પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ‘Gandhi@150’ની ઉજવણી માટે રચાયેલી રાષ્ટ્રીય સમિતિની બીજી બેઠકને સંબોધન કર્યું હતું.
આ બેઠક આદરણીય રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય સમિતિનાં અન્ય સભ્યો સામેલ થયા હતા, જેમાં આદરણીય ઉપ-રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીમંડળનાં સભ્યો, વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, પ્રસિદ્ધ ગાંધીજનો અને અન્ય લોકો સામેલ થયા હતા. પોર્ટુગલનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્ટોનિયો કોસ્ટા પણ આ બેઠકમાં સામેલ થયા હતા, જેઓ સમિતિનાં સભ્ય તરીકે સામેલ એકમાત્ર વિદેશી પ્રધાનમંત્રી છે.
આદરણીય રાષ્ટ્રપતિજીએ એમનાં સંબોધનમાં પ્રધાનમંત્રીની સીધી દેખરેખમાં કાર્યરત કાર્યકારી સમિતિની, રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતીને ‘જન આંદોલન’ બનાવવા બદલ પ્રશંસા કરી હતી. તેમાં પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત જેવી વિવિધ પહેલોને તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા જેવી પહેલો દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે મહાત્માનાં સંદેશને ફેલાવવા માટે નેતૃત્વ પુરૂં પાડ્યું છે.
પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રાલય દ્વારા સંકલિત કરેલાં ગાંધીજી પરનાં લેખો તથા સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંપાદિત કરેલી સ્મારક પ્રવૃત્તિઓ પર એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ સંકલિત લેખોમાં દુનિયાભરનાં 126 પ્રસિદ્ધ લોકોએ ગાંધીજીનાં વિચારો સાથે તેમનાં અનુભવો લખ્યાં છે. આ બેઠક દરમિયાન ‘Gandhi@150’ની આંતરરાષ્ટ્રીય ઉજવણીઓનાં ભાગરૂપે હાથ ધરવામાં આવેલી સ્મારક પ્રવૃત્તિઓ પર એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જન ભાગીદારી માટે મહાત્મા ગાંધીનાં વિચારોનો ઉપયોગ કરતા શતાબ્દી કાર્યક્રમો બનાવવામાં મદદરૂપ થવા, પહેલી બેઠકમાં જ સભ્યોએ આપેલા સૂચનોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે દુનિયા ગાંધી વિશે જાણવા આતુર છે અને તેમનાં વિચારોને સ્વીકારવા તૈયાર છે. એટલે મહાત્મા અને એમનાં વિચારોની પ્રસ્તુતતાને દુનિયાને સતત યાદ કરાવવાની જવાબદારી ભારતની છે.
પ્રધાનમંત્રીએ ભારત અને પોર્ટુગલ એમ બંને દેશોમાં આખું વર્ષ શતાબ્દી કાર્યક્રમો સાથે અંગત રીતે સામેલ થવા બદલ પોર્ટુગલનાં પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ એ હકીકત પર ભાર મૂક્યો હતો કે, ‘Gandhi@150’ માત્ર એક વર્ષનો કાર્યક્રમ જ નથી. તમામ નાગરિકોએ તેમના જીવનમાં ગાંધી વિચારો અને એમના સ્વપ્નોને સાકાર કરવાની જરૂર છે તથા આગામી વર્ષોમાં તેને આગળ લઈ જવા પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સરકાર સમયાંતરે શતાબ્દીઓની ઉજવણી કરશે, કારણ કે ‘Gandhi@150’ની ઉજવણી એક પ્રસંગથી વિશેષ છે. આ જન સામાન્ય માટેનાં કાર્યક્રમ બની ગયા છે અને દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
અગાઉ પ્રધાનમંત્રીએ લાલકિલ્લા પરથી પોતાનાં સંદેશમાં તમામ નાગરિકોને ‘સ્થાનિક બજારમાંથી સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા’ પર ભાર મૂક્યો હતો. છેવાડાના માનવીનાં ઉત્થાન માટે ગાંધીજીની આ મૂળભૂત વિચારસરણી ભારતનો વિકાસ અને પ્રગતિમાં મદદ કરવાની સંભવિતતા ધરાવે છે. તેમણે તમામ નાગરિકોને વર્ષ 2022 સુધીમાં આ સંદેશને જીવંત કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં આપણા દેશની આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી થશે અને આ સંદેશ લોકોની જીવનશૈલી પણ બની જશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તાજેતરમાં સંપન્ન થયેલા રાજ્યસભાનાં 250માં સત્રમાં સાંસદો તેમની માતૃભાષામાં બોલવા આગળ આવ્યાં હતાં અને તેમણે પોતાની માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું હતું, ત્યારે આ સમગ્ર દેશ માટે ગર્વની બાબત બની ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીના સંદેશને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા કામ કરીએ છીએ, તો પણ, આપણે દેશભરમાં સામાન્ય નાગરિક માટે સમકાલીન સ્વરૂપમાં મહાત્માનાં સંદેશની પ્રસ્તુતતા જાળવવા ખભેખભો મિલાવીને કામ કરવું પડશે.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ગાંધીજી માનતા હતા, દેશ પ્રત્યેની ફરજ અદા કરવાથી અને એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવાથી મનુષ્ય જાત આપમેળે સુનિશ્ચિત કરશે કે એકબીજાના મૂળભૂત અધિકારો સુરક્ષિત થાય છે. છેલ્લે તેમણે જણાવ્યું હતું કે, જો દરેક આ માર્ગ પર ચાલે અને વિશ્વાસ અને ખંત સાથે તેમની ફરજો અદા કરે, તો ભારતનાં સ્વપ્નો સાકાર થશે.