પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો મેસેજ દ્વારા ગુજરાતનાં એકલ વિદ્યાલય સંગઠનને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ‘એકલ સ્કૂલ અભિયાન’નું નેતૃત્વ કરવા બદલ એકલ વિદ્યાલય સંગઠનને અભિનંદન પાઠવ્યાં હતાં, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને આદિવાસી બાળકો વચ્ચે શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ભારત અને નેપાળમાં અંતરિયાળ વિસ્તારોમાં વસતાં 2.8 મિલિયનથી વધારે ગ્રામીણ અને આદિવાસી બાળકો વચ્ચે શિક્ષણનો પ્રસાર કરી અને તેના માટે જાગૃતિ લાવીને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા ભજવનાર સંગઠનનાં સ્વયંસેવકોની પ્રશંસા કરી હતી.
આખા ભારતમાં 1 લાખ શાળાઓનાં આંકડા સુધી પહોંચવા બદલ સંગઠનને અભિનંદન આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ધૈર્ય, ખંત અને પ્રતિબદ્ધતાથી કામ કરીને અશક્ય લક્ષ્યાંકને હાંસલ કરી શકાય છે. તેમણે એ હકીકત પર ધ્યાન દોર્યું હતું કે, સંગઠનને એની સામાજિક સેવા બદલ પ્રતિબદ્ધતા માટે અને સંપૂર્ણ દેશ માટે રોલ મોડલ તરીકે પ્રેરક બનવા બદલ ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે ઉત્સાહભેર કામ પણ કરી રહી છે. અનુસૂચિત જનજાતિઓનાં બાળકો માટે શિષ્યાવૃત્તિ, એકલવ્ય મોડલની રહેણાક શાળા, પોષણ અભિયાન, મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓ અને આદિવાસી તહેવારોનાં પ્રસંગે શાળાઓમાં રજા વગેરેથી શાળામાં અભ્યાસ અધૂરો મૂકતાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રણમાં આવવાની સાથે બાળકોનાં સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.
પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું કે, વર્ષ 2022માં આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરવા સંગઠને એના શાળાનાં બાળકોને વિશેષ સ્કિટ્સ, સંગીત સ્પર્ધા, ચર્ચા તથા ભારતની આઝાદીની લડતમાં આદિવાસીઓની ભૂમિકાને ઉજાગર કરવા વિચારવાનું આયોજન કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. ચાલુ વર્ષે આ સ્પર્ધાઓ શરૂ થઈ શકે છે અને વર્ષ 2022માં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા સ્વરૂપે પૂર્ણ થશે. તેમણે ઉમેર્યું હતું કે, એકલ પરિવાર પરંપરાગત ભારતીય રમતોનો ખેલ મહાકુંભ (સ્પોર્ટ્સ ફિએસ્ટા)નું આયોજન પણ કરી શકે છે.
પ્રધાનમંત્રીએ ખાનગી અને સરકારી શાળાઓનાં જોડાણનો વિચાર પણ પ્રસ્તુત કર્યો હતો, જેમાં ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ શહેરી વિદ્યાર્થીઓ પાસેથી અને શહેરી વિદ્યાર્થીઓ ગ્રામીણ વિદ્યાર્થીઓ પાસેથી શીખશે, જેનાં પરિણામે ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં વિચારને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ એકલ સંસ્થાન દ્વારા ઇ-શિક્ષણનો ઉપયોગ અને ડિજિટાઇઝેશનની પ્રશંસા પણ કરી હતી તેમજ જણાવ્યું હતું કે, સંસ્થા સંપૂર્ણપણે તમામ એકલ વિદ્યાલયોની પ્રગતિ પર નજર રાખવા માટે સિંગલ રિયલ ટાઇમ ડેશબોર્ડ પણ ધરાવી શકે છે.
જોગાનુજોગે આજનાં દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે એવું દર્શકોને યાદ અપાવીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એકલ સંગઠને બાબાસાહેબનું દિકરીઓ અને દિકરાઓ એમ બંનેને શિક્ષણ આપવાનું સ્વપ્ન સાકાર કરવામાં સફળતા મેળવી છે. એકલ પરિવારની ચાર દાયકાની સફરમાં સંગઠને ‘શિક્ષણનાં પંચતંત્ર મોડલ’ દ્વારા નવીન વિચારવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેમ કે પોષણ વાટિકા દ્વારા પોષણને પ્રોત્સાહન, ખેતીવાડીમાં જૈવિક ખાતરોનાં ઉપયોગ માટેની તાલીમ, વનસ્પતિઓનાં તબીબી ગુણોનો ઉપયોગ કરવાની કુશળતા, રોજગારી માટે તાલીમ તથા સામાજિક જાગૃતિ પેદા કરવી. તેમણે ઉમેર્યું હતું કે, એકલ વિદ્યાલયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણ, નીતિનિર્માણ, ઉદ્યોગ અને સૈન્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં દેશની સેવા કરી રહ્યાં છે એ જોઈને સંતોષ થાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં ભારત આઝાદીનું 75મું વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષે એકલ સંગઠન ગાંધીજીનાં ગ્રામસ્વરાજનાં સ્વપ્નને, બાબાસાહેબનાં સામાજિક ન્યાયનાં સ્વપ્નને, દીનદયાળ ઉપાધ્યાયનાં અંત્યોદયનાં ને સ્વામી વિવેકાનંદનાં ભવ્ય ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે.
એકલ વિદ્યાલય વિશે
એકલ વિદ્યાલય એક અભિયાન છે, જેમાં ભારત અને નેપાળનાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોનું સંકલન અને સંપૂર્ણ વિકાસ માટેની કામગીરી સંકળાયેલી છે. આ અભિયાનની મુખ્ય પ્રવૃત્તિ આખા ભારતમાં એક-શિક્ષક ધરાવતી શાળાઓ (એકલ વિદ્યાલય તરીકે જાણીતી છે)નું સંચાલન કરવાનો છે, જેથી અંતરિયાળ ગ્રામીણ અને આદિવાસી ગામોમાં દરેક બાળકને શિક્ષણનો લાભ મળે.