આદરણીય કંબોડિયા સામ્રાજ્યનાં પ્રધાનમંત્રી હુન સેન,
પ્રતિનિધિમંડળના સન્માનનીય સભ્ય,
માનનીય અતીથીગણ, મીડિયાના મિત્રો,
દેવીઓ અને સજ્જનો,
નમસ્કાર!
પ્રધાનમંત્રી હુન સેનનું એકવાર ફરી સ્વાગત કરતા મને અનહદ પ્રસન્નતા થઇ રહી છે. તેમની આ રાજ્ય મુલાકાત 10 વર્ષના લાંબા સમયગાળા પછી થઇ રહી છે.
જોકે પ્રધાનમંત્રીજી તમે પોતે ભારતથી સુપેરે પરિચિત છો, અને ભારત તમારાથી. મને વિશ્વાસ છે કે આ યાત્રા દરમિયાન તમને ભારતની આર્થિક પ્રગતિ અને સામાજિક પરિવર્તનોને નજીકથી જોવાનો સારો અવસર મળ્યો છે.
બે દિવસ પહેલા આપણે આસિયાન ઇન્ડિયા સ્મારક શિખર સંમેલન દરમિયાન આસિયાન ભારત સહયોગ ઉપર વિસ્તારથી ચર્ચા કરી છે. ભારત અને 10 આસિયાન દેશોના નેતાઓએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા જેથી ભારત અને આસિયાનનો સહયોગ આવનારા વર્ષોમાં નવી ઉંચાઈઓને સ્પર્શે.
આ ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી હુન સેને મારા નિમંત્રણનો સ્વીકાર કરીને શિખર સંનેલનમાં ઉપસ્થિત રહીને અમારું સન્માન વધાર્યું છે.
એટલું જ નહી, તેમણે શિખર સંમેલન દરમિયાન ચર્ચા વિચારણા અને તેના નિર્ણયોમાં બહુમુલ્ય યોગદાન આપ્યું. તેની માટે હું તેમનો હૃદયથી આભાર માનું છું.
મિત્રો,
ભારત કંબોડિયાના પૌરાણિક સમયના ઐતિહાસિક સંબંધો ગઈ સદીના ઉત્તરાર્ધમાં વધુ ગાઢ બન્યા જયારે કંબોડિયાના રાજનૈતિક પરિવર્તનો દરમિયાન ભારત પોતાના જુના મિત્ર અને તેના નાગરિકોની સાથે ખભે ખભો મિલાવીને ઉભો રહ્યો હતો.
પ્રધાનમંત્રી હુન સેન અને હું એ વાત ઉપર સહમત છીએ કે સમસામાયિક જરૂરિયાતો અનુસાર આજે આપણે આપણા સંબંધોને દરેક ક્ષેત્રમાં હજુ વધારે ઊંડા બનાવવાની જરૂર છે.
ભારત-કંબોડિયાની સાથે પોતાની ભાગીદારીને આર્થિક, સામાજિક વિકાસ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, વ્યાપાર, પ્રવાસન અને સામાન્ય લોકોની વચ્ચેના સંબંધો જેવા તમામ ક્ષેત્રોમાં વધારવા માટે તૈયાર જ નહી પરંતુ પ્રતિબદ્ધ પણ છે.
આપણા સાંસ્કૃતિક સંબંધોમાં આપણી સંયુક્ત વિરાસતનો એક ખુબ મહત્વપૂર્ણ ભાગ છે. 12મી સદીમાં બનાવવામાં આવેલા ઐતિહાસિક અંકોરવાટ મંદિરનો જીર્ણોદ્ધાર એ આ સહયોગનું એક ઉદાહરણ છે. ભારતને ખુશી છે કે કંબોડિયામાં આ સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ અને સંવર્ધન માટે અમે યોગદાન આપી શક્યા. આપણી ભાષાઓ પણ પાલી અને સંસ્કૃતના સ્ત્રોતોમાંથી નીકળી છે. તે ખુશીની વાત છે કે આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના મૂળ ખુબ ઊંડા છે. એટલા માટે પારસ્પરિક પ્રવાસનને વધારવા માટે ઘણી શક્યતાઓ રહેલી છે.
મિત્રો,
ભારતની માટે એ ખુશીની વાત છે કે આપણું મિત્ર કંબોડિયા ખુબ ઝડપથી આર્થીક પ્રગતિ કરી રહ્યું કે અને પાછલા બે દાયકામાં વાર્ષિક 7 ટકાની વૃદ્ધિ થઇ રહી છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ કરનાર મોટી અર્થવ્યવસ્થા છે. કારણ કે આપણા મુલ્યો અને સંસ્કૃતિ મળતા આવે છે. એટલા માટે આપણા બંને દેશોની વચ્ચે વેપારને વધારવામાં એક સ્વાભાવિક સંકલન બની શકે તેમ છે.
કંબોડિયાની ઉદાર આર્થિક નીતિઓ અને આસિયાન આર્થિક સમુદાયની સ્થાપના કંબોડિયામાં ભારતીય રોકાણ માટે એક સારો અવસર પ્રદાન કરે છે.
ખાસ કરીને સ્વાસ્થ્ય, ઔષધી, ઇન્ફોરમેશન ટેકનોલોજી, કૃષિ, ઓટોમોબાઇલ અને ઓટો સાધનો, ટેકસટાઇલ વગેરે ક્ષેત્રોમાં. મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં આપણા દ્વિપક્ષીય વ્યાપારમાં વૃદ્ધિ થશે અને ભારતથી હજુ વધારે રોકાણકારો તથા વેપારીઓ કંબોડિયામાં લાભદાયક હાજરી બનાવી શકશે.
મિત્રો,
વિકાસાત્મક સહયોગ એ ભારત કંબોડિયાના સંબંધોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કંબોડિયાના સામાજિક, આર્થિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સાથી તરીકે ભારતની પ્રતિબદ્ધતા હંમેશાથી રહી છે અને આગળ પણ રહેશે.
અમે કંબોડિયા સરકારની જરૂરિયાતો અનુસાર યોજનાઓ માટે અનેક લાઈન ઑફ ક્રેડીટનાં પ્રસ્તાવો મુક્યા છે. ખાસ કરીને સ્વાસ્થ્ય, જોડાણ, ડીજીટલ જોડાણના ક્ષેત્રોમાં.
પ્રતિવર્ષ ભારત કંબોડિયામાં 5 ક્વિક ઈમ્પેક્ટ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સની સંખ્યા વાર્ષિક 5થી વધીને 10 કરવાનો નિર્ણય અમે લીધો છે. પાંચસો કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડનું અમે નિર્માણ કર્યું છે.
આ ફંડનો ઉપયોગ ભારતનાં ઉદ્યોગો અને વ્યાપારનો વિસ્તાર કરવા માટે અને પુરવઠા શ્રુંખલાને સસ્તી બનાવવા માટે કરી શકાય તેમ છે. અમે કંબોડિયામાં એક સેન્ટર ઑફ એકસેલન્સ ઇન આઈટી એન્ડ આઈટી ઇનેબલ્ડ સર્વિસની સ્થાપના કરી રહ્યા છીએ.
ભારત પાંચ દાયકાઓથી પણ વધુ જુના ભારતીય ટેકનોલોજી અને આર્થિક સહયોગ કાર્યક્રમમાં કંબોડિયાનું એક સક્રિય સાથી છે. એક હજાર ચારસોથી પણ વધુ કંબોડિયાના નાગરિકોએ આ કાર્યક્રમ દ્વારા ક્ષમતા નિર્માણની તાલીમ પ્રાપ્ત કરી છે.
અમે ભવિષ્યમાં પણ આ કાર્યક્રમ યથાવત રાખીશું અને કંબોડિયાની જરૂરિયાતો અનુસાર તેનું વિસ્તરણ કરવા માટે અમે તૈયાર છીએ.
મિત્રો,
આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા બંને દેશોની વચ્ચે ઊંડો સંબંધ છે અને અનેક ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર આપણા વિશ્વસનીય સંબંધો છે. વર્તમાન સહયોગને વધુ આગળ વધારતા ભારત અને કંબોડિયા એક બીજાને આંતરરાષ્ટ્રીય મંચ પર સમર્થન પ્રદાન કરતા રહેશે.
અંતમાં, હું પ્રધાનમંત્રી હુન સેનને ભારતનાં અભિન્ન મિત્ર અને સન્માનનીય અતિથીનાં રૂપમાં તેમની આ ભારત યાત્રા માટે આભાર માનું છું. હું આશા રાખું છું કે તેમનો ભારતમાં પ્રવાસ સુખદ અને યાદગાર રહેશે.
હું એ પણ આશ્વાસન આપું છું કે ભારત આવનારા સમયમાં કંબોડિયાની સાથે વહુ ઘનિષ્ઠ સહયોગ વધારવા માટે તૈયાર છે જેથી કરીને કંબોડિયા અને તેના નાગરિકોની સાથે અમારા ઊંડા અને પરંપરાગત ઊંડા સંબંધો વધુ મજબુત બની શકે.