પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. તેમણે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર પણ શરૂ કર્યું. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એઈમ્સ, દેવઘરમાં સીમાચિહ્નરૂપ 10,000મું જન ઔષધિ કેન્દ્રને સમર્પિત કર્યું. વધુમાં, શ્રી મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મહિલા SHG ને ડ્રોન પૂરા પાડવા અને જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 સુધી કરવાની આ બંને પહેલની જાહેરાત કરી હતી. કાર્યક્રમ આ વચનોની પરિપૂર્ણતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ એઈમ્સ દેવઘરમાં લાભાર્થી અને જન ઔષધિ કેન્દ્રના સંચાલક રુચિ કુમારી સાથે વાર્તાલાપ કર્યો. પ્રધાનમંત્રીએ બાબા ધામ દેવઘરમાં આ સીમાચિહ્ન હાંસલ કરવા બદલ ખુશી વ્યક્ત કરતા 10,000મા જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જન ઔષધિ કેન્દ્ર અંગેના તેમના નિર્ણય વિશે પૂછપરછ કરવામાં આવતા, તેમણે ગરીબ અને મધ્યમ વર્ગ સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયા વર્ણવી અને સસ્તી દવાઓની જરૂરિયાતને તીવ્રપણે અનુભવી કારણ કે બજારમાં 100 રૂપિયામાં ઉપલબ્ધ દવા ઘણીવાર કેન્દ્રમાં 10 થી 50 રૂપિયામાં ઉપલબ્ધ હોય છે. તેમણે પ્રદેશમાં જન ઔષધિ કેન્દ્રો વિશે જાગૃતિ લાવવા પર પણ ભાર મૂક્યો અને યોજનાના પ્રચાર માટે સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે રૂચી દ્વારા માહિતી આપવામાં આવી.
જન ઔષધિ યોજનાના લાભાર્થી, શ્રી સોના મિશ્રાએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે તેઓ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તા ભાવે દવાઓ ખરીદીને દર મહિને આશરે 10,000 રૂપિયા બચાવવામાં સફળ થયા છે. પ્રધાનમંત્રીએ શ્રી મિશ્રાને જન ઔષધિ કેન્દ્રના તેમના અનુભવો વિશે તેમની દુકાન પર એક બોર્ડ લગાવવાનું સૂચન કર્યું અને સસ્તી દવાઓની ઉપલબ્ધતા અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે સ્થાનિક લોકો યોજનાઓ વિશે જાગૃત છે. "ગુણવત્તાવાળી અને સસ્તી દવા એ એક મોટી સેવા છે", અને લોકોએ આ વિશે જાગૃત રહેવું જોઈએ, એમ પ્રધાનમંત્રીએ કહ્યું.