પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21-02-2018) ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલન-2018માં ઉદઘાટન સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે પરિવર્તન થાય છે ત્યારે તે પ્રત્યક્ષ રૂપે દેખાય છે. ઉત્તરપ્રદેશમાં આટલા વિશાળ શિખર સંમેલનનું આયોજન અને એમાં મોટી સંખ્યામાં રોકાણકારોની ભાગીદારી પોતાનામાં પરિવર્તનનો સંકેત છે. તેમણે ટૂંકા સમયમાં પોતાને વિકાસ અને સમૃદ્ધિનાં રસ્તા પર લઈ જવા માટે રાજ્યને શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્ય પુષ્કળ સંસાધનો અને ક્ષમતાઓથી પરિપૂર્ણ છે. તેમણે કહ્યું કે કૃષિ તેની સૌથી મોટી તાકાત છે. શ્રી મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારને રાજ્યનાં નકારાત્મક વાતાવરણને સકારાત્મકતા અને આકાંક્ષાઓમાં બદલવા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રો માટે યોગ્ય અને સક્ષમ નીતિઓ બનાવી રહી છે. રાજ્ય સરકાર યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કરાયેલા વાયદાઓને પૂર્ણ કરવા પ્રત્યે ગંભીર છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રદેશમાં ‘એક જીલ્લો, એક ઉત્પાદન’ની અવધારણા પર કાર્ય કરી રહી છે. આ યોજનાને કેન્દ્રની સ્કિલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી તમામ યોજનાઓનો લાભ મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ખેડૂત સંપદા યોજનાથી કૃષિ ક્ષેત્રમાં થનારા નુકસાનને રોકવામાં મદદ મળશે, મોટા પાયા પર શેરડીની ખેતી થવાના કારણે રાજ્યમાં ઈથેનોલના ઉત્પાદનની અપાર ક્ષમતા રહેલી છે.
પોતના સંબોધનમાં તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં એક સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર બનાવાશે. જેનાથી બુંદેલખંડ ક્ષેત્રનાં વિકાસમાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રયાગમાં આવતા વર્ષે આયોજિત થનારો કુંભ મેળો દુનિયામાં એક રીતે સૌથી મોટા પાયાનું આયોજન હશે.