ભારતનાં લોકસભાનાં અધ્યક્ષ અને રાજ્યસભાનાં અધ્યક્ષનાં સહિયારા આમંત્રણને સ્વીકારીને ભારતની મુલાકાતે આવેલા માલ્દિવ્સની પીપલ્સ મજલિસના અધ્યક્ષ શ્રી મોહમ્મદ નાશીદ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
અધ્યક્ષ નાશીદને આવકારતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને સંસદ વચ્ચેનું જોડાણ ભારત અને માલ્દિવ્સ વચ્ચેનાં જીવંત સંબંધોની ચાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મુલાકાતથી બંને દેશો વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે ગાઢ બનાવવામાં મદદ મળશે.
ચાલુ વર્ષે જૂન મહિનામાં માલેની પોતાની મુલાકાતને અને એ મુલાકાતમાં પીપલ્સ મજલિસને કરેલા સંબોધનને યાદ કરીને પ્રધાનમંત્રીએ માલ્દિવ્સમાં લોકશાહીને મજબૂત કરવા અને સક્ષમ બનાવવા અધ્યક્ષ નાશીદના નેતૃત્વની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ પુનઃપુષ્ટિ કરી હતી કે, ભારત સ્થિર, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલ્દિવ્સ માટે માલ્દિવ્સની સરકાર સાથે મજબૂતી પૂર્વક કામ કરવાનું ચાલુ રાખવા કટિબદ્ધ છે, જેમાં મૈત્રીપૂર્ણ માલ્દિવિયનની મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ રહી છે.
અધ્યક્ષ નાશીદે ભારત અને માલ્દિવ્સનાં સંબંધોને ગાઢ બનાવવા માટે પ્રધાનમંત્રીનો ગયા વર્ષે માલ્દિવ્સમાં નવી સરકારની રચના થઈ ત્યારથી એમના સતત સાથ સહકાર માટે આભાર માન્યો હતો. તેમણે માલ્દિવનાં લોકોનાં કલ્યાણ માટે માલ્દિવ્સમાં હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી સાથ સહકાર માટે પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે માલ્દિવ્સની ‘ઇન્ડિયા ફર્સ્ટ’ પોલિસીને સતત ટેકો આપવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંસદીય પ્રતિનિધિમંડળની મુલાકાતથી સામુદાયિક જોડાણ અને બંને દેશો વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધો વધારે ગાઢ બનાવવામાં મદદ મળશે.