"ભારતે ગ્લોબલ સાઉથના ઘણા દેશો સહિત 100થી વધુ દેશોમાં કોવિડ -19 રસીના લગભગ 300 મિલિયન ડૉઝ મોકલ્યા હતા"
"ભારતનું પરંપરાગત જ્ઞાન કહે છે કે માંદગીની ગેરહાજરી એટલે જ સારું સ્વાસ્થ્ય એવું નથી"
"ભારતના પ્રાચીન ગ્રંથો આપણને વિશ્વને એક પરિવાર તરીકે જોવાનું શીખવે છે"
"ભારતના પ્રયાસોનો ઉદ્દેશ છેવાડા સુધી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે"
"ભારતની વિવિધતાના વ્યાપ સાથે કામ કરતો અભિગમ અન્ય રાષ્ટ્રો માટે પણ એક માળખું બની શકે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે સ્વિટ્ઝર્લેન્ડનાં જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંમેલનનાં 76મા સત્રને સંબોધન કર્યું હતું.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને વિશ્વ આરોગ્ય સંસ્થાને 75 વર્ષથી વિશ્વની સેવા કરવાનાં ઐતિહાસિક સીમાચિહ્નને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે ડબ્લ્યુએચઓ ૧૦૦ વર્ષની સેવા સુધી પહોંચશે ત્યારે એ માટેનાં આગામી ૨૫ વર્ષ માટેનાં લક્ષ્યો નક્કી કરશે.

હેલ્થકેરમાં વધારે સહયોગ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી દરમિયાન ઉજાગર થયેલી વૈશ્વિક સ્વાસ્થ્ય માળખામાં રહેલી ખામીઓ પર પ્રકાશ પાડ્યો હતો તથા સ્થિતિસ્થાપક વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ કરવા અને વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે, દેશે ગ્લોબલ સાઉથના ઘણા દેશો સહિત 100થી વધારે દેશોમાં કોવિડ-19 રસીના લગભગ 300 મિલિયન ડૉઝ મોકલ્યા છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી વર્ષોમાં સમાન સંસાધનોની સુલભતાને ટેકો આપવો એ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) માટે ટોચની પ્રાથમિકતા રહેશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનું પરંપરાગત જ્ઞાન કહે છે કે, બીમારીની ગેરહાજરી એ જ સારાં સ્વાસ્થ્ય બરાબર નથી." તેમણે નોંધ્યું હતું કે, વ્યક્તિએ માત્ર બિમારીઓથી મુક્ત થવું જ ન જોઈએ, પણ સુખાકારી તરફ પણ એક પગલું ભરવું જોઈએ. યોગ, આયુર્વેદ અને ધ્યાન જેવી પરંપરાગત પદ્ધતિઓના ફાયદાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, તે સ્વાસ્થ્યનાં શારીરિક, માનસિક અને સામાજિક પાસાંઓને સંબોધિત કરે છે તથા ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનાં પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થઈ રહી છે એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતે પણ ખુશી વ્યક્ત કરી હતી કે, બાજરીનાં મહત્વ અંગે જાગૃતિ લાવવામાં આંતરરાષ્ટ્રીય બાજરીનું વર્ષ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.

આપણને દુનિયાને એક પરિવાર તરીકે જોવાનું શીખવતા ભારતનાં પ્રાચીન ધર્મગ્રંથોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વસુધૈવ કુટુમ્બકમ્‌". તેમણે 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર'ની જી20 થીમ પર વાત કરી હતી અને કહ્યું હતું કે, સારાં સ્વાસ્થ્ય માટે ભારતનું વિઝન 'વન અર્થ વન હેલ્થ' છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું વિઝન ફક્ત મનુષ્યો સુધી જ મર્યાદિત નથી, પણ તે પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સહિત સંપૂર્ણ ઇકોસિસ્ટમ સુધી વિસ્તૃત છે. તેમણે કહ્યું કે આપણે ત્યારે જ સ્વસ્થ રહી શકીએ છીએ જ્યારે આપણી આખી ઇકોસિસ્ટમ સ્વસ્થ હોય.

હેલ્થકેરની ઉપલબ્ધતા, સુલભતા અને વાજબીપણાનાં સંબંધમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની સફળતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના – આયુષ્માન ભારત, સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓમાં મોટા પાયે વધારો અને દેશમાં કરોડો પરિવારોને સ્વચ્છતા અને પીવાનું પાણી પૂરું પાડવાનાં અભિયાનનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. ભારતના ઘણા પ્રયાસોનો ઉદ્દેશ દેશમાં છેવાડાનાં સ્તરે સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, ભારતની વિવિધતાનાં વ્યાપ સાથે કામ કરતો અભિગમ અન્ય દેશો માટે પણ એક માળખું બની શકે છે. શ્રી મોદીએ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આવા જ પ્રયાસો માટે ડબ્લ્યુએચઓને ટેકો આપવા માટે આતુરતા વ્યક્ત કરી હતી.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ તમામ માટે સ્વાસ્થ્યને આગળ વધારવાનાં 75 વર્ષનાં પ્રયાસો પર વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભવિષ્યમાં આગળ આવનારા પડકારો માટે ડબ્લ્યુએચઓ જેવી વૈશ્વિક સંસ્થાઓની ભૂમિકા વધારે મહત્ત્વપૂર્ણ બની રહેશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "ભારત વધુ સ્વસ્થ દુનિયાનું નિર્માણ કરવા માટેના દરેક પ્રયાસમાં મદદ કરવા કટિબદ્ધ છે."

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament

Media Coverage

MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2025
December 21, 2025

Assam Rising, Bharat Shining: PM Modi’s Vision Unlocks North East’s Golden Era