પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ મંત્રીઓના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, કોવિડ-19થી ઊભી થયેલી સ્થિતિને સંભાળવા માટે તેમના દ્વારા સતત પ્રતિભાવ અસરકારક બની રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, નેતાઓ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક જાળવે એ જરૂરી છે, ખાસ કરીને મહામારી માટે હોટસ્પોટ બની ગયેલા જિલ્લાઓ માટે, જેથી વાસ્તવિક સ્થિતિનો ચિતાર મળી શકે અને સમસ્યાઓનું સમાધાન પણ કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, જાહેર વિતરણ સેવાનાં કેન્દ્રોમાં ટોળા ન થાય, એના પર અસરકારક નજર રાખવામાં આવે, ફરિયાદો પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તથા કાળા બજારને અટકાવવામાં આવે તથા આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો ન થાય એ સુનિશ્ચિત કરવું વધારે મહત્ત્વપૂર્ણ બાબત છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું કલ્યાણ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સરકાર લણણીના સમયે ખેડૂતોને શક્ય તમામ મદદ કરશે. આ સંબંધમાં તેમણે લણણી માટેની ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું તથા મંડીઓમાં ખેડૂતોને જોડવા એપ આધારિત કેબ સેવાઓની જેમ ‘ટ્રક એગ્રીગેટર્સ’નો ઉપયોગ કરવા જેવા નવીન સમાધાનો ચકાસવા પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેમણે જનજાતિ સમુદાયના ઉત્પાદનોની ખરીદી સુનિશ્ચિત કરવાની વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જેથી આદિવાસી કે જનજાતિઓ લોકોની આવકનો સ્રોત અકબંધ રહે.
પ્રધાનમંત્રીએ સતત નજર રાખવાના મહત્ત્વ અને સરળતાપૂર્વક ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, વાયરસના પ્રસારને નિયંત્રણમાં રાખવા આયોજન કરવું જોઈએ. આવશ્યક દવાઓ અને રક્ષણ પૂરું પાડતા ઉપકરણનું ઉત્પાદન નિયત સમયમર્યાદામાં થાય એના પર સતત નજર રાખવી જોઈએ. આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા અને એને સતત ઉપલબ્ધ કરવા સુક્ષ્મ આયોજન કરવું આવશ્યક છે.
લૉકડાઉનનાં પગલાં અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન એક સાથે થવું જોઈએ એવું જણાવીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એકવાર લૉકડાઉન પૂર્ણ થાય પછી ઊભી થતી સ્થિતિને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા વિવિધ રીતો અજમાવવી જરૂરી છે. જ્યારે તેમણે મંત્રીઓને લૉકડાઉન પૂર્ણ થયા પછી 10 મુખ્ય નિર્ણયો અને 10 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની યાદી તૈયાર કરવા વિશે જણાવ્યું હતું, ત્યારે તેમણે મંત્રીઓની સુધારાઓની ઓળખ કરીને એનો અમલ કરવા બદલ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશ એક પછી એક પડકારોનો સામનો કરી રહ્યો હોવાથી અને દુનિયાનાં દેશો પણ સમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોવાથી ભારતને અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. તેમણે તમામ વિભાગોને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન કેવી રીતે આપશે એના પર ઓબ્જેક્ટિવ ઇન્ડેક્સ જાળવવા જણાવ્યું હતું.
અર્થતંત્ર પર કોવિડ-19ની અસર વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે અસરને ઘટાડવા યુદ્ધનાં ધોરણે કામ કરવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે, મંત્રીઓએ બિઝનેસ કન્ટિન્યૂઇટી પ્લાન સાથે તૈયાર રહેવું જોઈએ. તેમણે નોંધ્યું હતું કે, વિભાગો ધીમે-ધીમે ખોલવા તબક્કાવાર યોજના બનાવવી જોઈએ, જ્યાં હોટસ્પોટ ન હોય. તેમણે ઉમેર્યું હતું કે, તબીબી ક્ષેત્રમાં ઊભું થયેલું આ સંકટ આપણને સ્વનિર્ભર બનવાની તક પણ આપી શકે છે. ભારતની નિકાસ પર અસર પર પ્રધાનમંત્રીએ મંત્રીઓને ઉત્પાદન અને નિકાસને વધારવા અમલ કરી શકાય એવા સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. તેમણે મંત્રીઓને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું કે, ભારતની નિકાસમાં નવા ક્ષેત્રો અને દેશો ઉમેરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ મંત્રીઓને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેતુ એપને લોકપ્રિય બનાવવા તથા આ મહામારી વિશે માહિતી ફેલાવવા અને જાગૃતિ લાવવા પાયાની સંસ્થાઓને પ્રોત્સાહન આપવા પણ જણાવ્યું હતું.
મંત્રીઓએ #9pm9minute પહેલની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, દેશનાં તમામ ખૂણેથી લોકો એમાં જોડાયા હતા અને તેમણે રોગચાળા સામે લડાઈમાં તમામ લોકો એકમંચ પર આવ્યા હતા. તેમણે સ્થળાંતરણ કરનાર કામદારોને પડેલી સમસ્યાઓનું સમાધાન કરવાના પ્રયાસો વિશે પ્રધાનમંત્રીને જણાવ્યંત હતું. તેમણે પ્રધાનમંત્રીને ગભરાટ ફેલાવવા સોશિયલ મીડિયાનાં દુરુપયોગને અટકાવવા, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા, મોખરે રહીને કામ કરતાં વર્કર્સને પડતી સમસ્યાઓ તેમજ આ સમસ્યાઓ ઓછી કરવાના પ્રયાસો વિશે પણ વાકેફ કર્યા હતા.
ભારત સરકારનાં ટોચના અધિકારીઓએ નવા પડકારોને પહોંચી વળવા લેવામાં આવેલા પગલાં પર વિગતવાર રજૂઆત કરી હતી.
ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રીઓ, પ્રિન્સિપલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી અને ભારત સરકારનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ ચર્ચામાં સામેલ થયા હતા.