પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે યોજવામાં આવેલી G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં વીડિયો લિંક દ્વારા સંબોધન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું વારાણસીમાં સ્વાગત કર્યું, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ શહેર તેમનો સંસદીય મત વિસ્તાર હોવાથી, G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકનું આયોજન આ શહેરમાં થઇ રહ્યું હોવાનો તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સૌથી પ્રાચીન જીવંત શહેરો પૈકીના એક કાશી હોવાનો તરીકે ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ નજીકમાં આવેલા સારનાથ શહેર કે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અહીં આવેલા અતિથિઓને ગંગા આરતી કાર્યક્રમના સાક્ષી બનવાનું સૂચન કર્યું હતું, સારનાથની મુલાકાત લેવાનું કાશીની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવાનું સૂચન કર્યું હતું અને ટિપ્પણ કરી હતી કે, "કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે".
સંસ્કૃતિમાં એવી સહજ સંભાવના રહેલી છે જે આપણને વિવિધ પૃષ્ઠભૂમિ અને પરિપ્રેક્ષ્યોને સમજવામાં સમર્થ બનાવે છે તે વાત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, G20 સાંસ્કૃતિક મંત્રીઓના સમૂહનું કાર્ય સમગ્ર માનવજાત માટે ઘણું મહત્વ ધરાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારતમાં અમને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ જ મૂલ્ય આપીએ છીએ”, તેમજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેના વારસાના સ્થળોનું જતન કરવા અને તેને પુનર્જીવિત કરવા સખત મહેનત કરી રહ્યું છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે તેમજ ગ્રામ્ય સ્તરે દેશની સાંસ્કૃતિક સંપત્તિ અને કલાકારોના મેપિંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની સંસ્કૃતિની ઉજવણી કરવા માટે અનેક કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહેલા દેશના વિવિધ ભાગોમાં સ્થિત આદિવાસી સંગ્રહાલયોનું ઉદાહરણ આપ્યું હતું. નવી દિલ્હીમાં આવેલા પ્રધાનમંત્રી સંગ્રહાલયનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની લોકશાહીના વારસાને પ્રદર્શિત કરવાનો આ પોતાની રીતે એક અનોખો પ્રયાસ છે. તેમણે ‘યુગે યુગીન ભારત’ રાષ્ટ્રીય મ્યુઝિયમ વિકસાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું કામ પૂરું થયા પછી તે 5,000 વર્ષ કરતાં વધુ સમયથી ફેલાયેલા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય તરીકે ઊભું રહેશે.
પ્રધાનમંત્રીએ સાંસ્કૃતિક સંપત્તિની પુનઃપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરતી વખતે કાર્યકારી સમૂહના પ્રયાસોને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, મૂર્ત વારસો એ માત્ર ભૌતિક મૂલ્યનો જ નથી હોતો પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "દરેકને તેમના સાંસ્કૃતિક વારસાની સુલભતા મેળવવાનો અને તેને માણવાનો અધિકાર છે." પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 2014થી અત્યાર સુધીમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિનો મહિમા દર્શાવતી સેંકડો કલાકૃતિઓને સ્વદેશમાં પાછી લાવવામાં આવી છે. તેમણે જીવંત વારસાની દિશામાં કરવામાં આવતા પ્રયાસો તેમજ ‘LiFE માટેની સંસ્કૃતિ’માં યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આખરે તો સાંસ્કૃતિક વારસો માત્ર પથ્થરોમાં કરવામાં આવેલી કોતરણીઓ નથી હોતી, પરંતુ તે પરંપરાઓ, રિવાજો અને તહેવારો પણ છે જે પેઢી દર પેઢીને સોંપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકારી સમૂહના પ્રયાસો ટકાઉક્ષમ વ્યવહાર અને જીવનશૈલીઓને પ્રોત્સાહન આપશે.
આર્થિક વિકાસ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, અને 'વિકાસ ભી વિરાસત ભી' એટલે કે વિકાસની સાથે વારસાનું જતનના ભારતના મંત્રમાં તેનો પડઘો પડે છે એ વાતને પ્રધાનમંત્રીએ રેખાંકિત કરી હતી. ભારતીય હસ્તકળાની વિશિષ્ટતા દર્શાવતી અને સાથે સાથે આત્મનિર્ભરતાને આગળ વધારતી 'એક જિલ્લો, એક ઉત્પાદન' પહેલ પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડતી વખતે કહ્યું હતું કે, "ભારત લગભગ 3,000 અનન્ય કળા અને હસ્તકળા સાથે તેના 2,000 વર્ષ જૂના હસ્તકળા વારસા પર ગૌરવ અનુભવે છે". તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે G20 દેશો દ્વારા કરવામાં આવતા પ્રયાસો ગહન મહત્વ ધરાવે છે કારણ કે તે પ્રયાસો સમાવેશી આર્થિક વિકાસને સરળ બનાવશે અને સર્જનાત્મકતા તેમજ આવિષ્કારને સમર્થન આપશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આગામી મહિનામાં ભારત 1.8 બિલિયન ડૉલરના પ્રારંભિક ખર્ચ સાથે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ યોજના પરંપરાગત કારીગરો માટે સમર્થનની ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે અને તેમને તેમની હસ્તકળામાં વિકાસ કરવા તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં યોગદાન આપવા માટે સમર્થ બનાવશે.
સંસ્કૃતિની ઉજવણીમાં ટેક્નોલોજી મહત્વપૂર્ણ સહયોગ આપે છે તેની નોંધ લઇને, પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરી રહી રહેલા ભારતના રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોને પર્યટકો માટે વધુ મૈત્રીપૂર્ણ બનાવવાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક સીમાચિહ્નોની વધુ સારી રીતે જાળવણી સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે, G20 સાંસ્કૃતિક મંત્રીઓના કાર્યકારી સમૂહ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સંસ્કૃતિ બધાને એક કરે છે’ અભિયાન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. આ અભિયાન વસુધૈવ કુટુંબકમ - એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવનાને સમાવે છે. તેમણે મૂર્ત પરિણામો સાથે G20 એક્શન પ્લાનને આકાર આપવામાં તેમની મુખ્ય ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ અંતે કહ્યું હતું કે, “તમારું કાર્ય ચાર ‘C’ એટલે કે – કલ્ચર (સંસ્કૃતિ), ક્રિએટીવિટી (સર્જનાત્મકતા), કોમર્સ (વેપાર) અને કોલૅબ્રેશન (સહયોગ)ના મહત્વને પ્રતિબિંબિત કરે છે. તે આપણને કરુણાપૂર્ણ, સર્વસમાવેશી અને શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સંસ્કૃતિની શક્તિનો ઉપયોગ કરવામાં સમર્થ બનાવશે.”