોજી સોલ્યુશન્સ બનાવવામાં મુખ્ય હસ્તક્ષેપ બહુભાષી ડેટાસેટ્સનું નિર્માણ હશે. ડિજિટલ ઈન્ડિયા ભાષિની ભાષાદાન નામની ક્રાઉડસોર્સિંગ પહેલ દ્વારા આ ડેટાસેટ્સનું નિર્માણ કરવા માટે વ્યાપક નાગરિક જોડાણને સક્ષમ બનાવશે.

‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ’ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ્સ માટે જન-નેક્સ્ટ સપોર્ટ) - ભારતનાં ટિયર-II અને ટિયર-III શહેરોમાં સ્ટાર્ટઅપ્સને શોધવા, સમર્થન આપવા, વૃદ્ધિ કરવા અને સફળ બનાવવા માટે એક રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે. આ યોજના માટે કુલ ₹ 750 કરોડના ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે.

‘Indiastack.global’ - આધાર, UPI, Digilocker, Cowin વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનો વૈશ્વિક ભંડાર છે. ગ્લોબલ પબ્લિક ડિજિટલ ગુડ્સ રિપોઝીટરીમાં ભારતની આ ઑફર વસ્તીના વ્યાપે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સ બનાવવામાં ભારતને અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને આવા ટેક્નોલોજી સોલ્યુશન્સ શોધી રહેલા અન્ય દેશો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

'MyScheme' - સરકારી યોજનાઓ સુધી પહોંચવાની સુવિધા આપતું સેવા શોધ પ્લેટફોર્મ. તેનો ઉદ્દેશ્ય વન-સ્ટોપ સર્ચ અને ડિસ્કવરી પોર્ટલ ઓફર કરવાનો છે જ્યાં વપરાશકર્તાઓ તેઓ માટે લાયક હોય તેવી સ્કીમ શોધી શકે. તેમણે નાગરિકોને ‘મેરી પહેચાન’ પણ સમર્પિત કરી- વન સિટીઝન લોગિન માટે નેશનલ સિંગલ સાઈન ઓન. નેશનલ સિંગલ સાઇન-ઓન (એનએસએસઓ) એ એક વપરાશકર્તા પ્રમાણીકરણ સેવા છે જેમાં ઓળખનો એક સમૂહ બહુવિધ ઑનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની ઍક્સેસ પ્રદાન કરે છે.

C2S પ્રોગ્રામનો હેતુ બેચલર, માસ્ટર્સ અને રિસર્ચ સ્તરે સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઇનનાં ક્ષેત્રમાં વિશેષ માનવશક્તિને તાલીમ આપવાનો છે અને દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં સામેલ સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવાનો છે. તે સંસ્થાકીય સ્તરે માર્ગદર્શકને ઓફર કરે છે અને સંસ્થાઓને ડિઝાઇન માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. સેમિકન્ડક્ટર્સમાં મજબૂત ડિઝાઇન ઇકોસિસ્ટમ બનાવવા માટે આ ભારત સેમિકન્ડક્ટર મિશનનો એક ભાગ છે.

ડિજિટલ ઈન્ડિયા વીક 2022માં ગાંધીનગરમાં 4 થી 6 જુલાઈ દરમિયાન રૂબરૂ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરશે અને દર્શાવશે કે કેવી રીતે સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે આધાર, UPI, Cowin, Digilocker વગેરેએ નાગરિકો માટે જીવન જીવવાની સરળતા સક્ષમ કરી છે.

તે વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતની તકનીકી કૌશલ્યનું પ્રદર્શન કરશે, હિતધારકોની વિશાળ શ્રેણી સાથે સહયોગ અને વ્યવસાયની તકોનું અન્વેષણ કરશે અને નેક્સ્ટજેન માટે તકોના ટેકેડને રજૂ કરશે. તે સ્ટાર્ટઅપ અને સરકાર, ઉદ્યોગ અને એકેડેમિયાના નેતાઓની ભાગીદારીનું સાક્ષી બનશે. 200થી વધુ સ્ટોલ સાથે એક ડિજિટલ મેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જે જીવનની સરળતાને સક્ષમ કરતાં ડિજિટલ સોલ્યુશન્સ અને ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા ઉકેલોને પણ પ્રદર્શિત કરશે. ડિજિટલ ઈન્ડિયા વીકમાં 7મીથી 9મી જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં ઈન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ પણ હશે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi