પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ચાન્સલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝ સાથે ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)નાં પૂર્ણ સત્રની સહ-અધ્યક્ષતા કરી હતી.
તેમની શરૂઆતની ટિપ્પણીમાં, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોનાં મુખ્ય પાસાઓ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પરનાં સહિયારા પરિપ્રેક્ષ્યોને પ્રકાશિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-જર્મની ભાગીદારી જટિલ વિશ્વમાં સફળતાનાં ઉદાહરણ તરીકે ઉપયોગી થઈ શકે છે. તેમણે ભારતનાં આત્મનિર્ભર ભારત અભિયાનમાં જર્મનીની ભાગીદારી માટે પણ આમંત્રણ આપ્યું હતું.
બંને પક્ષોના સહભાગી મંત્રીઓ અને અધિકારીઓએ IGCના અલગ-અલગ ટ્રેક પર તેમની બેઠકો અંગે સંક્ષિપ્ત અહેવાલો રજૂ કર્યા:
- વિદેશી બાબતો અને સુરક્ષા.
- આર્થિક, નાણાકીય નીતિ, વૈજ્ઞાનિક અને સામાજિક વિનિમય.
- આબોહવા, પર્યાવરણ, ટકાઉ વિકાસ અને ઊર્જા.
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ; વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર; વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થ સાયન્સ રાજ્ય મંત્રી(સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહ; અને DPIITના સચિવ શ્રી અનુરાગ જૈને ભારત તરફથી રજૂઆતો કરી હતી.
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપની સ્થાપના માટે સંયુક્ત ઈરાદાની ઘોષણા (JDI) પર પ્રધાનમંત્રી અને ચાન્સલર સ્કોલ્ઝ દ્વારા હસ્તાક્ષર સાથે પૂર્ણ સત્ર સમાપ્ત થયું હતું. આ ભાગીદારી SDGs અને આબોહવા ક્રિયા પર ભારત-જર્મની સહકાર માટે સમગ્ર સરકારના અભિગમની પરિકલ્પના કરે છે, જે હેઠળ જર્મની 2030 સુધી 10 અબજ યુરોની નવી અને વધારાની વિકાસ સહાયની આગોતરી પ્રતિબદ્ધતા કરવા સંમત થયું છે.આ JDI ભાગીદારીને ઉચ્ચ-સ્તરીય સંકલન અને રાજકીય દિશા પ્રદાન કરવા માટે IGCના માળખામાં મંત્રી સ્તરની યંત્રણા પણ બનાવશે.
IGC પછી સંયુક્ત નિવેદન અપનાવવામાં આવ્યું હતું, જે અહીં જોઈ શકાય છે.
મંત્રી સ્તરીય દ્વિપક્ષીય બેઠકો દરમિયાન સંખ્યાબંધ કરારો થયા હતા. સૂચિ અહીં જોઈ શકાય છે.