પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં અમુક વિસ્તારોમાં થયેલી હિંસાની ઘટનાઓને આકરાં શબ્દોમાં વખોડી કાઢી છે અને જણાવ્યું છે કે, આ ઘટનાઓનાં દોષિતો સામે કડક કામગીરી કરવામાં આવશે. દેશનાં અમુક રાજ્યોમાં મૂર્તિઓ તોડી પાડવાની ઘટનાઓ બની છે. આ વિશે પ્રધાનમંત્રીએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી હતી અને આ પ્રકારની ઘટનાઓ પર ચિંતા તથા નારાજગી વ્યક્ત કરી હતી. ગૃહ મંત્રાલયે આ હિંસક ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે, રાજ્ય સરકારોએ આ પ્રકારની ઘટનાઓ અટકાવવા જરૂરી તમામ પગલાં લે. આ પ્રકારનાં કૃત્યોમાં સંકળાયેલા તત્વો સામે કડક કામગીરી કરવા અને કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેમની અટકાયત કરવામાં આવે.