પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર મહામહિમ શ્રી કાર્લ નેહમરે આજે સંયુક્તપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, ઊર્જા, એન્જિનીયરિંગ અને સ્ટાર્ટ-અપ્સ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણી ઓસ્ટ્રિયન અને ભારતીય સીઇઓના જૂથને સંબોધન કર્યું હતું.
બંને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવામાં ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સ્વીકારી હતી. બંને નેતાઓએ નોંધ્યું હતું કે, બંને દેશો વચ્ચે વર્ષોથી વેપાર અને રોકાણમાં વધારો થઈ રહ્યો છે તથા તેમણે વધારે સહયોગનાં માધ્યમથી ભારત-ઓસ્ટ્રિયા ભાગીદારીની સંપૂર્ણ સંભવિતતાને સાકાર કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયન વ્યાવસાયિક હિતધારકોને ભારતમાં ઝડપથી વિકસી રહેલી તકો પર ધ્યાન આપવા અપીલ કરી હતી, કારણ કે દેશ આગામી થોડાં વર્ષોમાં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતે છેલ્લાં 10 વર્ષમાં પરિવર્તનકારી પ્રગતિ કરી છે અને તે રાજકીય સ્થિરતા, નીતિગત આગાહી અને સુધારાલક્ષી આર્થિક એજન્ડાની તાકાતને ધ્યાનમાં રાખીને આ જ માર્ગે અગ્રેસર રહેશે. તેમણે વેપારવાણિજ્ય સરળ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં પર ભાર મૂક્યો હતો, જે ભારતમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફ આકર્ષી રહી છે. ભારતીય આર્થિક વૃદ્ધિ અને પરિવર્તનનો ઉલ્લેખ કરીને તેમણે સ્ટાર્ટ-અપ્સનાં ક્ષેત્રમાં ભારતની સફળતાની નોંધ લીધી હતી, જેમાં અત્યાધુનિક માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી છે અને હરિયાળા એજન્ડામાં આગળ વધવાની તેની કટિબદ્ધતાની નોંધ લીધી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે સ્થાપિત સ્ટાર્ટ-અપ સેતુનાં નોંધપાત્ર પરિણામો મળશે. આ સંદર્ભે તેમણે સૂચન કર્યું હતું કે, બંને દેશોએ સાથે મળીને સંયુક્ત હેકાથોનનું આયોજન કરવું જોઈએ. તેમણે દેશમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફળતા અને કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સને સુધારવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પણ વાત કરી હતી.
ભારતની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયન કંપનીઓને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર એમ બંને માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ખર્ચે ઉત્પાદન માટે ભારતીય આર્થિક પરિદ્રશ્યનો લાભ લેવા તથા વૈશ્વિક પુરવઠા શ્રુંખલાના સ્થળ તરીકે ઉપયોગ કરવા વિનંતી કરી હતી. આ સંદર્ભમાં તેમણે સેમીકન્ડક્ટર્સ, મેડિકલ ડિવાઇસીસ, સોલર પીવી સેલ્સ વગેરે ક્ષેત્રોમાં વૈશ્વિક ઉત્પાદન કંપનીઓને આકર્ષવા ભારતની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારતની આર્થિક શક્તિઓ અને કૌશલ્યો તથા ઓસ્ટ્રિયન ટેકનોલોજી વેપાર, વૃદ્ધિ અને સ્થિરતા માટે સ્વાભાવિક ભાગીદારો છે.
તેમણે ઓસ્ટ્રિયન ઉદ્યોગોને ભારતમાં રોકાણની તકોનો ઉપયોગ કરવા અને ભારતની ઉત્કૃષ્ટ વિકાસગાથાનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું.