પ્રિય મિત્રો!
હું તમને કલાશ્નિકોવ એસોલ્ટ રાઇફલનાં ઉત્પાદન માટે રશિયન-ભારતીય સંયુક્ત સાહસ શરૂ કરવાનાં પ્રસંગે આવકાર પાઠવું છું.
ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક મુખ્ય ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર પરંપરાગત રીતે મિલિટરી અને ટેકનિકલ સહકાર છે. સાત દાયકાથી વધારે સમયથી અમે ભારતીય મિત્રોને વિશ્વસનિય અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શસ્ત્રો અને ઉપકરણનો પુરવઠો પૂરો પાડી રહ્યાં છે. અમારા દેશની મદદથી ભારતમાં આશરે 170 મિલિટરી અને ઔદ્યોગિક સુવિધાઓ સ્થાપિત થઈ છે.
આ નવું સંયુક્ત સાહસ નવી 200ની શ્રૃંખલાની જગપ્રસિદ્ધ કલાશ્નિકોવ એસોલ્ટ રાઇફલનું ઉત્પાદન કરશે, જેનાં પરિણામે ઉત્પાદનનું સંપૂર્ણ સ્થાનિકીકરણ થશે. એટલે ભારતીય સંરક્ષણ-ઔદ્યોગિક ક્ષેત્ર પાસે નાના શસ્ત્રોની આ શ્રેણીમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની જરૂરિયાતો પૂર્ણ કરવાની તક ઊભી થશે, જે રશિયાની આધુનિક ટેકનોલોજી પર નિર્ભર છે.
મારે તમને યાદ કરાવવું જોઈએ કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મારી ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન મારા મિત્ર અને ભારતીય પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતમાં કલાશ્નિકોવ ઉત્પાદન માટેની સુવિધા સ્થાપિત કરવાની સમજૂતી કરી હતી. સંબંધિત આંતરસરકારી સમજૂતી ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ હતી અને તેનાં પર હસ્તાક્ષર થયા હતાં. આ સંબંધમાં હું રશિયન અને ભારતીય નિષ્ણાતોનો આભાર માનું છું, જે તમામની ત્વરિત કામગીરીને કારણે આ પ્રોજેક્ટનો અમલ શક્ય બન્યો છે.
મને ખાતરી છે કે, નવું સાહસ શરૂ થવાથી ભારતમાં સંરક્ષણ ક્ષેત્રની સંભવિતતામાં વધારો થશે, રાષ્ટ્રીય અર્થતંત્રનાં વિજ્ઞાન અને ઔદ્યોગિક આધારને વેગ મળશે, જે લાયકાત ધરાવતા લોકો માટે નવી રોજગારીનું સર્જન કરવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ તેનાથી વ્યાવસાયિક શિક્ષણ અને કર્મચારી તાલીમને વેગ મળશે. આ પ્લાન્ટ આપણા બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ અને રચનાત્મક સહકારનાં સંબંધોનું વધુ એક પ્રતિક બનશે.
હું આ પ્લાન્ટને સારામાં સારી સફળતા મળે એ માટે શુભેચ્છા પાઠવું છું.