મહામહિમ શ્રી ઇમોમાલી રહમાન,
પ્રજાસત્તાક તજાકિસ્તાનના રાષ્ટ્રપતિ,
દેવીઓ અને સજ્જનો,
મીડિયાના પ્રતિનિધિઓ,
ભારતમાં રાષ્ટ્રપતિ રહમાન અને તેમના પ્રતિનિધિમંડળનું હું સ્વાગત કરું છું. તજાકિસ્તાન એશિયામાં મહત્વપૂર્ણ મિત્ર રાષ્ટ્ર અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યનો ભાગીદાર દેશ છે. રાષ્ટ્રપતિ રહમાન પોતે ભારતથી બહુ સારી રીતે પરિચિત છે. હકીકતમાં અમને તેમના યજમાન બનવાની તક ફરી મળી એની મને ખુશી છે. ભારતમાં અમે તેમના કુશળ નેતૃત્વની અને આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં તેમના નોંધપાત્ર પ્રદાનની પ્રશંસા કરીએ છીએ. આપણી વ્યૂહાત્મક ભાગીદારી પારસ્પરિક સન્માન, વિશ્વાસ તથા પ્રાદેશિક સુરક્ષા અને વિકાસમાં સહિયારા હિતો પર આધારિત છે. આપણા બંને દેશો અને બંને સમાજ વચ્ચે સ્વાભાવિક આકર્ષણ અને લગાવ છે, જેના મૂળિયા આપણા સહિયારા ઇતિહાસ અને વારસામાં રહેલા છે. ભૂતકાળમાં આપણા સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય આંતરસંબંધોને પરિણામે ઉષ્માસભર અને મૈત્રીપૂર્ણ સંબંધનો વિકાસ થયો છે, જે અત્યારે આપણા નાગરિકો વચ્ચેના જોડાણમાં ઊડીને આંખે વળગે છે.
મિત્રો,
રાષ્ટ્રપતિ રહમાન અને મેં આજે ફળદાયક ચર્ચાવિચારણા કરી હતી. અમે આપણી દ્વિપક્ષીય ભાગીદારીના વિવિધ આધારસ્તંભ હેઠળ હાંસલ થયેલી વિસ્તૃત પ્રગતિની આકારણી કરી હતી, જેમાં સંરક્ષણ અને સલામતીમાં આપણી ભાગીદારી સામેલ છે. ભારત અને તજાકિસ્તાનની આસપાસ એવા પડોશી દેશો છે, જે વિવિધ પ્રકારના સુરક્ષા પડકારો અને જોખમોનો સામનો કરે છે. આતંકવાદ આપણા બંને દેશોના અર્થતંત્રો માટે જ જોખમરૂપ નથી. પણ તેણે સંપૂર્ણ વિસ્તારમાં હિંસા અને અસ્થિરતાનું વાતાવરણ ઊભું કર્યું છે. એટલે આતંકવાદનો સામનો કરવો આપણા સંબંધોમાં, સહકારમાં અને ભાગીદારીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અમે મધ્ય એશિયાના વિસ્તારમાં તજાકિસ્તાનની ભૂમિકાને બિરદાવીએ છીએ, જેણે આતંકવાદ, કટ્ટરવાદ અને રૂઢિવાદી પરિબળોનો મક્કમતાપૂર્વક સામનો કર્યો છે. રાષ્ટ્રપતિ રહમાન અને હું આજે પારસ્પરિક સંમત પ્રાથમિકતાઓ પર આધારિત આ મોરચે મજબૂત કામગીરી કરવા સંમત થયા હતા.
અમે આ કામગીરી વિવિધ સ્તરે કરીશું :-
- સંપૂર્ણ દ્વિપક્ષીય સુરક્ષા સહકારને વધુ મજબૂત કરીને;
- વિસ્તૃત તાલીમ, ક્ષમતા નિર્માણ અને માહિતીના આદાનપ્રદાન મારફતે; અને,
- પ્રાદેશિક અને બહુપક્ષીય સંદર્ભમાં સક્રિય સંકલન મારફતે.
શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ –શાંધાઈ સહકાર સંસ્થા)માં ભારતનું સભ્યપદ પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી પ્રયાસો પર તજાકિસ્તાન સાથે ખભેખભો મિલાવીને કામ કરવા મહત્વપૂર્ણ મંચ બની રહેશે. રાષ્ટ્રપતિ રહમાન અને મેં આપણા પ્રદેશમાં વિકાસલક્ષી બાબતો પર અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. અમે સંમત થયા હતા કે, અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સંપૂર્ણ વિસ્તાર માટે મહત્વપૂર્ણ છે. અફઘાન લોકો અને શાંતિપૂર્ણ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટેની તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ભારત અને તજાકિસ્તાન બંનેએ ટેકો આપવા હાથ મિલાવ્યા છે.
મિત્રો,
રાષ્ટ્રપતિ અને હું આપણી આર્થિક ભાગીદારીની તકો અને પ્રમાણ વધારવાની જરૂરિયાત પર સંમત થયા છીએ, ખાસ કરીને વેપાર અને રોકાણના ક્ષેત્રમાં. આ સંદર્ભમાં હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પાવર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રો બનશે, જેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. અમે સંમત થયા હતા કે આપણા દેશોના લાભ માટે આપણી આર્થિક ભાગીદારીની સંભવિતતાને સાકાર કરવા સપાટી પરનું જોડાણ મહત્વપૂર્ણ છે. વર્તમાન પોર્ટ અને પરિવહન માળખાગત સુવિધાને વિકસાવવાની તથા તેને રોડ અને રેલ નેટવર્ક મારફતે અફઘાનિસ્તાન, તજાકિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડવાની પહેલોનું ભારત સમર્થન કરે છે. આ સંબંધમાં અમે ઇરાનમાં ચાબહાર પોર્ટ મારફતે વેપાર અને પરિવહન જોડાણનું નિર્માણ કરવા કામ કરીશું. તજાકિસ્તાન સહિત અન્ય સભ્યો સાથે ભારત ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરની સુવિધા સ્થાપિત કરવાની કામગીરીમાં પણ સંકળાયેલ છે. એશ્ગાબાટ સમજૂતીમાં અમારી આયોજિત પહોંચ અમને તજાકિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડવામાં મદદ કરશે. ભારત અને તજાકિસ્તાન ક્ષમતા અને સંસ્થાનિર્માણમાં ઉપયોગી અને લાભદાયક ભાગીદારી ધરાવે છે, જેમાં ઇન્ડિયન ટેકનિકલ અને આર્થિક સહકાર તાલીમ કાર્યક્રમ હેઠળની ભાગીદારી સામેલ છે. રાષ્ટ્રપતિ રહમાન અને હું આ ભાગીદારીને કાયમી અને મજબૂત બનાવવા સંમત થયા હતા.
મિત્રો,
આગામી વર્ષે અમે ભારત અને તજાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 25મી જયંતિ ઉજવીશું. રાષ્ટ્રપતિ રહમાનની આ મુલાકાત દરમિયાન તેમણે અને મેં આપણા દેશો માટે વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની કાર્યસૂચિ બનાવી છે, જેને લઇને હું ઉત્સાહિત છું. વધુમાં મને અપેક્ષા છે કે આજે થયેલી સમજૂતીઓ અને અમારી ચર્ચાવિચારણાઓ ભારત અને તજાકિસ્તાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વ્યવહારિક સહકારને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. હું એક વખત ફરી રાષ્ટ્રપતિ રહમાનને આવકારું છું અને ભારતમાં તેમની સફર આનંદદાયક અને લાભદાયક બની રહે તેવી શુભેચ્છા પાઠવું છું.
ધન્યુવાદ.
તમારો ખૂબ આભાર.