માનનીય રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો
મિત્રો,
મીડિયાના પ્રતિનિધિઓ
મને ભારતમાં રાષ્ટ્રપતિ લુકાશેન્કોનું સ્વાગત કરતા આનંદ થાય છે. બંને દેશ ચાલુ વર્ષે આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 25મું વર્ષ ઉજવીએ છીએ ત્યારે તેમણે મુલાકાત લીધી છે.
અમે અગાઉ વર્ષ 1997માં અને વર્ષ 2007માં ભારતમાં રાષ્ટ્રપતિ લુકાશેન્કોને આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તમને ભારતમાં થયેલા પરિવર્તન જોવા અને અનુભવવાની તક મળશે એવી મને આશા છે.
આજે અમે વિસ્તૃત મુદ્દાઓ પર અને ભવિષ્યમાં જોડાણના વિવિધ પાસા પર ચર્ચાવિચારણા કરી હતી. આપણા સંબંધો અઢી દાયકામાં વધુને વધુ મજબૂત થયા છે. અમે અમારી ભાગીદારીના માળખાની સમીક્ષા કરી હતી. અમે તેને વધુ ગાઢ બનાવવા વિચારો અને પહેલો અંગે ચર્ચા કરી હતી. અમે સહકારના તમામ પાસાઓમાં અમારું આદાનપ્રદાન વધારવાનો નિર્ણય લીધો હતો.
મને રાષ્ટ્રપતિ લુકાશેન્કોમાં બંને દેશોના નાગરિકો માટે આપણા જોડાણને વધારવાનો ઉત્સાહ અને ઇચ્છા જોવા મળી છે.
આ માટે અમે આર્થિક જોડાણને વિવિધતાસભર બનાવવા કામ કરીશું. આ માટે અમે અમારી વચ્ચે એકબીજાને સ્વાભાવિક પૂરક બની શકાય તેવી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરીશું.
આપણી કંપનીઓએ ગ્રાહક-વિક્રેતાના માળખામાંથી બહાર નીકળીને એકબીજાની ભાગીદાર કંપની બનવું પડશે. ફાર્માસ્યુટિકલ્સ, ઓઇલ અને ગેસ, ભારે મશીનરી અને ઉપકરણમાં વ્યવસાય અને રોકાણની પુષ્કળ તકો છે. ગયા વર્ષે ભારતીય કંપનીઓએ ફાર્માસ્યુટિકલ્સમાં ત્રણ સંયુક્ત સાહસો સાથે સકારાત્મક શરૂ કરી હતી.
ટાયર, કૃષિ-ઉદ્યોગ મશીનરી અને માઇનિંગ ઉપકરણના ઉત્પાદનમાં જોડાણ માટેની શક્યતાઓ અસ્તિત્વમાં છે. તે જ રીતે ભારે-ડ્યુટી ધરાવતી બાંધકામ મશીનરીની ભારતમાં માગ વધારે છે અને બેલારુસ ઔદ્યોગિક તાકાત ધરાવે છે.
અમે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત વિકાસ અને ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપીશું. અમે 100 મિલિયન અમેરિકન ડોલરની લાઇન ઓફ ક્રેડિટનો ઉપયોગ કરવા થયેલી પ્રગતિ પર પણ ચર્ચા કરી છે, જે ભારતે બેલારુસમાં ચોક્કસ પ્રોજેક્ટ્સમાં વર્ષ 2015માં ઓફર કરી હતી.
ભારત યુરેશિયન ઇકોનોમિક યુનિયન (ઇઇયુ) અને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર જેવી બહુપક્ષીય આર્થિક પહેલો હેઠળ બેલારુસ સાથે જોડાણ ધરાવે છે. ભારત ઇઇયુ સાથે મુક્ત વેપાર સમજૂતી અંગે વાટાઘાટ કરે છે.
મિત્રો,
બંને દેશ વચ્ચે સહકાર સ્થાપિત કરવા માટે અન્ય એક ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી છે. બેલારુસ આ ક્ષેત્રમાં લાંબા સમયથી ભારત સાથે જોડાણ ધરાવે છે.
મેટલર્જી અને સામગ્રીઓ, નેનો-સામગ્રીઓ, જૈવિક અને તબીબી વિજ્ઞાન તથા રસાયણ અને ઇજનેરી વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં નવીનતા અને વાણિજ્યિકરણને ઉચિત મહત્વ આપવામાં આવશે. અમે આ પ્રક્રિયામાં અમારી યુવા પેઢીને ભાગીદાર બનવાવવાનો વિચાર કર્યો છે.
અમે બેલારુસની ટેકનોલોજી પ્રદર્શિત કરવા ભારતમાં ટેકનોલોજી પ્રદર્શન કેન્દ્ર સ્થાપિત કરવા વિચાર્યું છે.
બેલારુસ સાથે ભારતની ભાગીદારીનું અન્ય એક પાસું વિકાસલક્ષી સહકારમાં રહેલું છે. બેલારુસ ભારતીય ટેકનિકલ અને આર્થિક સહકાર કાર્યક્રમમાં સક્રિયપણે ભાગીદાર છે.
આંતરરાષ્ટ્રીય મંચો પર આપણા બંને દેશોએ પારસ્પરિક હિતોની બાબતો પર ગાઢ સહકાર સ્થાપિત કર્યો છે અને સામાન્ય અભિગમ અખત્યાર કર્યો છે.
ભારત અને બેલારુસ બહુપક્ષીય ક્ષેત્રોમાં એકબીજાને સાથસહકાર આપવાનું જાળવી રાખશે.
મિત્રો,
રાષ્ટ્રપતિ લુકાશેન્કો અને મેં આપણા દેશોના નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનના સમૃદ્ધ ઇતિહાસની ચર્ચા કરી હતી, જેનાથી સારા સંબંધો વિકસ્યા છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે બેલારુસના અનેક લોકો ભારતીય સંસ્કૃતિ, વાનગીઓ, ફિલ્મો, સંગીત, નૃત્યુ, યોગ અને આયુર્વેદમાં સક્રિયપણે રસ લઈ રહ્યા છે.
હું પ્રવાસન અને નાગરિકો વચ્ચે આદાનપ્રદાન વધારવા સારી સંભવિતતા જોઉં છું, જેથી આપણા સંબંધો માટે વધુ મજબૂત પાયાનું નિર્માણ થાય.
અંતે હું રાષ્ટ્રપતિ લુકાશેન્કોનો અમારા અતિથિ બનવા બદલ આભાર માનું છું. આગામી દિવસો અને મહિનાઓમાં બેલારુસ સાથે ભારત ખભેખભો મિલાવીને કામ કરશે, જેથી આજના સર્વસંમત મુદ્દાઓ અને પરિણામોનો અમલ કરી શકાશે. હું રાષ્ટ્રપતિ લુકાશેન્કોને ભારતનો પ્રવાસ યાદગાર બની રહે એવી શુભેચ્છા પાઠવું છું.
હું આપનો આભાર માનું છું.