પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં કલબુર્ગી અને તમિલનાડુમાં કાંચીપુરમમાં વિવિધ મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કર્ણાટકના કલબુર્ગીમાં એક તકતીનું અનાવરણ કરીને ઇએસઆઇસી હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ, બેંગાલુરુનું લોકાર્પણ કર્યું હતું. તેમણે એક બટન દબાવીને હુબલીમાં કેઆઇએમએસનાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનું, બેંગાલુરુમાં ઇન્કમ ટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનલ બિલ્ડિંગ અને બેંગાલુરુ યુનિવર્સિટીમાં પૂર્વોત્તર વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટેના મહિલા છાત્રાલયનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એક તકતીનું અનાવરણ કરીને બીપીસીએલનાં ડેપોને રાયચુરમાંથી કલબુર્ગીમાં ખસેડવા માટે શિલાન્યાસ કર્યો હતો.
અહીં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઃ આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
તમિલનાડુના કાંચીપુરમમાં પ્રધાનમંત્રીએ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે સંબંધિત જુદા-જુદા પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં વિક્રાવંદીથી તાંજોર સુધીનાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 45સીને ચાર માર્ગીય બનાવવા માટે અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 4ના કરાઇપેટ્ટઈ – વલાજાપેટને છ માર્ગીય બવાવવા માટેનો શિલાન્યાસ સામેલ છે. તેમણે દેશને 5 એમએમટીપીએ એન્નોર એલએનજી ટર્મિનલ અર્પણ કર્યું હતું. એલએનજી ટર્મિનલ તમિલનાડુ અને પડોશી રાજ્યોમાં એલએનજીની માગને પૂર્ણ કરશો. તેમણે ઇરોડ-કરુર-તિરુચચિરાપલ્લી અને સાલેમ-કરુર-દિંડીગુલની રેલવે લાઇનના વિદ્યુતીકરણનું લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વીડિયો લિન્ક મારફતે ચેન્નાઈમાં ડૉ. એમજીઆર જાનકી કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ ફોર વિમેનમાં ડૉ. એમ જી રામચંદ્રનની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.
આજે જેનો શુભારંભ થયો છે એવી વિકાસલક્ષી યોજનાઓથી કર્ણાટક અને તમિલનાડુનાં લોકોને મોટો લાભ થશે.