પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પ્રજાસત્તાક કોરિયાનાં પ્રથમ મહિલા આદરણીય શ્રીમતી કિમ જુંગ-સુકને મળ્યાં હતાં.
પ્રથમ મહિલા કિમ પ્રધાનમંત્રી મોદીનાં આમંત્રણ પર ભારતની મુલાકાતે આવ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારનાં આમંત્રણ પર દીપોત્સવ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ બનશે અને 6 નવેમ્બર, 2018નાં રોજ અયોધ્યામાં મહારાણી સુરીરત્ન (હીઓ હવાંગ-ઓક)નાં નવા સ્મારકનું ભૂમિપૂજન કરશે. અયોધ્યા અને કોરિયા સદીઓ જૂનાં ઐતિહાસિક સંબંધો ધરાવે છે. અયોધ્યાનાં રાજકુમારી સુરીરત્નએ ઇ.સ. 48માં કોરિયાની મુલાકાત લીધી હતી અને કોરિયાનાં રાજા સુરો સાથે તેમનાં લગ્ન થયાં હતાં.
પ્રધાનમંત્રી અને પ્રથમ મહિલા કિમ વચ્ચે આજે યોજાયેલી બેઠકમાં ભારત અને કોરિયા વચ્ચેનાં સદીઓ જૂનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો વિશે ચર્ચા થઈ હતી તેમજ બંને દેશનાં લોકો વચ્ચે આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનાં વિચારોની આપલે થઈ હતી.
આ બેઠકમાં પ્રથમ મહિલા કિમે પ્રધાનમંત્રીને સીઓલ શાંતિ પુરસ્કાર મળવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સન્માન ખરાં અર્થમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને તમામ ભારતીયોનું છે.
પ્રધાનમંત્રીએ જુલાઈ, 2018માં રાષ્ટ્રપતિ મૂન જે-ઇનની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી, જેનાં પગલે ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે વિશેષ વ્યૂહાત્મક સંબંધને નવી ઊર્જા મળી છે.