પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકનાં પ્રસંગે 25 સપ્ટેમ્બર, 2019નાં રોજ કેરેબિયન દેશોનાં સમૂહ (કેરિકોમ)નાં નેતાઓ સાથે અલગથી બેઠક યોજી હતી. આ મુલાકાતમાં કેરિબિયન દેશો અને ભારતનાં ઐતિહાસિક અને મધુર સંબંધોમાં એક નવી ગતિ જોવા મળી. સેન્ટ લૂસિયાનાં પ્રધાનમંત્રી એલન ચેસ્ટનેટ અને કેરિકોમનાં વર્તમાન અધ્યક્ષે બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં એન્ટિગુઆ અને બારબુડા, બારબાડોસ, ડોમિનિકા, જમૈકા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેંટ લૂસિયા, સેંટ વિંસેટ અને ગ્રેનેડાઇન્સ, ત્રિનિદાદ અને ટોબેગોનાં વડાઓ, સૂરિનામનાં ઉપરાષ્ટ્રપતિ અને બહામાસ, બેલીઝ, ગ્રેનાડા, હૈતી અને ગુયાનાનાં વિદેશ મંત્રીઓ સામેલ થયા હતાં.
આ પ્રાદેશિક સ્તરે કેરિકોમનાં નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદીની પહેલી બેઠક હતી, જેમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક એમ બંને સંદર્ભમાં ભારત અને કેરેબિયન ભાગીદારી દેશો વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા અને વધારે મજબૂત બનાવવા પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કેરિકોમની સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત કરવા માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કેરેબિયન દેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને એક જીવંત અને સ્થાયી કડી સ્વરૂપે ત્યાં દસ લાખથી વધારે ભારતીય પ્રવાસીઓની ઉપસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.
આ બેઠકમાં રાજકીય અને સંસ્થાગત સંવાદ પ્રક્રિયાઓને મજબૂત કરવા, આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા, વેપાર અને રોકાણને વદારવા તેમજ બંને દેશોનાં લોકો વચ્ચે પરસ્પર સંપર્કને વધારે વ્યાપક બનાવવા પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ક્ષમતા નિર્માણ, વિકાસ કાર્યોમાં સહાયતા અને કટોકટી વ્યવસ્થાપનમાં કેરિકોમ દેશોની સાથે ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે કેરિકોમ દેશોને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને આપત્તિનો સામનો કરવા અવરોધક માળખાગત રચના માટે ગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી આ સાથે કેરેબિયન ક્ષેત્ર અને ખાસ કરીને બહામાસમાં તોફાન ડોરિયનથી મોટા પાયે થયેલા વિનાશ પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ભારતે આ કુદરતી આપત્તિનો સામનો કરવા માટે બહામાસ માટે એક મિલિયન અમેરિકન ડોલરની નાણાકીય સહાયતા પ્રદાન કરી છે.
આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કેરિકોમમાં સામુદાયિક વિકાસ યોજનાઓ માટે 14 મિલિયન અમેરિકન ડોલર અને સૌર નવીનીકરણ ઊર્જા તથા આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત યોજનાઓ માટે 150 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટની ઘોષણા કરી હતી. તેમણે આ દેશોમાં ભારત દ્વારા નાણાકીય પોષણ કેન્દ્રોને વિકસિત કરવા જોર્જેટ, ગુયાનામાં પ્રાદેશિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેન્દ્ર તથા ગયાના અને બેલીઝમાં પ્રાદેશિક વ્યાવસાયિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. ભારતીય પક્ષે કેરિકોમ દેશોની જરૂરિયાતોને અનુરૂપ ત્યાં ક્ષમતા નિર્માણ અભ્યાસક્રમો, તાલીમ અને ભારતીય નિષ્ણાતોની પ્રતિનિયુક્તિ પર પણ સંમતિ વ્યક્તિ કરી હતી. તેમણે નજીકનાં ભવિષ્યમાં ભારતની યાત્રા માટે કેરિકોમથી એક સંસદીય પ્રતિનિધિમંડળને પણ આમંત્રણ આપ્યું હતું.
કેરિકોમનાં નેતાઓએ પ્રધાનમંત્રી મોદી દ્વારા બંને પક્ષો વચ્ચે જોડાણ અને સહયોગને મજબૂત કરવા માટે પ્રસ્તાવિત પહેલને આવકાર આપ્યો હતો અને પોતપોતાની સરકારો તરફથી એને પૂર્ણ સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે બંને પક્ષો વચ્ચે સંભવિત ક્ષેત્રોમાં સહયોગને વેગ આપવા અને આ માટે થતાં ઉપાયો માટે એક સંયુક્ત કાર્ય દળ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.