પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બપોરે અફઘાનિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. અબ્દુલ્લાહ અબ્દુલ્લાહને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ડો. અબ્દુલ્લાહને આવકાર્યા હતા.
બંને નેતાએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સંવર્ધિત સહકારને આવકાર આપ્યો હતો, જેમાં તાજેતરમાં નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બેઠક દરમિયાન જાહેર થયેલી ન્યૂ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ (નવી વિકાસ ભાગીદારી) સામેલ છે. તેમણે દ્વિપક્ષીય આર્થિક અને વિકાસ સહકારને વધારવા તથા આ સંબંધમાં પુષ્કળ તકો અંગે ચર્ચા કરી હતી.
ડૉ. અબ્દુલ્લાહે અફઘાનિસ્તાનમાં માળખાગત વિકાસ અને ક્ષમતા નિર્માણ માટે ભારતના સતત સાથસહકાર બદલ અફઘાનિસ્તાન તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શાંતિપૂર્ણ, સંયુક્ત, સમૃદ્ધ, સર્વસમાવેશક અને લોકતાંત્રિક અફઘાનિસ્તાનના નિર્માણ માટે અફઘાનિસ્તાનના પ્રયાસોને સંપૂર્ણ ટેકો આપવા ભારતની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.
બંને નેતાએ અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સલામતીના વાતાવરણ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું તથા આ સંદર્ભમાં સતત સંકલન અને સહકાર માટે સંમતિ વ્યક્ત કરી હતી.
બેઠકના અંતે બંને નેતાઓની હાજરીમાં પોલીસ તાલીમ અને વિકાસ પર ટેકનિકલ સહકાર માટે એમઓયુ (સમજૂતીકરાર)નું આદાનપ્રદાન થયું હતું.
પ્રધાનમંત્રીએ અફઘાનના કુશળ કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલ મોઝેક પોર્ટ્રેટની પ્રશંસા કરી હતી, જે તેમને ડૉ. અબ્દુલ્લાહ દ્વારા ભેટ કરવામાં આવ્યું હતું.