ઉત્તરપ્રદેશના કાનપુરમાં આજે યોજાયેલી રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતા કરી હતી.
આ પરિષદને ગંગા અને અન્ય પેટા નદીઓ સહિત ગંગા નદી બેસીનમાં થઇ રહેલા પ્રદૂષણને રોકાવા માટે અને તેના કાયાકલ્પ માટે દેખરેખની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ પરિષદની પ્રથમ બેઠકનું આયોજન કરવાનો મૂળ હેતુ સંબંધિત રાજ્યોના તમામ વિભાગોમાં તેમજ સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોમાં ‘ગંગા કેન્દ્રિત’ અભિગમનું મહત્વ વધુ મજબૂત બનાવવાનો હતો.
આજની બેઠકમાં જળ શક્તિ, પર્યાવરણ, કૃષિ અને ગ્રામીણ વિકાસ, સ્વાસ્થ્ય, શહેરી બાબતો, ઊર્જા, પ્રવાસન, શિપિંગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રીઓ, બિહારના નાયબ મુખ્યમંત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળ રાજ્યએ હાજરી આપી નહોતી અને ઝારખંડમાં હાલમાં ચાલી રહેલી ચૂંટણીઓના કારણે આચર સંહિતા અમલી હોવાથી તેણે ભાગ લીધો નહોતો.
પ્રધાનમંત્રીએ અત્યાર સુધી આ દિશામાં થયેલા કામકાજોની સમીક્ષા કરી હતી અને ‘સ્વચ્છતા’, ‘અવિરલતા’ અને ‘નિર્મળતા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગંગા નદીની સફાઇ કરવા માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે, માતા ગંગા આ ઉપખંડમાં સૌથી પવિત્ર નદી છે અને તેના કાયાકલ્પમાં સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દૃશ્ટાંત સાકાર થવું જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગંગાનો કાયાકલ્પ એ દેશ માટે ઘણા લાંબા સમયથી પડતર રહેલો પડકાર છે. તેમણે નોંધ્યું હતું કે, સરકારે વર્ષ 2014માં ગંગામાંથી પ્રદૂષણ નિવારણ, સંરક્ષણ અને તેના કાયાકલ્પના આશય સાથે સરકારના વિવિધ પ્રયાસો અને પ્રવૃત્તિઓને સંકલિત કરીને ‘નમામી ગંગે’ નામથી વ્યાપક પહેલની શરૂઆત કરવાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં ઘણું કામ થઇ ગયું છે, કાગળની મિલો દ્વારા ઝીરો વેસ્ટ જેવી નોંધપાત્ર સિદ્ધિઓ મળી છે અને નાળાઓ તેમજ ગટરોના કારણે થતા પ્રદૂષણમાં પણ ઘણો ઘટાડો થયો છે; જોકે, હજુ પણ આ દિશામાં ઘણું બધુ કરવાની જરૂર છે.
પ્રથમ વખત, કેન્દ્ર સરકારે 2015-20 દરમિયાન જ્યાંથી ગંગા નદી પસાર થતી હોય તેવા રાજ્યોમાં નદીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં તેમજ અવિરત આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે રૂપિયા 20,000 કરોડની ફાળવણીનું વચન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, રૂપિયા 7700 કરોડ ખર્ચ થઇ ગયા છે જેમાં મુખ્યત્વે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં ખર્ચ થયો છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, નિર્મળ ગંગા માટે સુધારા માળખામાં રાષ્ટ્રીય નદીઓના કાંઠે વસેલા શહેરોમાંથી શ્રેષ્ઠ પ્રથાઓના પ્રસાર દ્વારા ઘણી મોટાપાયે જનજાગૃતિની તેમજ લોકો તરફથી ખૂબ મોટાપાયે પૂર્ણ સહયોગની જરૂર પડશે. જિલ્લા ગંગા સમિતિઓની કાર્યક્ષમતા તમામ જિલ્લાઓમાં સુધારવી જોઇએ, જેથી આ યોજનાઓના ઝડપી અમલ માટે અસરકારક માળખું ઉપલબ્ધ કરાવી શકાય.
ગંગાની કાયાકલ્પ પરિયોજનાના ભંડોળ માટે વ્યક્તિગત લોકો, NRI, કોર્પોરેટ સંસ્થાઓ તરફથી યોગદાન મેળવવા સરકાર દ્વારા ક્લિન ગંગા ફંડ (CGF)ની રચના કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીએ વ્યક્તિગત ધોરણે CGFને રૂપિયા 16.63 કરોડનું ભંડોળ દાન કર્યું છે. 2014થી તેમણે મેળવેલી ભેટોની હરાજી દ્વારા મળેલી રકમ અને સીઓલ શાંતિ પુરસ્કાર પેટે મળેલી ઇનામની રકમમાંથી આપવામાં આ દાન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ એક એવો સાકલ્યવાદી વિચાર પ્રક્રિયામાં મૂકવાની વિનંતી કરી છે જેમાં ‘નમામી ગંગે’ આગળ વિકસીને ‘અર્થ ગંગા’ બને એટલે કે ગંગા સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક ટકાઉક્ષમ વિકાસનું મોડેલ તૈયાર કરવામાં આવે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિંગ, ફળોના વૃક્ષોનો ઉછેર અને ગંગા નદીના કાંઠે છોડની નર્સરીઓના નિર્માણ સહિત, ટકાઉક્ષમ કૃષિ પ્રવત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આ કાર્યક્રમો માટે મહિલાઓના સ્વનિર્ભર સમૂહો અને ભૂતપૂર્વ જવાનોના સંગઠનોને પ્રાથમિકતા આપવી જોઇએ. આવી પ્રવત્તિઓ ઉપરાંત, વોટર સ્પોર્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના અને કેમ્પ સાઇટ્સ, સાઇકલિંગ અને વોકિંગ ટ્રેક વગેરેથી પણ નદીના બેસીન વિસ્તારમાં ધાર્મિક તેમજ એડવેન્ચર પ્રવાસનના હેતુથી ‘હાઇબ્રીડ’ પ્રવાસનની સંભાવનાઓ વધારી શકાશે. ઇકો- ટુરિઝમ અને ગંગા વન્યજીવ સંરક્ષણ તેમજ ક્રૂઝ પ્રવાસન વગેરેમાંથી ઉભી થયેલી આવક ગંગાની સફાઇ માટે ટકાઉક્ષમ આવકનો પ્રવાહ ઉભો કરવામાં મદદ કરશે.
નમામી ગંગે અને અર્થ ગંગા અંતર્ગત વિવિધ યોજનાઓ અને પહેલોમાંની કામગીરીની પ્રગતિ અને પ્રવત્તિઓ પર દેખરેખ રાખવા માટે, પ્રધાનમંત્રીએ એક એવા ડિજિટલ ડેશબોર્ડ તૈયાર કરવાના નિર્દેશો પણ આપ્યા છે જેમાં ગામડાઓ અને શહેરી સંગઠનો પરથી મળતા ડેટા પર નીતિ આયોગ અને જળ શક્તિ મંત્રાલય દૈનિક ધોરણે દેખરેખ રાખી શકે. પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું છે કે, મહત્વાકાંક્ષી જિલ્લાઓની જેમ, ગંગાની આસપાસમાં આવેલા તમામ જિલ્લાઓને નમામી ગંગે હેઠળ પ્રયાસોની દેખરેખ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રો બનાવવા જોઇએ.
આ બેઠક પહેલાં, પ્રધાનમંત્રીએ મહાન સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ખાતે ‘નમાની ગંગે’ હસ્તક્ષેપો અને પરિયોજનાઓ પર આધારિત પ્રદર્શન નિહાળ્યું હતું. બાદમાં, પ્રધાનમંત્રીએ અટલ ઘાટની મુલાકાત લીધી હતી અને સીસામઉ નાળાની સફાઇના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા કામનું નિરીક્ષણ કર્યું હતું.