પ્રધાનમંત્રીએ આજે પૂણેમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી)ની 54મી કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે છેલ્લા બે દિવસ 7 અને 8 ડિસેમ્બરના સંમેલનમાં હાજરી આપીને મહત્ત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લીધો હતો અને કિંમતી સૂચનો કર્યા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જાસૂસી વિભાગનાં અધિકારીઓને એમની વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.
પ્રધાનમંત્રીનાં માર્ગદર્શનની સાથે વિચારો અને અનુભવોના સાર્થક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે 2015થી ડીજીપી અને આઇજીપીના આ સંમેલનનું ત્રણ દિવસીય આયોજન થવા લાગ્યું છે. અગાઉ આ સંમેલન એક દિવસ માટે યોજાતું હતું. આ ઉપરાંત સંમેલન હવે દિલ્હીની બહાર દેશના અન્ય ભાગોમાં પણ યોજાય છે. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિનાં સંદર્ભમાં સંમેલનનાં સ્વરૂપમાં પણ મહત્ત્વપૂર્ણ પરિવર્તન થયું છે. ડીજીપીની સમિતિઓની રચના કરવામાં આવી છે, જે સંમેલનમાં પ્રેઝન્ટેશનની રૂપરેખા તૈયાર કરે છે. આ પ્રેઝન્ટેશનનો વિષય સુરક્ષા સાથે સંબંધિત વર્તમાન જોખમો પર કેન્દ્રિત હોય છે.
સંમેલન દરમિયાન નીતિગત મુદ્દાઓ પર વધારે પ્રભાવશાળી ચર્ચા કરવા માટે મધ્ય સત્રનું પણ આયોજન થાય છે. આ વર્ષે આંતરિક અને બાહ્ય સુરક્ષાનાં મુખ્ય પાસાઓ, જેમ કે આતંકવાદ, નક્સલવાદ, દરિયાકિનારાની સુરક્ષા, સાયબર જોખમો અને કટ્ટરપંથ અને નશીલા દ્રવ્યોની દાણચોરીથી આતંકવાદને પ્રોત્સાહન વગેરે મુદ્દાઓ પર ઊંડીચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ માટે 11 મુખ્ય જૂથ બનાવવામાં આવ્યાં હતાં. નીતિ આયોજન અને એના અમલીકરણ માટે સારા સૂચનોની સાથે પ્રેઝન્ટેશન માટે પ્રધાનમંત્રીએ સંમેલનની પ્રશંસા કરીને એના નક્કર પરિણામો પ્રાપ્ત કરવાની દિશામાં પ્રયાસો કરવા માટે ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ દેશમાં શાંતિ જાળવી રાખવા માટે પોલીસ દળો દ્વારા થયેલા પ્રયાસોની પ્રશંસા કરીને કહ્યું હતું કે, આપણે આ પોલીસ કર્મચારીઓનાં પરિવારોનાં પ્રદાનને ભૂલવું ન જોઈએ, જે તેમનું સૌથી મોટું બળ છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દળોએ મહિલાઓ અને બાળકો સહિત સમાજનાં તમામ વર્ગોમાં વિશ્વાસ સંપાદિત કરવા પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી શકે એ માટે પોલીસે અસરકારક ભૂમિકા અદા કરવી જોઈએ.
પ્રધાનમંત્રીએ પોલીસ વિભાગોના પ્રમુખોને આગ્રહ કર્યો હતો કે, તેઓ સંમેલનનાં પરિણામોને રાજ્યથી લઈને જિલ્લા સ્તરનાં પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે. વિવિધ રાજ્યના પોલીસ દળોએ રજૂ કરેલા પ્રેઝન્ટેશન જોયા પછી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સૂચનોની એક વ્યાપક યાદી બનાવવી જોઈએ, જેને સર્વોત્તમ પ્રથાઓ સ્વરૂપે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપનાવી શકાય. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, ટેકનોલોજી એક અસરકારક માધ્યમ પ્રદાન કરે છે, જે સામાન્ય નાગરિક દ્વારા પ્રાપ્ત જાણકારીને આધારે પોલીસની પૂર્વ સક્રિયતા સુનિશ્ચિત કરી શકે છે.
પ્રધાનમંત્રીએ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર પોતાનો વિશેષ રસ વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ એમની સરકારની લૂક ઇસ્ટ પોલિસી માટે અત્યંત જરૂરી છે. તેમણે આ રાજ્યોનાં ડીજીપી અને આઇજી સાથે વિકાસ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો માટે અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે વધારાનો પ્રયાસ કરવાનો આગ્રહ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનાં અંતમાં પોલીસ દળોને એમની ફરજ અદા કરવા દરમિયાન થતી મુશ્કેલીઓનો વિશેષ સ્વરૂપે ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમણે સાથે સાથે એ પણ કહ્યું હતું કે, જ્યારે ક્યારેક એમની સમીક્ષ એવી સ્થિતિ આવે અને તેઓ દુવિધા અનુભવે, ત્યારે તેમણે આદર્શો અને ભાવનાઓ યાદ કરવી જોઈએ, જેને લઈને તેઓ સિવિલ સેવા પરીક્ષામાં સામેલ થયા હતા. પ્રધાનમંત્રીએ પોલીસ દળોને સમાજના સૌથી નબળા અને ગરીબ વર્ગોના કલ્યાણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતમાં કામ કરવાનો આગ્રહ પણ કર્યો હતો.