પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં CSIR સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
CSIR દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. CSIR દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ કાર્યોની તેમણે પ્રશંસા કરી હતી અને ભવિષ્યની કામગીરી માટે પોતાના સૂચનો આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ લેબ વિકસાવવા પર ભાર મૂક્યો હતો જેથી દેશના દરેકે દરેક ખૂણામાં રહેતા તમામ વર્ગના વિદ્યાર્થીઓ સુધી વિજ્ઞાન પહોંચાડી શકાય. તેમણે વિજ્ઞાન પ્રત્યે યુવા વિદ્યાર્થીઓને આકર્ષવાની અને ભાવિ પેઢીમાં વિજ્ઞાનનું કૌશલ્ય વધુ મજબૂત કરવાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. તેમણે દુનિયામાં અલગ-અલગ ભાગોમાં કામ કરતા ભારતીયોમાં R&D પરિયોજનાઓમાં સહકાર વધારવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા હતા.
ભારતની મહત્વાકાંક્ષી જરૂરિયાતો પર કામ કરવા માટે તેમણે વૈજ્ઞાનિકોને અપીલ કરતા કહ્યું હતું કે, કૃષિ ઉપજોમાં મૂલ્ય વર્ધન દ્વારા કુપોષણની સમસ્યાનો ઉકેલ અને જળ સંવર્ધન જેવી સમસ્યાઓનો ભારત સામનો કરી રહ્યું છે તેવા વાસ્તવિક સમસ્યાના પ્રશ્નો પર CSIRને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 5G, AI અને અક્ષય ઊર્જાના સંગ્રહ માટે પરવડે તેવી તેમજ લાંબા સમય સુધી ચાલે તેવી બેટરીની જરૂરિયાત જેવા ઉભરતા પડકારો પર વૈજ્ઞાનિકોએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે વિશ્વકક્ષાના ઉત્પાદનો તૈયાર કરવા માટે પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વય પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઇનોવેશનના વ્યાપારિકરણના મહત્વ અંગે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ CSIR ખાતે વિજ્ઞાનીઓના સમુદાયને સામાન્ય લોકોના જીવનની ગુણવત્તા સુધારવાની દિશામાં કામ કરવા પ્રોત્સાહિત કર્યો હતો.