પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોર્ડન દેશની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગ નિમિત્તે મહામહિમ કિંગ અબ્દુલ્લા II અને હેશમાઇટ કિંગડમ ઓફ જોર્ડનના લોકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા.
પોતાના વીડિયો સંદેશમાં, પ્રધાનમંત્રીએ મહામહિમ કિંગ અબ્દુલ્લા II અને જોર્ડનના લોકોને અંતઃકરણપૂર્વક અભિનંદન અને ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ મહામહિમના દીર્ઘદૃષ્ટિપૂર્ણ નેતૃત્ત્વની પ્રસંશા કરતા કહ્યું હતું કે, તેમના નેતૃત્ત્વમાં જોર્ડને દીર્ઘકાલિન અને સહિયારો વિકાસ કર્યો છે અને આર્થિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધનીય વિકાસ કર્યો છે. પશ્ચિમ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે મહામહિમ કિંગ અબ્દુલ્લા- IIએ નિભાવેલી નોંધનીય ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, જોર્ડન આજે સમગ્ર દુનિયામાં મહત્વપૂર્ણ પ્રદેશમાં આધુનિકીકરણના વૈશ્વિક પ્રતિક અને શક્તિશાળી અવાજ તરીકે ઉભરી આવ્યું છે.
ભારત અને જોર્ડન વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની નોંધ લેતા પ્રધાનમંત્રીએ 2018માં મહામહિમ કિંગ અબ્દુલ્લા-II એ લીધેલી ઐતિહાસિક મુલાકાતને ઉત્સાહભેર યાદ કરી હતી જેમાં મહામહિમે સહિષ્ણુતા, એકતા અને માનવજાતના સન્માન પ્રત્યે આદરના 2004ના અમ્માન સંદેશનો પુનરુચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત અને જોર્ડન એ માન્યતા પર એકજૂથ છે કે, શાંતિ અને સમૃદ્ધિ માટે આધુનિકીકરણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે, બંને પક્ષો સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના સંયુક્ત પ્રયાસોમાં હંમેશા ખભાથી ખભો મિલાવીને આગળ વધવાનું ચાલુ રાખશે.