પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થતાં અગાઉ મીડિયાને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનની શરૂઆત આજના અવસરને સંસદીય લોકતંત્રમાં ગૌરવશાળી અને ભવ્ય દિવસ ગણાવીને કરી હતી કારણ કે આઝાદી બાદ પહેલીવાર નવી સંસદમાં શપથ ગ્રહણ સમારોહ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ મહત્વપૂર્ણ દિવસે, હું નવા ચૂંટાયેલા તમામ સાંસદોનું હાર્દિક સ્વાગત કરું છું અને દરેકને અભિનંદન આપું છું."
આ સંસદની રચનાને ભારતનાં સામાન્ય માનવીનાં ઠરાવોને પૂર્ણ કરવાનાં સાધન તરીકે ગણાવીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ નવા ઉત્સાહ સાથે નવી ઝડપ અને ઊંચાઈ હાંસલ કરવાની મહત્ત્વપૂર્ણ તક છે. તેમણે કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ કરવાનાં લક્ષ્યાંકને સાકાર કરવા માટે આજે 18મી લોકસભા શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વિશ્વની સૌથી મોટી ચૂંટણીનું ભવ્ય આયોજન 140 કરોડ નાગરિકો માટે ગર્વની વાત છે. પ્રધાનમંત્રીએ આનંદ સાથે કહ્યું કે, "65 કરોડથી વધારે મતદાતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો", તેમણે કહ્યું કે, આઝાદી પછી આ માત્ર બીજી વખત છે, જ્યારે દેશે કોઈ સરકારને ત્રીજી વખત સેવા કરવાનો જનાદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, "આ તક 60 વર્ષ પછી આવી છે, જે તેને પોતાનામાં જ એક ગૌરવશાળી ઘટના બનાવે છે."
પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી ટર્મ માટે સરકારને ચૂંટી કાઢવા બદલ નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સરકારના ઇરાદા, નીતિઓ અને લોકો પ્રત્યેના સમર્પણ પર મંજૂરીની મહોર મારે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, "છેલ્લાં 10 વર્ષમાં અમે પરંપરા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે અમે માનીએ છીએ કે સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, પણ દેશને ચલાવવા માટે સર્વસંમતિ અતિ મહત્ત્વપૂર્ણ છે." તેમણે જણાવ્યું કે, 140 કરોડ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સર્વસંમતિ સાધીને અને સૌને સાથે રાખીને મા ભારતીની સેવા કરવાનો સરકારનો સતત પ્રયાસ રહ્યો છે.
સૌને સાથે લઈને ચાલવાની અને ભારતના બંધારણના દાયરામાં રહીને નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ 18મી લોકસભામાં શપથ લેનારા યુવા સાંસદોની સંખ્યા પર ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય પરંપરાઓ અનુસાર 18 નંબરના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ગીતામાં 18 અધ્યાય છે, જે કર્મ, કર્તવ્ય અને કરૂણાનો સંદેશ આપે છે, પુરાણો અને ઉપપુરાણોની સંખ્યા 18 છે, 18નો મૂળાંક 9 છે જે પૂર્ણતાનું પ્રતીક છે અને ભારતમાં કાયદાકીય રીતે મતદાનની ઉંમર 18 વર્ષ છે. શ્રી મોદીએ કહ્યું કે, "18મી લોકસભા ભારતનો અમૃતકાલ છે. આ લોકસભાની રચના પણ એક શુભ સંકેત છે”
પ્રધાનમંત્રીએ કાલે 25 જૂને કટોકટીનાં 50 વર્ષ પૂરાં થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ભારતીય લોકતંત્ર પર એક કાળો ડાઘ છે. શ્રી મોદીએ કહ્યું કે, ભારતની નવી પેઢી એ દિવસને ક્યારેય નહીં ભૂલે, જ્યારે લોકશાહીને દબાવીને ભારતનાં બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું અને દેશને જેલ બનાવી દેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને ભારતની લોકશાહી અને લોકશાહી પરંપરાઓની રક્ષા માટે સંકલ્પ લેવા માટે પ્રોત્સાહિત કર્યા જેથી આવી ઘટના ફરી ક્યારેય ન સર્જાય. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "અમે અત જીવંત લોકશાહીનો સંકલ્પ લઈશું અને ભારતના બંધારણ અનુસાર સામાન્ય લોકોનાં સપનાંઓને સાકાર કરીશું."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, લોકોએ ત્રીજી મુદત માટે સરકારને ચૂંટી હોવાથી સરકારની જવાબદારીમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે નાગરિકોને ખાતરી આપી કે સરકાર પહેલા કરતા ત્રણ ગણી વધુ મહેનત કરશે જ્યારે ત્રણ ગણા સારા પરિણામો પણ લાવશે.
નવા ચૂંટાયેલા સાંસદો પાસેથી દેશની ઊંચી અપેક્ષાઓની નોંધ લઈને પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને આગ્રહ કર્યો કે તેઓ આ તકનો ઉપયોગ લોકકલ્યાણ અને જાહેર સેવા માટે કરે તથા જાહેર હિતમાં શક્ય તમામ પગલાં ભરે. વિપક્ષની વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશના લોકો તેમની પાસે લોકતંત્રની ગરિમા જાળવી રાખીને પોતાની ભૂમિકા પૂરી રીતે નિભાવે તેવી અપેક્ષા રાખે છે. તેમણે વધુમાં કહ્યું કે, "હું આશા રાખું છું કે વિપક્ષો તેમાં યોગ્ય પુરવાર થશે." શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, લોકો સૂત્રોને બદલે સાર્થકતા ઇચ્છે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સાંસદો સામાન્ય નાગરિકોની એ અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
પ્રધાનમંત્રીએ તમામ સાંસદોની જવાબદારી પર ભાર મૂકતા કહ્યું કે તેઓ સામૂહિક રીતે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરે અને લોકોનો વિશ્વાસ મજબૂત કરે. તેમણે કહ્યું કે, 25 કરોડ નાગરિકો ગરીબીમાંથી બહાર આવે તે એક નવો વિશ્વાસ ઊભો કરે છે કે ભારત સફળ થઈ શકે છે અને બહુ જલદી ગરીબીમાંથી મુક્તિ મેળવી શકે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, "આપણા દેશના 140 કરોડ નાગરિકો, સખત મહેનત કરવામાં પીછેહઠ કરતા નથી. આપણે તેમને મહત્તમ તકો પૂરી પાડવી જોઈએ." તેમણે કહ્યું કે, આ ગૃહ સંકલ્પોનું ગૃહ બનશે અને 18મી લોકસભા સામાન્ય નાગરિકોનાં સ્વપ્નોને સાકાર કરશે. પ્રધાનમંત્રીએ સાંસદોને અભિનંદન આપીને પોતાના વક્તવ્યનું સમાપન કર્યું અને સંપૂર્ણ સમર્પણ સાથે તેમને તેમની નવી જવાબદારી અદા કરે તેવો આગ્રહ કર્યો.