આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા. પોતાના પ્રથમ પ્રવચન સાથે શ્રીમાન અમિતભાઈ શાહે આ પ્રસ્તાવ રજૂ કર્યો, વિનય સહસ્ત્રબુદ્ધેએ તેને સમર્થન આપ્યું. શ્રીમાન ગુલામ નબી આઝાદજી, ડી. પી. ત્રિપાઠીજી, પ્રમોદ તિવારીજી, સરદાર બલવંતસિંહજી, નરેશ અગ્રવાલજી, દિલીપકુમાર તિર્કીજી, સંજય રાઉતજી, આનંદ શર્માજી, ડેરેક ઓબ્રાયનજી, ડી. રાજા, સંજયસિંહ, સુખેન્દુ શેખર રાયજી, ટી. કે. રંગરાજનજી, ટી. જી. વેંકટેશજી સહિત અનેક આદરણીય સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. રોજગાર હોય, ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોની આવકની વાત હોય, વિદેશ નીતિ હોય, સુરક્ષા વ્યવસ્થા હોય, આયુષમાન ભારત હોય, એવા અનેક વિષયો પર સૌએ પોતાના વિચારો રજૂ કર્યા છે. ગુલામ નબીજીને તો મેં અહીં બેસીને સાંભળ્યા હતા, બાકીના બધાને મેં કક્ષમાં બેસીને સાંભળ્યા હતા અને તેથી તેમની બોડી લેંગ્વેજ (શારીરિક હાવભાવ) નિહાળવાનો પણ અવસર મળ્યો હતો. અને તેઓ વંશવાદ ઉપર ચર્ચા કરી રહ્યા હતા, એક પરિવારને બચાવવા માટે ઘણું બધું કહી રહ્યા હતા એ બધું તો ઠીક છે, પણ એ વખતે તેમનું ભોળપણ ઘણું સારૂ લાગી રહ્યું હતું અને સૌથી વધુ તો મેં જોયું, હમણા આનંદ શર્માજીને પણ હું સાંભળી રહ્યો હતો. તો ગુલામ નબીજીથી લઈને આનંદ શર્માજી સુધી વધુ પડતું તો તેઓ પોતાની જુની સરકાર વિષેની વાતો કરવા તકનો ઉપયોગ કરી રહ્યા હતા. બહાર તો કોઈ સાંભળતું નથી, એટલે અહીં તો કહેવું પડે ને. ખેર, કોંગ્રેસ પાર્ટી અથવા તો આ રાજકીય પક્ષે શું કરવું જોઈએ એ વિષે ન તો મારો કોઈ હક છે અને નથી તો મારે કઈં કહેવું. પણ, આપે આયુષમાન ભારતની ચર્ચા કરી અને આપે ઉદાહરણ આપ્યું અમેરિકા અને બ્રિટનનું. હવે આ અમેરિકાના મોડલ અને બ્રિટનના મોડલ તથા ભારતની સામાજિક સ્થિતિ, બન્નેમાં આસમાન જમીનનો ફરક છે. કોઈ વસ્તુ ત્યાં સફળ થાય તે અહીં સફળ ના પણ થાય, ઘણી બાબતો ત્યાં નિષ્ફળ રહે તે આપણે ત્યાં બેકાર સાબિત થઈ શકે છે. આવો તર્ક યોગ્ય નથી. આપણે આપણી દ્રષ્ટિએ વિચારવાનું છે, આપણા દેશ માટે વિચારવાનું છે. પણ આવું એટલા માટે થાય છે કે, ખાસ કરીને તો 50-55 વર્ષ સત્તામાં રહેવું અને જમીન સાથે સંપર્ક ગુમાવી દેવો ઘણું જ સ્વાભાવિક છે. અને તેના કારણે આ પ્રકારના વિચારો અને મર્યાદાઓ આવવા ઘણું જ સ્વાભાવિક છે. પણ હું નથી માનતો કે કોઈ એ વાતથી અસંમત હોય કે આપણા દેશમાં આરોગ્યના ક્ષેત્રે હજી ઘણું કરવાની આવશ્યકતા છે. અને ઘણું ઘણું કરવાની જરૂરત છે જ. એનો અર્થ તો એવો થાય કે ગુલામ નબી આરોગ્ય મંત્રી હતા ત્યારે કઈં જ કર્યું નહોતું. કઈંક તો કર્યું હશે. પણ, ઘણું કરવાની આવશ્યકતા છે એ વિષે ઈનકાર કરી શકાય તેમ નથી. અને તેથી જ, ચર્ચાના આ મુદ્દે પણ આપણે સમજીએ કે દેશની આશાઓ-અપેક્ષાઓને અનુરૂપ કેટલીક વાતો આપણે કેવી રીતે કરી શકીશું. હવે એ બરાબર છે કે અમે આયુષમાન ભારત યોજના રજૂ કરી રહ્યા છીએ. બની શકે કે છે કે એમાં ખામીઓ હોય, પણ આખરે તો આ યોજના દેશ માટે જ છે. કોઈ પક્ષ માટે નથી, એથી હું ઈચ્છું છુ કે, કોંગ્રેસના મિત્રો પણ એક કાર્ય દળ બનાવે અને બીજા પક્ષોના લોકો પણ પોતપોતાનું કાર્ય દળ બનાવે, આયુષમાન ભારત યોજનાનો અભ્યાસ કરે અને તેમાં કોઈ ખામીઓ હોય તો હું ચોક્કસ સમય આપીશ. હું પોતે સમય આપીશ. આખરે ઉદ્દેશ્ય શું છે? આખરી ઉદ્દેશ્ય એ છે કે, દેશમાં ગરીબ કે નીચલા મધ્યમ વર્ગના પરિવારના ઘરમાં બિમારી આવે તો એણે જે કઈં પણ જીવનભરની બચત, મૂડી બચાવી હોય તે બધું એમાં વપરાઈ જાય છે અને તેઓ પાછા શૂન્ય પર આવી જાય છે. ક્યારેક તો એની નકારાત્મક સ્થિતિ આવી જાય છે. ક્યારેક વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લઈ ઈલાજ કરાવવો પડે છે. ક્યારેક તે એવું વિચારે છે કે દિકરાઓને કરજામાં ડુબાડવા નથી, તેથી બિમારી સહન કરી લો, જીવન ટુંકું થઈ જાય તો થઈ જાય. આવું માનસ બની જાય છે. અને, કોણે કર્યું, કોણે નથી કર્યું, 70 વર્ષ કેમ નથી થયું એ બધા સવાલો પણ ઉભા થઈ જ શકે છે. પણ મારી ચર્ચાનો વિષય એ નથી. શું આપણે એવું કઈંક કરવું જોઈએ કે કરવું ના જોઈએ. સરકાર જે વિચારે છે તેના વિચારો મારા તમારા જેવા નથી કે, ભગવાને આપણને જ બધું આપ્યું છે. અમે માનીએ છીએ કે આ ગૃહમાં અમારાથી પણ ઘણા વધુ વિદ્વાન તથા અનુભવી લોકો છે. આપણે બેસીને, સાથે બેસીને શું આયુષમાન ભારતને દેશના 40-50 કરોડ લોકોને માટે એક સારા સ્વાસ્થ્યનો વિશ્વાસ પેદા કરી શકીએ તેમ છીએ ખરા? અને અગર એક વાર… અને આ તો વીમા યોજના છે. આથી જ હું સમજું છું કે, આપણે જાણીએ છીએ કે વીમામાં કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે. અને આથી જ, બજેટમાં જોગવાઈ છે કે નહીં વગેરેની ચર્ચા કરીને અટકી જવાની જરૂર નથી. એ પાસાથી અમે સારી રીતે પરિચિત છીએ. પણ દેશના ગરીબોને એનો લાભ મળવો જોઈએ. અને હું નથી માનતો કે એ વાતે કોઈને કોઈ વાંધો હોઈ શકે. હા, યોજના લાગુ કર્યા પછી કોઈ ખામીઓ રહી ગઈ હોય અને તેના પર ધ્યાન ગયું ના હોય તો, કોઈ ટીકા કરે તે બરાબર છે. અત્યારે તો હજી દરખાસ્તોનો સમયગાળો છે અને હાલમાં તો એક પ્રાથમિક વિચાર રજૂ કરાયો છે. આપણે સાથે મળીને એને વધુ સારી કેવી રીતે બનાવીએ તે વિચારવાનું છે અને તેથી જ હું તો ઈચ્છું છું કે સારી દરખાસ્તો, સૂચનો આવવા જોઈએ. અને આજે જે લોકો મારૂં ભાષણ ટીવી પર સાંભળતા હશે, તેમને પણ મારો આગ્રહ છે કે, આમાં તમે કોઈ સારી, સંપૂર્ણ વાતો રજૂ કરી શકતા હો, તો જરૂર કરજો. દેશના ગરીબો માટે કઈંક કરવાનું છે અને તેમાં કોઈ પક્ષ નથી હોતો અને હું તો માનું છુ કે, આપણે સૌ સાથે મળીને આ વાતને આગળ ધપાવીએ.
એ વાત સાચી છે કે, અગર હું અહીં બેઠા અંગ્રેજીમાં 9 લખું તો હું નથી માનતો કોઈ વ્યક્તિ ઈનકાર કરી શકે કે તે 9 છે. પણ ત્યાં બેઠેલાઓને તે 6 દેખાશે. અંગ્રેજીમાં હું અહીં 9 લખું, હું ખોટો નથી, પણ હવે તમને 6 દેખાય તો હું શું કરી શકું. કેમ કે તમે ત્યાં બેઠા છો. અને આથી જ હું સમજું છું કે, હવે મને કોઈ કહે કે હિન્દુસ્તાનમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રેન્કિંગમાં સુધારો થાય, તો આપણને એનું દુખ શા માટે થવું જોઈએ. શું આ દેશના દરેક નાગરિકને એનો ગર્વ થવો ના જોઈએ કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ થયું. દુનિયામાં આપણી એક છબી બની છે. હવે અમે કર્યું, તમે કર્યું એ મુદ્દે આપણે ચૂંટણીમાં જઈશું ત્યારે એ ખેલ રમીશું. પણ દેશની વાત થતી હોય તો એ સારૂં છે. સારૂ છે કે આપણે અહીં સુધી તો પહોંચી જઈએ. આ કોઈ રેટિંગ એજન્સીને શ્રેય અપાય તો હવે અમારા પર ટીકાઓનો મારો કરવો ક્યારેય શક્ય નહીં બને. એવા કિસ્સામાં રેટિંગ એજન્સી પર જ હુમલો કરાય છે. કદાચ દુનિયામાં આવું તો બીજે ક્યાંય નહીં થતું હોય. અને આને કારણે જ ક્યારેક ક્યારેક તો હું એવું અનુભવું છું કે, તમારે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવી જોઈએ. જોરદાર ટીકા કરવી જોઈએ. એ તમારો હક છે. મોદીની પણ ટીકા કરવી જોઈએ. ભરપૂર ટીકા કરવી જોઈએ. વાળ ખેંચી નાખવા જોઈએ. લોકશાહીમાં તમને પુરો હક છે. પણ ભાજપની વગોવણી કરતાં કરતાં તમે ભૂલી જાવ છો. ભારતની વગોવણી કરવા લાગો છો, તમે લક્ષ્ય ભૂલી જાવ છો. તમે મોદી પર હુમલો કરતાં કરતાં હિન્દુસ્તાન પર કરવા લાગો છો. જ્યાં સુધી ભાજપ અને મોદી પર વાર કરો છો ત્યાં સુધી રાજકારણમાં એ તમારો હક છે અને તમારે કરવો પણ જોઈએ. પણ તેના કારણે તમે મર્યાદા ઓળંગી જાવ છો. હવે એનાથી દેશનું ઘણું નુકશાન થાય છે. તો હું માનું છું કે, તમે એ ક્યારેય નહીં સ્વીકારી શકો કે અહીં અમારા જેવા લોકો બેઠા છે. કેવી રીતે સ્વીકારશો. ક્યારેય નહીં સ્વીકારી શકો. તમારી તકલીફ અમે સમજીએ છીએ. પણ મહેરબાની કરીને દેશને નુકશાન થાય, દેશની છબીને દુનિયામાં ઝાંખપ લાગે એવું કરશો નહીં. હવે અહીં એક વિષય આવ્યો છે. હવે રાષ્ટ્રપતિજી એ તેમના સંબોધનમાં ન્યૂ ઈન્ડિયાની કલ્પના કરી છે. સ્વામી વિવેકાનંદે પણ ન્યુ ઇન્ડિયાની ચર્ચા કરી હતી. મહાત્મા ગાંધી પણ યંગ ઈન્ડિયાની વાત કરતા હતા. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પણ તેઓ હોદ્દા પર હતા ત્યારે તેમણે પણ ન્યુ ઇન્ડિયાની સંકલ્પનાની વાત કરી હતી. તો મને ખબર નથી કે તકલીફ શું છે. આપણે ન્યુ ઇન્ડિયા નથી જોઈતું. અમારે તો અમારૂં એ ભારત જોઈએ છે, જુનુ ભારત જોઈએ છે. હું સમજું છું કે, આપણે ગાંધી વાળુ ભારત જોઈએ છીએ. મારે પણ ગાંધી વાળું ભારત જોઈએ છે. કારણ કે ગાંધીએ કહ્યું હતું કે, આઝાદી મળી ચૂકી છે, હવે કોંગ્રેસની કોઈ જરૂરત નથી. કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ. આ કોંગ્રેસ મુક્ત ભારત મોદીનો વિચાર નથી, ગાંધીનો વિચાર છે એ. અમે તો બસ તેમના પગલે પગલે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. હવે તમારે એ ભારત જોઈએ છે. કહે છે કે, અમારે એ ભારત જોઈએ છે. શું લશ્કરના જીપ ગોટાળા વાળુ ભારત, સબમરીન કૌભાંડ વાળુ ભારત જોઈએ છે, હેલિકોપ્ટર કૌભાંડ વાળુ ભારત જોઈએ છે. તમારે ન્યુ ઇન્ડિયા નથી જોઈતું, તમારે એ ભારત જોઈએ છે. તમારે એ ભારત જોઈએ છે, કટોકટી વાળુ, દેશને જેલખાનુ બનાવી દેનારૂં ભારત જોઈએ છે. જય પ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ જેવા લોકોને જેલ ભેગા કરનારૂ, દેશના લાખો લોકોને જેલમાં કેદ કરનારૂં, કટોકટી વાળુ ભારત જોઈએ છે. તમારે જોઈએ છે આવું ભારત. લોકશાહી અઘિકારો છીનવી લેનારૂં, દેશના અખબારો પર તાળા લગાવી દેનારૂં, તમારે એવું ભારત જોઈએ છે. તમારે કેવું ભારત જોઈએ છે, એ ભારત કે જેમાં એક મોટું વૃક્ષ પડી જાય તો હજારો નિર્દોષ શિખોની કત્લેઆમ થઈ જાય. તમારે.. તમારે ન્યુ ઇન્ડિયા નથી જોઈતું. તમારે એ ભારત જોઈએ છે. એ ભારત… તમારે જોઈએ છે. તમારે એ ભારત જોઈએ છે કે જેમાં તંદુરકાંડ થાય તો વગદાર લોકો સામે વહિવટીતંત્ર ઘૂંટણીએ પડી જાય. એવું ભારત જોઈએ. હજારો લોકોના મોતના ગુનેગારને વિમાનમાં બેસાડીને.. વિમાનમાં બેસાડીને દેશની બહાર લઈ જવામાં આવે. તમારે આવું ભારત જોઈએ છે. દાવોસમાં.. દાવોસમાં તમે પણ ગયા હતા, દાવોસમાં અમે પણ ગયા હતા. પણ તમે… કોઇકની ચિટ્ઠી લઈને કોઇકને મોકલતા હતા, તમારે એ ભારત જોઈએ છે. અને તે કારણે જ તમારે ન્યુ ઇન્ડિયા નથી જોઈતું.
અહીં જનધન યોજનાનો રાષ્ટ્રપતિજીએ ઉલ્લેખ કર્યો હતો. હવે તમે જનધનની પણ ટીકા કરી છે. અને એવું કહ્યું હતું કે, આ તો કઈં નથી, પહેલા પણ આવું થયું હતું. હું ઈચ્છું છું કે, આપણે તથ્યોનો સ્વીકાર કરીએ. રાજકીય દ્રષ્ટિએ જે બોલવું હોય તે બોલતા જાવ. અમે જે 31 કરોડ જનધન ખાતાઓની વાત કરીએ છીએ, એ બધા જ 2014માં અમારી સરકારની રચના થઈ, એ પછી જ ખુલ્યા છે.. અને આ રેકોર્ડ કોઈ બદલી નહીં શકે. આ રેકોર્ડ ઉપલબ્ધ છે અને તેથી જ હું ઈચ્છું છું કે, તમે તમારા તથ્યો જરા બરાબર કરી લો તો સારૂં રહેશે. તમે તો એવું પણ કહ્યું કે અમે તો નેમ ચેંજર છીએ, ગેમ ચેંજર નથી.
અમારા પ્રવૃત્તિઓને જોશો અને જો ઇમાનદારીથી કહેવાનું હશે તો તમે કહેશો કે અમે તો લક્ષ્ય સાધક છીએ. અમે લક્ષ્યોનો પીછો કરનારા લોકો છીએ અને લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહીએ છીએ. અને આ કારણે જ અમે જે લક્ષ્યો નિર્ધારિત કરીએ છીએ, એ નિશ્ચિત સમયાવધિમાં હાંસલ કરવા માટેનો રોડમેપ તૈયાર કરીએ છીએ, સંસાધનોને ગતીશિલ કરીએ છીએ, આકરી મહેનત કરીએ છીએ. જેથી કરીને દેશને સમસ્યાઓથી મુક્તિ અપાવવામાં કઈંક પણ યોગદાન કરી શકીએ. અને તેથી જ કોંગ્રેસનું આ તરફડવું ઘણુ સ્વાભાવિક છે ભાઈ.. અમારો જયજયકાર કરો, અમને વારંવાર યાદ કરો, દરેક જગ્યાએ અમને યાદ કરો એવી આપની ઈચ્છા ઘણી સ્વાભાવિક છે. અને આ બધું સાંભળતાં સાંભળતા તમને એની ટેવ પણ પડી ગઈ છે, તેથી આના સિવાયની કોઈ વાત અંદર ફિટ જ નથી થઈ શકતી.
મને ખુશી થશે અને આપ રેકોર્ડ ચેક કરી લો કે, 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી તમારા કેટલા પ્રધાનમંત્રીઓએ, કોંગ્રેસના પ્રધાનમંત્રીઓ, જે દેશના પ્રધાનમંત્રીઓ બન્યા, તેઓએ પોતાના ભાષણમાં કોઈ અન્ય સરકારના, કોઈ અન્ય પાર્ટીની રાજ્ય સરકારનો, જેણે દેશની ભલાઈ માટે કામ કર્યું હોય, તેનો ઉલ્લેખ કર્યો છે ખરો. હું છું કે, લાલ કિલ્લા પરથી કહું છું કે, આજે દેશ જ્યાં પહોંચ્યો છે, તેમાં અત્યાર સુધીની બધી જ સરકારોનું યોગદાન છે, બધી જ રાજ્ય સરકારોનું યોગદાન છે. અને આવું કહેવામાં કોઈ સંકોચ પણ હોવો જોઈએ નહીં. અમે એ વાત માટે તડપતા નથી કે તમે અટલજીનું નામ યાદ કરો, અમે નથી જ તડપતા. આપ મજબૂરીમાં કહેશો કે ઠીક છે, બાકી તો ઠીક છે. તમને જે યોગ્ય લાગે તે નામ તમે આપી દો. અને તમે તો એ પણ કહી દીધું કે 2014 પહેલા જે કઈં બન્યું એ બધું તમારા ખાતામાં ગયું. શ્રેય લેવાની ઘણી ઈચ્છા થાય છે અને તમારા નિયમો પણ ઘણા કમાલના છે. અમે નાના હતા ત્યારે ગામડામાં ક્રિકેટ રમનારાઓને જોતા હતા, નાના નાના બાળકો રમતા હોય અને અમે જોતા હતા કે અંતે ઝઘડો થતો. તો અમને નવાઈ લાગતી હતી કે, કેમ હમણાં તો રમતા હતા અને હવે લડી રહ્યા છે. તો પછી જોયું… એમનો એવો નિયમ હતો કે, જેના હાથમાં બેટ હોય એ બેટિંગ કરતો અને જેવો એ આઉટ થાય કે એ કહેતો, ભાઈ ના હું તો આ ચાલ્યો. તમે લોકો પણ એવા જ છો કે બેટિંગ તો તમને જ મળવી જોઈએ કે શું? અને પછી હવે બેટિંગ ના મળી તો ખેલ પુરો, અમે જઈએ છીએ, એવું નથી ચાલતું ભાઈ.
હવે તમારા આધારની વાત આવે છે. તમે તો કહો છો કે કામ અમારૂં છે અને શ્રેય તમે લઈ રહ્યા છો. સારૂં છે અગર તમે એવું કહો છો તો, પણ તમારે એ યાદ રાખવું જોઈએ. અને હું એવું ઈચ્છીશ કે 7 જુલાઈ 1998ના દિવસે આ જ ગૃહમાં અને અત્યારે જે સભાપતિ છે તેઓ એ વખતે ગૃહના સભ્ય હતા. તો 7 જુલાઈએ તેમણે એક સભ્ય તરીકે એક સવાલ કર્યો હતો ત્યારે, ત્યારના ગૃહ મંત્રી શ્રીમાન લાલકૃષ્ણ અડવાણીએ જવાબ આપ્યો હતો કે, બહુ ઉપયોગી રાષ્ટ્રીય ઓળખપત્રો જારી કરવામાં આવશે, જેનો હેતુ પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, રાશન કાર્ડ જારી કરવા, આરોગ્ય સેવાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં રોજગારી, જીવન અને સામાન્ય વીમો તેમજ તમામ લેંડ રેકોર્ડ્ઝ તથા શહેરી મિલકતોના હોલ્ડીંગ્સનો રહેશે. આધારનું બીજ અહીં છે.
વીસ વર્ષ પહેલા…
માનનીય સભાપતિ જી, મારી આપને પ્રાર્થના છે કે, રેણુકાજીને તમે કઈં કહેશો નહીં, રામાયણ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે.
વીસ વર્ષ પહેલા આવી દૂરંદેશી અટલ બિહારી વાજપેયીજીની હતી. પણ કોંગ્રેસ કહે છે કે, આધાર તેમણે શરૂ કરી છે તો અમને એનો શ્રેય તમને આપવામાં કોઈ તકલીફ નથી. આધાર તમારો.
અમે તો પક્ષથી યે આગળ દેશને રાખ્યો છે. અને અમારા નિર્ણયોનો આધાર દેશહિત જ રહે છે. આજે શ્રેય લેવા માટે તમે ઉતાવળા થયા છો તે બહુ સ્વાભાવિક છે. એસઆઈટીની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. તમે ત્રણ વર્ષ સુધી એના વિષે નિર્ણય લીધો નહીં તેનો શ્રેય તો તમને જ મળવી જોઈએ. અને અમે પહેલા જ એસઆઈટીની રચના કરી, પણ તમે એવું કહી શકો કે અમારી સમક્ષ આ વિષય આવ્યો હતો.
કાળા નાણાં વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો શ્રેય પણ કોંગ્રેસ સ્વીકારી લે. કોંગ્રેસે 28 વર્ષ સુધી તો બેનામી સંપતિ કાયદો અમલી બનાવ્યો નહીં. તેનો શ્રેય પણ તમે જ લઈ જાવ. અને અત્યાર સુધીમાં 35 સો કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ – તમને ખબર હોવી જોઈએ, માનનીય આનંદજી, તમે તો લાંબા સમયથી અહીં બેઠા છો, બોલવાની તમારી વિશેષ સ્ટાઈલ પણ છે. અને તમે તો બરફ પર છુરો બનાવીને એવી રીતે ખોસી દઈ શકો છો કે કોઈને ખબર પણ ના પડે. પણ આ બેનામી સંપત્તિનો કાયદો તો 28 વર્ષ પહેલા મંજુર થઈ ગયો હતો, બન્ને ગૃહમાં એને બહાલી મળી ચૂકી હતી. પણ એના નિયમો ઘડાઈ શક્યા નહીં, એ નોટીફાઈ કરાયા નહીં અને તે અટકેલો રહ્યો હતો. કોણે અટકાવ્યો હતો, એને માટે કોઈ વિપક્ષ – વિપક્ષ જવાબદાર નહોતો, આપની જાણકારી માટે. મને સારૂં લાગ્યું કે તમારા જેવા વિદ્વાનને પણ કઈં…
અત્યાર સુધીમાં 35 સો કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરાઈ છે. હવે આપના સત્તાકાળમાં આટલી બેનામી સંપત્તિ ઉભી થઈ તો શ્રેય તો મળવી જોઈએ ને… તમારા માટે આ બધો શ્રેય છે. આખી દુનિયા બદલાઈ છે, ઈન્સોલ્વન્સી કોડ, બેંકરપ્સી કાયદા… હું નથી માનતો કે તમને આના વિષે કોઈ જ્ઞાન નહોતું. પણ તમને શ્રેય મળવી જોઈએ કે ઘણા વિશાળ સમુદાયના લાભાર્થે હોવા છતાં તમે તે બનાવ્યા નહીં. શ્રેય તમને મળવી જોઈએ. દેશના ઔદ્યોગિક ક્ષેત્રને, વૈશ્વિક સમુદાયને ભારત તરફ વિશ્વાસ જાગે તેના માટે, ભારતના નિયમો અને કાયદાઓ પ્રત્યે વિશ્વાસ જાગે તે માટે અમે આ નિર્ણય લીધો. વન રેન્ક વન પેન્શન માટે ચાર દાયકા સુધી તમે દેશની આંખમાં ધૂળ નાખતા રહ્યા અને 500 કરોડનું બજેટ આપીને ચૂંટણીઓ લડવા નીકળી પડ્યા. હવા તો બની ચૂકી હતી, શું કરીએ. હવે અમે સત્તામાં આવ્યા અને અમે જોયું કે, કોઈ વસ્તુનો રેકોર્ડ પણ નથી, ઝીણવટીથી તેના વિષે કોઈ અભ્યાસ પણ નહોતો થયો અને અમે તેનો અમલ કર્યો ત્યારે 11 હજાર કરોડ રૂપિયાની જરૂરત પડી હતી, 11 હજાર કરોડ રૂપિયાની. તમે 500 કરોડ રૂપિયા કેવી રીતે આપ્યા, તો હવે એ શ્રેય પણ બધી તમને જ મળવો જોઈએ. જીએસટી માટે મધ્ય રાત્રીએ સમારંભ યોજાયો. કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો. બધા જ પક્ષો આવ્યા. અને તમને એવું લાગ્યું કે, ક્યાંક અમને શ્રેય મળી જશે. અને તમે માનો કે ના માનો, તમે આ જે કઈં કરી રહ્યા છો, જીએસટી વિષે એટલી બધી નકારાત્મકતા છે એ તમારા ખાતામાં જમા થઈ રહી છે અને થતી રહેશે અને દેશના મગજમાં એ ફિટ થઈ જશે. તમે લોકો વિચારો કે કોઈ શ્રેય લઈ જાય નહીં તેની ચિંતા અને પોતાને શ્રેય મળતો રહે.
હવે નીમ કોટિંગની વાત આવી. તમારા તરફથી એવું કહેવાયું કે શરૂઆત અમે કરી હતી. જુઓ, આવી બાબત તમે અડધી અધૂરી શરૂઆત કરો છો અને પછી છોડી દો છો. અને તમે એના પર કેપ લગાવી દો છો કે, આનાથી આગળ નહીં વધવાનું. ત્યારે એ યોજનાથી લાભ થવાના બદલે નુકશાન વધુ થાય છે. આખરે નીમ કોટિંગની પાછળ બે મુદ્દા હતા. એના વિષે તમે પણ જાણતા હતા. એક તો એ કે યુરિયાની તાકાતમાં વધારો થાય છે. એના પગલે ખેડૂતોનું ઓછા યુરિયાથી કામ ચાલી શકે છે. બીજો ગુણવત્તાત્મક ફેરફાર થાય છે અને તેનાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. આ તો સિદ્ધ થઈ ચૂકેલી હકિકત હતી. અને બીજું એ કે યુરિયા ખેડૂતો પાસે જવાના બદલે કારખાનાઓમાં ચાલ્યું જતું હતું. બિલ ખેડૂતના નામે બનતા હતા, સબસિડી ખેડૂતના નામે ચડતી હતી. અને માલ ચાલ્યો જતો હતો કારખાનાઓમાં. આજે 100 ટકા નીમ કોટિંગ થાય છે. તો એના કારણે તે કોઈ કારખાના માટે કામમાં આવી શકે નહીં. તમને પણ ખબર હતી જ. 35 ટકા કર્યા પછી બાકી 65 ટકાનો દરવાજો કોના માટે ખુલ્લા રાખ્યા હતા. આ શ્રેય હું કોને આપું. અને આ કારણે જ, હું સમજું છું કે, અમે 100 ટકા પાછળ લાગ્યા. આટલું જ નહીં, આયાતી યુરિયા જે આવે છે, તેમાં પણ અહીં આવતા પહેલા નીમ કોટિંગ કરાય છે. અને આ એટલા માટે જ છે કે, તેના પરિણામે આજે યુરિયાની કોઈ તંગી નથી ઉભી થતી, નહીં તો, હું મુખ્યમંત્રી હતો ત્યારે દર વર્ષે પ્રધાનમંત્રીને બે-ત્રણ પત્રો યુરિયા માટે લખવા પડતા હતા. હું અહીં આવ્યો પછી પણ શરૂઆતમાં બધા જ મુખ્યમંત્રીઓની યુરિયા માટે પત્રો આવતા હતા. આજે એક પણ પત્ર નથી આવતો. કે ક્યાંય લાઠીચાર્જ પણ નથી થતો. યુરિયા લોકોને મળી રહ્યું છે. કેટલીક વસ્તુઓ બદલી શકાય છે. હું એ કહેવા માગું છું કે ક્યારેક-ક્યારેક રાજકારણ એટલું બધું સવાર થઈ જાય છે, અને એ વાત સાચી પણ છે કે, વારંવાર ચૂંટણીઓ, અવારનવાર ચૂંટણીઓ આવતી હોવાના પરિણામે યોજના પુરી બની હોય કે ના બની હોય, આપણે ખાત મુહૂર્ત કરી નાખીએ છીએ, તકતી મુકી દઈએ છીએ. રીબન કાપી નાખીએ છીએ. એ બધાનું પરિણામ શું આવ્યું. હવે જુઓ, અમારે રેલવે બજેટમાં જાહેરાતો બંધ કરી દેવી પડી. આવું કેમ કરવું પડ્યું. અત્યારે તો રેલવે બજેટ મંજુર પણ થઈ ગયું, જો કે, મેં જ્યારે જોયું કે, અગાઉની સરકારોએ 1500થી વધુ એવી રેલવે યોજનાઓ જાહેર તો કરી દીધી હતી, જેની પર પાછળથી જોનારૂં કોઈ નહોતું. બસ એમ જ, જાહેર થઈ ગઈ. થોડા દિવસ ગૃહમાં તાળીઓ પડી. કોઈક અખબારમાં એ છપાઈ ગઈ. તેના વિસ્તારમાં એમપીએ ઘેર જઈને માળા પહેરી લીધી, વાત થઈ ગઈ પુરી. આ કલ્ચરથી દેશને ઘણું નુકશાન થયું છે.
અને તમને આશ્ચર્ય થશે કે, મેં એક પ્રગતિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પહેલ હાથ ધરી. મેં પોતે જ અટકી પડેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનું શરૂ કર્યું. બધા જ રાજ્યોના મુખ્ય સચિવો ઓનલાઈન હોય છે, ભારત સરકારના તમામ સચિવો ઓનલાઈન હોય છે. હું સૌની સાથે બેસું છું. તમને આશ્ચર્ય થશે કે એવા એવા પ્રોજેક્ટ્સ વિષે જાણકારી મળી કે જે 30 વર્ષ 40 વર્ષ પહેલા નક્કી થયા હતા. શિલાન્યાસ થઈ ગયો. એ પછી તો તેની કાગળ પર એની એક લીટી પણ નથી. આવી રીતે, હવે હું એક-એક રીવ્યુ કરવા લાગ્યો, બધા ખાતાઓને ભેગા કરવા લાગ્યો. મેં એવું નથી વિચાર્યું કે આ બધા તો જુની સરકારોના પ્રોજેક્ટ છે, મારી જવાબદારી નથી. આખરે તો આ દેશ છે, સાતત્ય રહેવું જોઈએ, સરકારો આવે ને જાય, તમે બેસો, બીજું કોઈ બેસે, ત્રીજું બેસે, આપણાંમાંથી કોઈ એ રોકી તો શકતા નથી, લોકશાહી છે. પણ સરકારમાં એવું વલણ ના ચાલે કે, આ તો જયરામ રમેશના સમયમાં નક્કી થયું હતું ને, મારો એને તાળુ. એવું નથી થતું. અમે શોધી કાઢ્યું, તમને વિસ્મય થશે, અત્યાર સુધીમાં મેં આવા 9 લાખ કરોડથી વધુના પ્રોજેકટ્સને મંજુરી આપી છે. બધા જ મંત્રાલયોને બેસાડ્યા, જે કોઈ પણ હોય, એ 30 વર્ષ 40 વર્ષ જુના પ્રોજેક્ટ્સ છે. હવે એ જ પ્રોજેક્ટ્સ જે તે સમયે પુરા થયા હોત તો કદાચ થોડા હજાર કરોડ રૂપિયામાં થઈ ગયા હોત. પણ આજે એ 9 લાખ, 10 લાખ કરોડના પ્રોજેકટ્સ થઈ ગયા છે. અને આથી જ આજે અમે એ કામ કરી રહ્યા છીએ. સરકારો તમે પણ ચલાવી છે, અમે પણ ચલાવીએ છીએ. અને જે કોઈ પણ સરકારમાં બેસે તેણે સરકાર ચલાવવાની હોય છે. તેમની જવાબદારી હોય છે. પણ વહિવટ ઢંગથી ચલાવવો જોઈએ, આ તમે દરેક જગ્યાએ પોતાના નામની તકતીઓ લગાવી દીધેલી છે, એ પત્થરો પણ કદાચ કેટલીક જગ્યાઓએ ચોરાઈ ગયા છે. પણ શ્રેય બધો તમને જાય છે. યોજનાઓ તમારી છે તો.
હવે આપણા આઝાદ સાહેબે ફૂડ સીક્યુરીટી બીલની વાત કરી અને તારીખો સાથે બોલ્યા. હું તો ઠીક, કોઈપણ તમને પૂછશે કે તમે જે તારીખો આપી, અમે તો તેના પછી સત્તામાં આવ્યા. તેના એક વર્ષ પછી આવ્યા. એક વર્ષમાં તમે કેમ કઈઁ થવા દીધું નહીં. અને તમે સુપ્રીમ કોર્ટને ટાંકીને પૂછયું કે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે. તમને ખબર હોવી જોઈએ કે, કેરળમાં તમારી સરકાર હતી અને તેણે એ સ્વીકાર્યું નહોતું. સુપ્રીમ કોર્ટે ડંડો ફટકાર્યો હતો. પણ હવે તમે એ પણ અમારે માથે મારો છો. તમારે કરવાનું હતું. અને હું માનું છું કે આપણે જે નિર્ણય લઈએ, તે પુરા કરવાની તૈયારી સાથે કરવા જોઈએ.
હવે ફર્ટીલાઈઝરના કારખાના ખોલવાની વાતે તમે કહો છો કે એ અમારા વખતમાં થયું, અમારા વખતમાં થયું, તો બંધ પણ તમારા સમયમાં થયા. હજારો લોકો બેરોજગાર પણ તમારા સમયમાં થયા તો તમે એનો પણ શ્રેય લો. અને એટલા માટે જ અમે આજે તે લાગું કરી રહ્યા છીએ, તો એ નીતિગત ફેરફારો સાથે કરીએ છીએ. આજે જુઓ, અમે યુપીમાં ગોરખપુર, બિહારમાં બરૌની, ઝારખંડમાં સિંગરીના યુરિયાના કારખાના જે બંધ પડ્યા હતા, તે ફરી શરૂ કરવાનું કામ અમે ઝડપથી આગળ ધપાવી રહ્યા છીએ. જગદીશપુર હલ્દીયા ગેસ પાઈપ લાઈનનું કામ અમે તેની સાથે જોડ્યું છે. આ નીતિગત ફેરફાર કર્યા, જેથી એને ગેસ મળી જાય તો કારખાના ચલાવવામાં સુવિધા મળી જાય. અને આ વિસ્તાર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની વ્યવસ્થા કરીએ તો પૂર્વીય ભારતના વિકાસની શક્યતા વધી જાય છે. આ એ રાજ્યો નથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકી રહ્યો છે. દેશ માટે જરૂરી છે કે પૂર્વીય ભારતના રાજ્યોનો વિકાસ થવો જોઈએ. દેશનો સંતુલિત વિકાસ થવો જોઈએ. આ સીધી સીધી વિકાસની થીયરીના આધારે અમે કામ કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે, તમે આ બધી બાબતોને આવકારશો.
અમારા માનનીય સભ્ય શ્રીમાન અમિત શાહનું ભાષણ થયું. અને મને સારૂં લાગ્યું કે, આઝાદ સાહેબે એમાંથી શોધી કાઢ્યું કે, તમે આટલું ભાષણ કર્યું પણ, એમાં સરદાર પટેલનું નામ કેમ બોલ્યા નહીં. મને સારૂં લાગ્યું કે તમે સરદાર સાહેબને યાદ કર્યા.
હમણા-હમણા ગુજરાતમાં ચૂંટણીઓ થઈ હતી. એ ચૂંટણીમાં અમારા બાબુભાઇ બેઠા છે અહીં. સરદાર પટેલ કોંગ્રેસ પાર્ટીના દરેક સાહિત્યમાં સરદાર સાહેબ હતા. મને એટલું સારૂં લાગ્યું કે ચાલો ઘણા વર્ષો પછી આ દિવસ પણ આવ્યો. પણ પછી હું એમ વિચારૂં છું કે, આ પરંપરા જળવાઈ રહેશે ત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ પુરી થઈ અને અહીં તમારી પાર્ટીનો કાર્યક્રમ હતો. હજી પણ તમે જુની તસવીરો જોઈ શકો છો. બેકડ્રોપમાં ક્યાંય સરદાર સાહેબ દેખાતા નથી. એ વખતે અખબારોમાં એવું લખાયું હતું કે, એક સપ્તાહ પછી તમારે ત્યાં એ કાર્યક્રમ યોજાયો છે અને સરદાર સાહેબ ગાયબ છે. અને એ પણ યાદ કરો કે અમારા માટે સરદાર સાહેબનું નામ આપવું, અમારા અધ્યક્ષજીએ તેમનો ઉલ્લેખ નથી કર્યો. એ તમે ઉપયોગ કરવાની પ્રયાસ કર્યો છે તો એ પણ યાદ કરો કે, સરદાર સાહેબ અને બાબા સાહેબ આંબેડકરને ભારતરત્ન ક્યારે મળ્યો. આટલો સમય વચ્ચે ચાલ્યો કેમ ગયો. અને આ તો રાષ્ટ્રપતિજીના સંબોધનની બહારનો વિષય હતો. છતાં તમે મુદ્દો ઉઠાવ્યો છે તો એ સારી વાત છે. પણ જ્યારે તમે કોઈની સામે આંગળી ચિંધો છો ત્યારે બાકીની ચાર આંગળીઓ તમારી તરફ જ હોય છે એ ન ભૂલશો. મારે આ જ કહેવાનું છે… તમને આશ્ચર્ય થશે … એવા કામ થયા છે આપણા દેશમાં, બની શકે છે કે તમારી કાર્યશૈલીમાં આ પ્રકારની ઝીણવટથી નિહાળવાનો સ્વભાવ ન હોય.
મારૂં સૌભાગ્ય છે હું ઘણા લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યો છું. અને એનું કારણ આઝાદ સાહેબ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તો એમને ખબર છે કે ઘણી ઝીણવટથી જોવું પડે છે. શરદ રાવ લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે તો એમને પણ ખબર છે કે ઘણી ઝીણવટથી જોવું પડે છે. મુખ્યમંત્રી જ્યાં ત્યાં નથી જઈ શકતા, એને પુરતી વિગતો આપવી પડે છે. અને આપણે બધા જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છીએ તેમને ખબર છે. પણ અહીં મુખ્યમંત્રીઓ તો ઘણા ઓછા આવે છે, આવે છે તો નાનકડા અમથા ડીપાર્ટમેન્ટનો અનુભવ લઈને આવે છે. મારા માથે મોટી જવાબદારીનું કામ આવી પડ્યું છે. અને તેથી જ એ આદત મારા માટે ખૂબજ ઉપયોગી બની રહી છે.
આપણા દેશમાં અગાઉના વર્ષોમાં જે સિંચાઈના પ્રોજેક્ટ્સ બન્યા, ડેમ તો બની ગયા, પણ આ પાણી શું છે? ખેતરો માટે આપણે નેટવર્ક જ નથી બનાવ્યા. 40-40 50-50 વર્ષ, એટલે કોઈ કલ્પના કરી શકે કે છ માળનું મકાન બનાવીએ અને સીડી જ ના હોય, લીફટ પણ ના હોય. આવા કામ કેવી રીતે થઈ ગયા. મેં એમાંથી 99 ઓળખી કાઢ્યા છે. હજારો કરોડ રૂપિયાના ખર્ચે યોજનાઓનું કામ ચાલુ થાય. પાણી ખેડૂતો સુધી પહોંચે તે દિશામાં કામ કર્યું છે. અને 50 યોજનાઓ પુરી થઈ ગઈ છે, બાકીની યોજનાઓ ઝડપથી પુરી થઈ જાય એ દિશામાં કામ આગળ વધી રહ્યું છે.
સવાલ છે તમે બનાવી – બનાવી, સારૂં કામ કર્યું – સારૂં કામ કર્યું, પણ વિચારો અધૂરા, કામ અધૂરા અને રૂપિયા ગયા, પરિણામ મળતા નથી. હજી વધુ સારૂં થતું, પણ જો કામ સર્વગ્રાહી હોત, અભિગમ સંકલિત હોત, દ્રષ્ટિબિંદુ સર્વાંગી હોત. તો તમારા જ સમયગાળામાં જે કામો થયા એમાં પણ કામો પુરા કર્યા હોત તો દેશનું ભલું થાત. તમે નથી કર્યું એવું હું નથી કહેતો. પણ કેટલાક કરવા જેવા કામ કેવી રીતે કરવા જોઈએ, એમાં ઘણી મોટી ખામીઓ રહી ગઈ છે. જેને-જેને સારા કામ કરવાના અવસર મળ્યા છે, તે લોકોની જવાબદારી બને છે કે, વસ્તુઓ…
અને આ કારણે જ બધાએ જોયું હશે કે, અમે આવીને એક મોટો ફેરફાર કર્યો છે.. આપણે આપણા દેશમાં ખાસ કરીને બજેટ ફાળવણીની વાતને જ મહત્ત્વ આપ્યું છે, તેનાથી જ મોટા ભાગના સંતોષ માને છે. બજેટ ફાળવણી થાય અને તાળીઓ પડે એટલે બધું પુરૂં. ખર્ચ તરફ નજર નાખતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે અને ઉપજ તરફ જોનારાઓની સંખ્યા તો એનાથી પણ ઓછી છે અને પરિણામ તો ચર્ચા જ નથી થતી. આપણે સમગ્ર વર્ક કલ્ચર જ આવું બનાવી દીધું છે. આ સરકારે આગ્રહ રાખ્યો છે અને સંસદમાં પણ રાખીએ છીએ આઉટકમના રીપોર્ટનો, જેથી ખાતરી કરી શકાય કે રૂપિયા જે કામ માટે ફાળવાયા હતા, તે જ કામ માટે વપરાયા છે કે નહીં. અને એટલા માટે જ આઉટકમ પર ભાર મુકવાની દિશામાં આપણા પ્રયાસો રહેવા જોઈએ.
હવે અહીં ખેડૂતોની આવક વધારવા માટેના વિષયની ચર્ચા થઈ હતી. મને આશ્ચર્ય થાય છે કે ખેડૂતની આવક બમણી થાય એની સામે કોઈને વાંધો હોઈ શકે. કોઈને વાંધા હોઈ શકે નહીં. અને અમે આવું એટલા માટે નથી કહેતા એમાં કોઈ રાજકારણ છે, પણ અહીં બેઠેલી દરેક વ્યક્તિના દિલમાં હોય કે ભાઈ, આ એક એવું કામ છે, જે આપણે કરવું જોઈએ. હવે આ કેવી રીતે થશે. જમીનના ટુકડા વધી રહ્યા છે. પરિવારોની સંખ્યા વધી રહી છે. કોઈ પાસે 10 વીઘા જમીન હોય તો સંતાનોમાં વહેંચાઈ જાય છે. એટલે એ બે વિઘા, એક વિધા થઈ જાય છે. તો આપણે ટેકનોલોજી ઈન્ટરવેન્શનમાં, એગ્રો ટેક તરફ જવું પડશે. આપણે આધુનિક બનવું પડશે. આપણે એવું કરીશું તો પરિવર્તન આવશે. સોઈલ હેલ્થ કાર્ડ એક પ્રયાસ છે. પર ડ્રોપ મોર ક્રોપ, માઈક્રો ઈરિગેશન એક પ્રયાસ છે. સ્પ્રિન્કલર… એક જમાનો હતો કે આપણા દેશમાં ફલડ ઈરિગેશન વિના શેરડીની ખેતી થઈ જ શકે નહીં એવી દ્રઢ માન્યતા હતા. ખેડૂતો એવું માનતા કે શેરડીની ખેતી માટે તો ખેતર પાણીથી લબાલબ ભરેલું હોવું જોઈએ. પણ અનુભવે.. હું તો ગુજરાતમાં હતો, મારો નિયમ એવો હતો કે સ્પ્રિન્કલરથી શેરડી પકવવામાં આવે તો એમાંથી ખાંડની પ્રાપ્તિ ઘણી વધી જાય છે. હવે ધીરે ધીરે સમગ્ર દેશમાં પાણી બચશે. હવે આવા તો અનેક પ્રયોગો છે. પહેલા કેળાની ખેતી કરતા હોય તેવા બધા જ લોકોને ખબર હતી કે કેળાનો પાક લીધા પછી ઝાડનું જે થડ રહી જતું હતું, તેને કાઢવા માટે પણ પૈસા આપવા પડતા હતા. એક એકરના 5 હજાર, 10 હજાર, 15 હજાર દેવા પડતા હતા.
અમારે ત્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ જે સંશોધન કર્યું – કેળના થડમાં એમણે ફાઈબર બનાવ્યું, કાપડ બનાવ્યું, કપડા પણ બનાવ્યા. અને ખૂબજ સારી ક્વોલિટીના કપડા બને છે. એટલું જ નહીં, જ્યાં સુકી જમીન છે ત્યાં એ કેળના થડ જમીનમાં દાટી દીધા તો, એ જમીનમાં 90 દિવસ સુધી પાણી વિના જ વૃક્ષો કે છોડનો વિકાસ થયો હતો. હવે આજે જે બિનઉપયોગી વસ્તુઓ માંથી ઉપયોગી વસ્તુઓ વિકસાવાઈ રહી છે. હવે આજે લોકો એ કેળના થડ લેવા આવે છે અને એક એકરના થડના 10 હજાર, 15 હજાર સામેથી આપે છે. આપણા દેશમાં ખેતીનો જે વેસ્ટ છે, તેના પર જ આપણે ધ્યાન આપીએ, ભાર મુકીએ તો આપણે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરી શકીએ તેમ છીએ. અને હવે દેશમાં ખાંડની વાત કરીએ તો ખાંડનું ઉત્પાદન વધારે થાય તો પણ ખેડૂત મરે અને ખાંડનું ઉત્પાદન ઓછું થાય તો પણ ખેડૂત મરે. સુગર ફેકટરીઓ મોટે ભાગે ખેડૂતો દ્વારા સંચાલિત છે. હવે અમે ઈથેનોલ 10 ટકા કરી નાખ્યું. એના કારણે જે સમયે પ્રેશર આવે, ખાંડની માર્કેટ પર વૈશ્વિક અસર રહે છે, ત્યારે તેને ઈથેનોલ તરફ વાળીશું તો ખેડૂતોને સલામતી મળવાની શક્યતા વધશે.
હવે અમે કિસાન સંપદા યોજના પણ રજૂ કરી છે, અમને ખબર છે કે આપણા લાખો કરોડો રૂપિયા એટલા માટે બરબાદ થઈ રહ્યા છે કે, ખેતરથી લઈને માર્કેટ સુધીની સાંકળમાં અનેક નબળી કડીઓ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કેટલાય નબળાઈના મુદ્દા છે. અમારો બીજથી બજાર સુધીનો સર્વગ્રાહી અભિગમ હશે, ત્યારે જ પ્રયાસ થઈ શકશે અને એથી જ અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.
અને હું માનું છું કે, ઇ-નામ યોજના વાસ્તવિક બને, આ યોજનાનો હજી તો પ્રારંભ થયો છે. કેટલાય રાજ્યો છે, જેમણે પોતાના એપીએમસી એક્ટમાં સુધારા કરવાના છે, તે કર્યા નથી. પણ લગભગ 36 હજાર કરોડ રૂપિયાનો કારોબાર ઇ-નામ પર ખેડૂતોએ ઓનલાઈન વેચાણથી કર્યો છે. 36 હજાર કરોડનો વેપાર તેની જગ્યાએ ઘણો મોટો છે, આ તો હજી શુભ શરૂઆત છે. હું સમજું છું કે, એ ઘણો આગળ વધશે.
આપણે વેલ્યુ એડિશન – મૂલ્ય વર્ધન તરફ આગળ વધવું પડશે. ખેડૂત લીલા મરચા વેચે તો એને ખૂબજ થોડી આવક થાય છે. પણ એ મરચું લાલ થાય, તો એ લાલમાંથી પાઉડર થાય છે. પાઉડર થઈને તેનું પેકિંગ થાય અને તે પણ સારી રીતે તેનું બ્રાંડિંગ થાય, તો ખેડૂતની આવકમાં વધારો થાય છે. આપણે મૂલ્ય વર્ધન તરફ આગળ વધવું પડશે.
આપણા ખેડૂતોની ખેતીની સાથેની સહયોગી પ્રવૃત્તિઓમાં આજે ખેતરમાં સોલર એનર્જી ફાર્મ ઉમેરી શકાય, તે ખેડૂતની આવકમાં વધારો કરી શકે છે. સોલર પંપથી ખેડૂતો માટે વીજળી પણ પેદા થઈ શકે છે. એ વીજળીથી સોલર પંપ ચાલી શકે છે. તેનાથી ડીઝલનો ખર્ચ ઓછો થઈ શકે છે. અને એ વીજળી રાજ્ય સરકાર ખરીદી પણ શકે છે. તો એનાથી ખેડૂતના એક બહુ મોટા ખર્ચમાં ઘટાડો થશે.
આજે આપણે વાંસની વાત કરીએ તો, વાંસને આપણે 90 વર્ષથી કાયદો બનાવી દીધો છે, એમાં તમારો વાંક નથી, કે વાંસ વૃક્ષ છે, એ કોઈ કાપી શકે નહીં. પણ આખી દુનિયામાં વાંસ ઓળખાય છે ઘાસ તરીકે. હવે એ કામ તમારે કરવું જોઈતું હતું, તો તમને શ્રેય મળતો. અમે વિચાર્યું, અમે મુદ્દો હાથમાં લીધો અને વાંસને ઘાસના વર્ગમાં મુકી દીધો. આજે ખેડૂતો પોતાના ખેતરના શેઢે વાંસની ખેતી કરી શકે છે. વાંસની ખેતીથી તેના પાકને તો કોઈ નુકશાન થવાનું નથી. એ તો વધારાનું છે. અને વાંસની વાત કરીએ તો, આજે હિન્દુસ્તાન હજારો કરોડના વાંસની આયાત કરે છે. આપણે દિવાસળી માટે વાંસ બહારથી લાવીએ છીએ, પતંગ માટે વાંસ બહારથી લાવીએ છીએ, અગરબત્તી માટે વાંસ બહારથી લાવીએ છીએ. એક નાનકડો નિર્ણય છે, પણ તેમાં ખેડૂતની આવકમાં વધારો કરવાની તાકાત છે.
મધમાખીના ઉછેરની વાત કરીએ તો, મને આશ્ચર્ય થાય છે કે, મધમાખી પાલનના ક્ષેત્રમાં કેટલું બધું કામ થઈ શકે તેમ છે પણ, આપણે એ કરી શક્યા નથી. મને આ વાતનું આશ્ચર્ય છે કે એ આપણે કેમ કરી શક્યા નહીં. તાજેતરમાં અમે ચાર વર્ષમાં 11 સંકલિત મધમાખી પાલન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરી છે. અને મધના ઉત્પાદનમાં 38 ટકાનો વધારો થયો છે. આ મધ હવે વિશ્વ બજારમાં નિકાસ થવા લાગ્યું છે. અને સૌથી વધુ મહત્ત્વની વાત, જેના પર આપણે ધ્યાન આપવાની જરૂર છે એ દુનિયા આજે સર્વાંગી સ્વાસ્થ્ય સુવિધાની દિશામાં આગળ વધી રહી છે. દુનિયા ઈકો ફ્રેન્ડલી જીવન પ્રત્યે જાગૃત થઈ છે. અને તેના કારણે કેમિકલ વેક્સ (મીણ) ની જગ્યાએ મધપૂડાના મીણની માંગ વધી રહી છે. આપણી આ મધમાખી ઉછેરની કામગીરીથી મધપૂડાના મીણના ઉત્પાદનને ભારે વેગ મળશે. અને તેના કારણે આગામી દિવસોમાં આપણે એક મોટું ગ્લોબલ માર્કેટ સર કરી શકીએ તેમ છીએ. અને આપણો ખેડૂત ખેતીની સાથે સાથે સાઈડમાં એક વૃક્ષની નીચે કામ કરી શકે છે. પશુપાલન, મત્સ્યપાલન, મરઘા ઉછેર, મૂલ્યવર્ધન વગેરે એવી કેટલીક પ્રવૃત્તિઓ છે કે, તેને આપણે એક સાથે જોડીને ખેડૂતોના ઘર સુધી પહોંચાડીએ. હું નથી માનતો કે ખેડૂતોની આવક બમણી કરવામાં કોઈ તકલીફ રહે. ખેડૂતને તાકાત મળે છે. પ્રયાસો આપણે સૌએ કરવા પડશે, અને આપણે સૌ પ્રયાસો કરીશું. તો પરિણામો ચોક્કસ મળશે. અને આપણા આ દિશામાં જ પ્રયાસો હોવા જોઈએ.
આજે આપણા દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની મજાક ઉડાવાય છે, મેઈક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવાય છે, જનધન યોજનાની મજાક ઉડાવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મજાક ઉડાવાય છે, કાળા નાણાં સામે થઈ રહેલી કાર્યવાહીની મજાક ઉડાવાય છે. સર્જીકલ સ્ટ્રાઈક વિષે પ્રશ્નો કરાઈ રહ્યા છે.
પણ તમે મને કહો, ઓબીસી પંચને બંધારણીય દરજ્જો મળ્યો, કોણે એનો વિરોધ કરવો જોઈએ. કોઈ કારણ તો બતાવો કે આટલા વર્ષો જુની માંગણી હતી. તમારી કોઈક મજબૂરી હશે, કે તમે એ કર્યું નહીં. આ ગૃહમાં અમે તેને સમીતિમાં મુક્યું, એ ત્યાં જ લટકતું પડ્યું છે. શું આપણે આ કામ નહોતા કરી શકતા?
આમાં જ્યારે ખુલ્લેઆમ વિરોધ કરવાની હિંમત નથી હોતી, જનતા જનાર્દનનો સામનો કરવાની તાકાત નથી હોતી ત્યારે આવું થાય છે. આજે ઓબીસી સમાજની અંદર જે આકાંક્ષાઓ જાગી છે, આજે જે રીતે ઓબીસી સમાજ જાગૃત્ત થયો છે, ઓબીસી સમાજ પોતાના હક માટે મેદાનમાં ઉતર્યો છે. અને તમારૂં રાજકારણ ખુલ્લેઆમ વાત કરવાની હિંમત નથી ધરાવતું, એથી બહાનાબાજી કરીને વાત કરી રહ્યા છો. પણ આ દેશનો ઓબીસી સમાજ દેશને કઈંક આપનારો સમાજ છે, એ અગર પોતાનો હક માંગે તો હું આગ્રહ કરીશ કે રાજકારણ છોડીને, નવી નવી વાતો એમાં જોડીને એના નામે એ રોકવાનો પ્રયાસ કરવાના બદલે એને બહાલી આપો.
ત્રણ તલાક… અગર તમને લાગે છે કે, ત્રણ તલાકના મુદ્દે તમે જે પ્રકારનો કાયદો ઈચ્છો છો તે લાવતા તમને કોણે રોક્યા હતા 30 વર્ષ પહેલા. એ વખતે આ મામલો તમારા હાથમાં આવ્યો હતો. તમારે જેવો જોઈએ તેવો કાયદો તમારે બનાવવો જોઈતો હતો, પણ કામ તો કરવું હતું. પણ તમારૂ રાજકારણ… તમારા જ મંત્રીનું ભાષણ હતું…એમાં ત્રણ તલાક કેવી રીતે જવા જોઈએ. પણ હવે ચારે તરફથી અવાજ ઉઠ્યો છે, રાજકારણ ખતરામાં મુકાયું છે, વોટ બેંક ખતરામાં આવ્યું છે અને અચાનક એ મંત્રીએ પણ જવું પડ્યું છે, એ મિશને પણ જવું પડ્યું છે. અને તેના માટે જે કારણો આપવામાં આવી રહ્યા છે. હિન્દુસ્તાનના દરેક ક્રિમિનલ કાયદામાં જ્યાં સજા છે, તેમાં જે લોજિક આપવામાં આવી રહ્યું છે, તે લાગું થઈ શકે છે. ભાઈ કોઈની હત્યા થઈ, એ ઘરનો એકમાત્ર દિકરો છે, 30 વર્ષની ઉમર છે. હવે એને જેલમાં મોકલવાનો કાયદો કેમ બનાવ્યો. વૃદ્ધ માં-બાપ શું ખાશે? સજા છે? અને આથી હું નથી માનતો કે કોઈ એનો અભ્યાસ કરશે તો એને આશ્ચર્ય થશે કે તમે કોની વાત કરી રહ્યા છો.
ક્યારેક ક્યારેક મને લાગે છે કે આપણા નરેશજીએ ઘણી હમદર્દી બતાવી હતી કે તેઓ વસ્ત્રાહરણ કરી રહ્યા હતા તે કળવું ખૂબજ કપરૂં હતું. પણ તેઓ કઈંક કહી રહ્યા હતા. ભય, જેલ અમે તો ભોગવી ચૂક્યા છીએ, 15 વર્ષ સુધી શું સહન કર્યું છે તે અમને ખબર છે. પણ કાયદો કાયદાનું કામ કરે ના કરે અને તમે અહીં કહો કે કોઈકના બેટાને ફસાવવામાં આવી રહ્યો છે, એને પરેશાન કરવામાં આવી રહ્યો છે. કેટલું કરવામાં આવી રહ્યું છે. અને હું સમજું છું ત્યાં સુધી તો આ પ્રકારની વાતો કરવી એ કાયદાનો ઉપહાસ કરવામાં આવી રહ્યો છે કે નહીં? કાયદો નક્કી કરશે કે શું થશે. અને તેથી જ મને જવાબ આપી મદદ કરો. આવામાં અમને મદદ કરો.
એક કવિ દુષ્યંત કુમારની કવિતાના શબ્દો છે
ઉનકી અપીલ હૈ કિ ઉન્હે હમ મદદ કરેં,
ઉનકી અપીલ હૈ કિ ઉન્હે હમ મદદ કરેં,
ચાકૂ કી પસલિયોં સે ગુંજારિશ તો દેખિએ
મહિલાઓ પર અત્યાચાર, હું નથી માનતો કે મહિલાઓ પર અત્યાચાર એ કોંગ્રેસ, બીજેપી, ઢિકણી પાર્ટી, ફલાણી પાર્ટીનો વિષય હોય. હોઈ જ શકે નહીં અને જે ચિંતા તમે દર્શાવી છે તે ચિંતા ખૂબજ સ્વાભાવિક છે. જે આઝાદ સાહેબે બતાવી છે. અને તેથી મેં હિંમત કરી હતી, લાલ કિલ્લા પરથી કહેવાની.. કે બેટીઓ માટે ઘણું જ કહેવાય છે, પણ કોઈ તો પૂછો કે બેટો સાંજે ઘેર મોડો કેમ આવે છે? કોઈ તો પૂછો બેટો સાંજે ક્યાં જાય છે, કોને મળે છે? કોઈ તો ચિંતા કરો કે બેટાઓને પણ સંસ્કાર અપાય તેની ચિંતા રહે છે. શું આપણે સૌ એક અવાજે એ પિતાઓને ઢંઢોળી નથી શકતા, એ શિક્ષકોને ઢંઢોળી નથી શકતા કે જે કોઈકની બેટી પર અત્યાચાર કરે છે તે કોઈક ને કોઈકનો તો બેટો છે. એ કોઈકનો તો બેટો છે જ. શું આપણે સૌ એક અવાજે આ બાબતે સમાજને જાગૃત્ત કરી ના શકીએ. આખરે તો આ એક સામાજિક દૂષણ છે અને આપણે તેનો ઉપાય સાથે મળીને કરવાનો છે અને તેથી જ હું ઈચ્છું છું કે, આપણે આ તમામ બાબતોમાં … ઉજ્જવલા યોજના, મહિલા સશક્તિકરણનું એક બહુ મોટું કામ છે, પણ આપણે એ પણ વિચારવાનું છે તો હું ઈચ્છું છું કે, આ ગૃહના માધ્યમથી દેશના સ્ટાર્ટઅપ વાળાઓને આગ્રહ કરીશ.
ક્લીન કુકિંગ.. આ આપણે દેશમાં મિશન મોડમાં કામ કરવાનું છે. અને શક્ય હોય તો સોલર આધારિત એવા નવા ચુલાની શોધ કરવાની છે, નવિનીકરણ કરવાનું છે કે, જેમાં ગરીબ લોકોને રસોઈ બનાવવામાં એક પૈસાનો પણ ખર્ચ થાય નહીં અને ગેસનાં પરિવહનના પૈસા પણ બચી જાય. અને આપણા જ ઘરમાં સોલરની વ્યવસ્થા હોય. અને એવા આધુનિક નવિનીકરણથી ચુલા બની શકે છે. સાફ રસોઇ આપણા સામાન્ય જીવનના પર્યાવરણ માટે, મહિલાઓના આરોગ્ય માટે જરૂરી છે. અને આ કોઈ રાજકીય એજન્ડાનો કાર્યક્રમ નથી. દેશના હિતનું કામ છે. આપણે બધા સાથે મળીને, સાથે બેસીને તે આગળ ધપાવીએ.
અહીં એ ચર્ચા થઈ કે સ્વચ્છ ભારતની જાહેરખબરો પર આટલો ખર્ચ થયો. હું નથી ઈચ્છતો કે કોઈને માઠું લાગે, પણ એવી કોઈ વાત લોકો સુધી પહોંચાડવા માટે, તમે પણ સરકારમાં રહ્યા છો. તમે પણ જાહેર જીવનમાં છો. શૌચાલય સ્વચ્છતા જેટલા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો છે, તેનાથી વધારે પ્રમાણમાં તે વર્તણુકનો મુદ્દો છે. આદતનો વિષય છે, અને તેથી આ બાબતે દુનિયામાં આ વિષયનો અભ્યાસ કરનારાઓનું સૌનું એવું કહેવાનું છે. તમે સરકારમાં હતા ત્યારે તમે પણ ફોકસ કર્યું હતું કે, જ્યાં સુધી લોકોની આદતમાં, વર્તનમાં પરિવર્તન (બીહેવીરયરલ ચેન્જ) નહીં આવે ત્યાં સુધી આમાં પ્રગતિ નહીં થાય, સફળતા નહીં મળે. હવે જાહેરખબર જે કરાય છે તે સરકારના કાર્યક્રમોના ઝગમગાટ માટે નથી કરાતી. આદતમાં, વર્તનમાં પરિવર્તન માટે નાની-નાની ઘટનાઓ આગળ ધરીને લોકોને શિક્ષિત કરવાનું કામ કરાય છે. અને આ કહેતા પહેલા આપણે એ ન ભૂલવું જોઈએ કે, આ ગરીબ માણસોના પૈસા ખજાનામાં આવતા અને તેમાંથી આપણે કેટલાક લોકોના જન્મ દિને અખબારોમાં એક એક આખા પાનાની જાહેરખબરો છપાતી રહેતી હતી. કેટલા રૂપિયા… દેશનો હિસાબ કરી લો. એક જ પરિવારના લોકોના જન્મ દિવસે જાહેરખબરો પર કેટલા રૂપિયા વપરાયા, એ જાણીને ચોંકી જશો, ત્યારે આ તો વર્તનમાં પરિવર્તન માટે છે, તો આપણે સૌએ પ્રયાસ તો કરવો પડશે. તમારી પણ જ્યાં રાજ્યોમાં સરકારો છે એને પણ તમે કહો કે વર્તનમાં પરિવર્તન માટે તેઓ બજેટ ફાળવી આપે. લોકોને શિક્ષિત કરે.
આદરણીય સભાપતિજી, આપણા રાષ્ટ્રપતિજીએ…
આપણા માનનીય આઝાદ સાહેબે બોફોર્સના મુદ્દા પર ખૂબજ વિગતે વાત કરી અને શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. હું એક ક્વોટ વાંચવા ઈચ્છું છું. આ ક્વોટ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને પછીથી નિર્વિવાદ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા શ્રીમાન આર વેંકટરમનજીની આત્મકથાનો એક અંશ છે. આત્મકથા છે, જ્યારે હું રાષ્ટ્રપતિ હતો – આર વેંકટરમન જી ની, તેમણે લખ્યું છે કે, તેમની જે આર ડી ટાટા સાથે મુલાકાત થઈ હતી અને એ મુલાકાતનું વર્ણન કરતાં તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, ટાટાએ કહ્યું હતું કે, તોપ અને બીજા સંરક્ષણ સોદાઓમાં રાજીવ ગાંધી કે તેમના પરિવારને લાભ થયો હોય કે ના થયો હોય, પણ એ વાત નકારવી મુશ્કેલ બનશે કે કોંગ્રેસ પાર્ટીને કોઈ કમિશન નથી મળ્યું. એમને લાગતું હતું કે, 1980 પછી… આ હું વેંકટરમનજીની બુક વાંચી રહ્યો છું, એમાં મારૂં કઈ નથી. તેમને લાગતું હતું કે, ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ માંગવામાં નથી આવ્યું અને પાર્ટીનો ખર્ચ આવા સોદામાંથી મળતા કમિશનમાંથી ચાલે છે.
અને આટલા માટે જ તો તેઓ આર વેંકટરમનજી હતા. તેઓ તમારા ઘણા વરિષ્ઠ નેતા હતા અને રાષ્ટ્રપતિ હતા. અહીં ક્યારેક પરિવારવાદની વાત આવી તો ઘણું દુખ લાગ્યું, ગુસ્સો પણ આવે છે. ઘણું જ સ્વાભાવિક છે કે હું નથી ઈચ્છતો કે તમારામાંથી કોઈના પણ રાજકારણને નુકશાન થાય. હું નથી ઈચ્છતો. પણ આ ય તમારા જ એક મહાશયની વાત છે, તેમના શબ્દો મીડિયાનાં અહેવાલમાં ચમકેલા છે. તેમણે શું કહ્યું હતું… સલ્તનત જતી રહી પણ આપણે સુલ્તાનની જેમ વર્તીએ છીએ. હું જયરામજીના નિખાલસપણાને બિરદાવું છું.
નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગને જુઓ, મોંઘવારીની સૌથી મોટી અસર મધ્યમ વર્ગ પર પડે છે, અને અગાઉ મોંઘવારી ક્યાં સુધી પહોંચી હતી, તે આજે બધા જ લોકો જાણે છે. અમે પ્રયાસ કર્યો છે મોંઘવારી બે થી છ ટકા વચ્ચે નિયંત્રિત રાખી શકાય. જેટલી ઝડપે, જે રીતે મોંઘવારી વધી રહી છે, તે જ રીતે વધતી રહેશે તો નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગનું જીવન દુષ્કર થઈ જશે, કેટલું મુશ્કેલ બનશે એની તો આપણે કલ્પના જ કરી શકીએ છીએ. આ પગલાંથી એમને સુરક્ષિત કરવાનું કામ, મધ્યમ વર્ગના પરિવારોને બચાવવાનું કામ અમે કર્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પોતાના મકાન બનાવવા ઈચ્છે તો બેંકના વ્યાજના દરમાં કપાત કરીને એમને સબસિડી આપીને પ્રોત્સાહિત કરવાનું કામ ખૂબજ મહત્ત્વનું છે, એ કામ સરકારે આ રીતે કર્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે શહેરોમાં નવી શ્રેણી ઉભી કરી છે. અને ઘર બનાવવા માટે 9 લાખ રૂપિયા સુધીની લોનમાં અમે ચાર ટકાની રાહત આપી છે. મધ્યમ વર્ગની પોતાનું ઘર હોવાની આકાંક્ષા હોય છે, તે પૂર્ણ કરવાનું આ કામ છે. 12 લાખ સુધીનું મકાન હોય તો વ્યાજમાં ત્રણ ટકા સુધીની રાહત આપવાનું કામ કર્યું છે. એવી જ રીતે, ગામડામાં જુના ઘર છે. હવે પરિવાર મોટો થયો છે, ઘર થોડું મોટું બનાવવાનું છે. એક રૂમ બનાવવાનો છે, બે રૂમ બનાવવાના છે, તો બે લાખ રૂપિયા સુધીના દેવામાં અમે ત્રણ ટકા સુધીની રાહત આપી છે. આ બધી બાબતો નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગને પોતાની આશાઓ, આકાંક્ષાઓ પુરી કરવા માટે કામ આવનારા વિષયો છે.
એવી જ રીતે, રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ – રેરાએ આજે મધ્યમ વર્ગના માનવીને મકાન બનાવવામાં જે ચિંતા રહેતી હતી, તેમાં તેને એક સલામતી અપાઈ છે. અમે એમાં એવા કેટલાય નિયમ ઘડ્યા છે, જેના લાભ સામાન્ય માનવીને મળે છે. એમાં અમે ગ્રાહક સુરક્ષા ધારા તથા ગ્રાહક સશક્તિકરણ પર પણ ભાર મુક્યો છે.
લોકોને સસ્તી દવા મળે તે માટે ભારતીય જન ઔષધિ યોજના હેઠળ 800થી વધુ દવાઓ ખૂબજ સસ્તા ભાવે સુલભ બનાવી છે અને તમે જોયું હશે, જે લોકો આ દવાઓ દ્વારા એનો અનુભવ કરે છે, તેમને લાગે છે કે, 60-70 ટકા ખર્ચ ઘટ્યો છે. ની ઈમ્પ્લાન્ટ્સમાં નવા ઓપરેશન કરાવવાનો ખર્ચ ઘટ્યો છે. સ્ટેન્ટના ખર્ચ ઘટાડ્યા છે. ડાયાલિસીસ… આપણા દેશમાં હાલમાં કિડનીની તકલીફો મોટા પ્રમાણમાં હોવાનું બહાર આવ્યું છે. પણ આપણે ત્યાં સામાન્ય વ્યવસ્થામાં તો ડાયાલિસીસ માટે જિલ્લા હેડક્વાર્ટર અથવા તો મોટા શહેરમાં જવું પડતું હતું. અમે તે માટે મિશન મોડમાં કામ કર્યું છે. લગભગ 500થી વધુ જિલ્લાઓમાં ઘણા જ નજીવા ચાર્જથી ડાયાલિસીસની સુવિધાની એક ચળવળ ચાલી છે, હવે અહીં સુધી પહોંચ્યા છીએ અને મારી જાણકારી છે ત્યાં સુધી લગભગ 22 લાખથી વધુ ડાયાલિસીસના સેશન થયા છે. આ બધા જ માનવતાની દ્રષ્ટિએ કરવાના કામો છે. અમે એના પર ભાર મુક્યો છે.
એલઈડી બલ્બના કારણે શું ફાયદો થયો છે, એ તમે બરાબર જાણો છો. હજારો કરોડ રૂપિયા મધ્યમ વર્ગના ખિસ્સામાં બચતા થયા છે. લગભગ 15-15 હજાર કરોડ રૂપિયાની બચત વધી છે.
એક વિષય રાષ્ટ્રપતિજીએ પોતાના સંબોધનમાં કહ્યો છે. અને એ વિષયમાં મારો મત એવો છે કે એ કોઈ સરકારનું કામ નથી. કે નથી એ કોઈ પાર્ટીનું કામ. દેશને માટે જેમને પણ ચિંતા હોય, એવા તમામ લોકોનું એ કામ છે. અને આ ગૃહમાં બેઠેલા તમામ લોકોનું એ કામ છે. બધાનું એક સરખા પ્રમાણમાં કામ છે. અને એ વિષયમાં રાષ્ટ્રપતિજીએ સ્પષ્ટ કર્યું છે. આ પહેલા પ્રણવદા રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે પણ ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા પણ કેટલાય લોકોએ આ મામલે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને એ છે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનું. એ બરાબર છે કે, રાજ્યસભામાં જે લોકો આવે છે, તેમને તો આ ચૂંટણીઓની આપાધાપી શું છે તેની કદાચ બહુ ખબર ના હોય, જે લોકો લોકસભા અને રાજ્યસભા બન્ને જંગ લડીને આવ્યા છે, તેમને ખબર છે. કેટલાક લોકો હારી ગયા પછી રાજ્યસભામાં આવે છે, તેમને અનુભવ છે કે, કેવી તકલીફો રહે છે. પણ બધાએ એક સ્વસ્થ પરંપરા માટે વિચારવું પડશે, કેમ કે ભારતનું લોકતંત્ર પરિપક્વ બન્યું છે. હવે આપણે સૌ હિંમત કરીને સ્વસ્થ પરંપરાની દિશામાં જઈ શકીએ ખરા? અને 1967 સુધી તો આ રીતે ચાલ્યું હતું. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લગભગ 1967 સુધી તો એક સાથે જ યોજાતી હતી. એમાં એકાદ બે અપવાદો હોઈ શકે છે, પણ એ સાથે થઈ હતી. અને એ વખતે કોઈને કોઈ તકલીફ થઈ નહોતી. પણ એ પછી કોઈ ને કોઈ રાજકીય કારણોસર અસંતુલન ઉભું થયું અને આજે આપણે જોઈએ છીએ કે એક ચૂંટણી પતી તો બીજીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બીજી પતે પછી ત્રીજી. અને એનું દબાણ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પર પડે છે. સંઘીય બંધારણ (ફેડરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર)માં એક સુખદ વાતાવરણ હોવું જોઈએ. ચૂંટણીઓના ચાર છ મહિના તો આપણે સમજી શકીએ છીએ કે તું-તું, મૈં-મૈં ચાલે. પણ પછી સાડા ચાર વર્ષ તો કમ સે કમ આપણે સાથે મળીને દેશ માટે કામ કરી શકતા હોવા જોઈએ. આપણી તમામ શક્તિઓ એ માટે કામે લાગે. એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. અને હું ઈચ્છું છું કે, એ દિશામાં એક વ્યાપક ચર્ચા થાય. અને તમે જોશો કે હવે લોકસભાની ચૂંટણીઓ થશે, તો ચાર રાજ્યોની ચૂંટણીઓ એની સાથે થશે. આંધ્ર, તેલંગાણા, અરૂણાચલ અને ઓડિશા. તકલીફો શું છે તે આપણે બરાબર જાણીએ છીએ. 2009માં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો લોકસભાની ચૂંટણીમાં. 2014માં એ વધીને ચાર હજાર કરોડ રૂપિયા થયો. એક હજારથી વધીને ચાર હજાર કરોડ. એટલું જ નહીં, 2014 પછી જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ, તેમાં લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
હવે આપણે કલ્પના કરી શકીએ છીએ. ભારત જેવા દેશમાં જ્યાં ગરીબોને માટે ઘણું બધું પહોંચાડવાની આપણી જવાબદારી છે. એવામાં આપણે ત્યાં ચૂંટણીઓમાં લગભગ એક કરોડથી વધુ લોકોની 9 લાખ 30 હજાર મતદાન મથકો પર ડ્યુટી લાગે છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો ચૂંટણી વ્યવસ્થામાં જ લાગેલા રહે છે. સલામતીના મુદ્દે નવા નવા પડકારો ઉભા થતા રહે છે. અને આપણા દળો બસ આ કામમાં જ લાગેલા રહે છે. આ પક્ષા-પક્ષીથી પર વિષય છે. દેશના હિતમાં, બની શકે છે કે એમાં મતભેદો હોય, પણ તર્કની ચર્ચા તું-તું મૈં-મૈંથી થવી જોઈએ નહીં. એક પ્રમાણિક પવિત્રતા સાથે આપણે ચર્ચા કરીએ. સાથે મળીને, બેસીને કોઈ રસ્તો શોધી કાઢીએ. અને મને લાગે છે કે, આપણે આગળ વધવામાં સફળ થઈ શકીશું. આપણે એવા ઘણા નિર્ણયો લીધા છે, જે દુનિયાના ઘણા દેશોને અજબ લાગે છે. આટલા બધા પક્ષો હોય અને આવા નિર્ણયો લેવાઈ શકે છે. પણ, આ જ ગૃહમાં બેઠેલા લોકોએ ભૂતકાળમાં એવું કર્યું છે. શ્રેષ્ઠ નિર્ણય કર્યા છે. આવનારી પેઢીઓના લાભ થાય તેવા નિર્ણય કર્યા છે. હું સમજું છું કે, બન્ને ગૃહમાં બેઠેલા બધા જ મહાનુભાવો એક સૌભાગ્યની તક મળી છે કે આપણે આ નિર્ણય લઈએ.
માનનીય સભાપતિજી, અનેક વિષયો પર તમામ મહાનુભાવોએ કેટલાય વિષયની વાત કરી છે. રાષ્ટ્રપતિજીનું જે સંબોધન છે, તે પોતે જ એક પૂર્ણ સંબોધન છે. દિશા શું છે, ગતિ શું છે, ઈરાદા શું છે અને સામાન્ય માનવીના હિતની દિશામાં આપણે કેવી રીતે આગળ વધી રહ્યા છીએ, તે માટે કેટલી સમય મર્યાદા રહે છે, તેનો હિસાબ કિતાબ આપણે રાખી શકીએ છીએ. એ રાખવાનો એમણે પ્રયાસ પણ કર્યો છે. આપણે સૌ સર્વસંમતિથી આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધનને સ્વીકૃતિ આપીએ. અને આભાર પ્રસ્તાવને બહાલી આપીએ. આ એક જ અપેક્ષા સાથે મારૂં સમર્થન આપીને હું મારી વાણીને વિરામ આપું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.