પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્સ (IISER – ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા)નાં વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
IISERનાં વૈજ્ઞાનિકોએ પ્રધાનમંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું, તેમાં સ્વચ્છ ઊર્જાની ઉપયોગિતામાં નવી સામગ્રીઓ અને ઉપકરણોથી લઈને કૃષિ ક્ષેત્રમાં બાયોટેકનોલોજી અને કુદરતી સંસાધનોનું મેપિંગ વગેરે જેવી બાબતો સામેલ હતી. આ પ્રેઝન્ટેશનમાં મોલીક્યુલર બાયોલોજી, એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્સ, ક્લાઇમેટ સ્ટડીઝ અને મેથેમેટિકલ ફાઇનાન્સ રિસર્ચનાં ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વિવિધ માહિતીસભર પ્રેઝન્ટેશન બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે વૈજ્ઞાનિકોને ભારતની ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરે એવી ઓછા ખર્ચની ટેકનોલોજીઓ વિકસાવવા તેમજ ભારતની વૃદ્ધિને વેગ આપવામાં મદદરૂપ થાય એવી ટેકનોલોજીઓ વિકસાવવા માટે અપીલ કરી હતી.
અગાઉ પ્રધાનમંત્રીએ પૂણેનાં IISER કેમ્પસની મુલાકાત લીધી હતી તથા વિદ્યાર્થીઓ અને સંશોધકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે IISERમાં સી-ડેક દ્વારા વિકસાવવામાં આવેલું અદ્યતન સુપર કમ્પ્યુટર ‘પરમબ્રહ્મ’ની મુલાકાત પણ લીધી હતી, જે 797 ટેરાફ્લોપની ટોચનો કમ્પ્યુટિંગ પાવર ધરાવે છે.
ધ ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) ભારતમાં ટોચની વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનું જૂથ છે.
પ્રધાનમંત્રી પૂણેમાં ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે છે.