આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ. ગઈકાલે સદનમાં રાષ્ટ્રપતિજીનાં ઉદબોધનનાં ધન્યવાદ પ્રસ્તાવ પર અનેક આદરણીય સભ્યોએ પોતાનાં વિચારો વ્યક્ત કર્યા. શ્રીમાન મલ્લિકા અર્જુનજી, મોહમ્મદ સલીમજી, શ્રીમાન વિનોદ કુમારજી, શ્રીમાન નરસિમ્હન ધોટાજી, શ્રી તારિક અનવરજી, શ્રી પ્રેમ સિંહજી, શ્રી અનવર રજાજી, જયપ્રકાશ નારાયણ યાદવજી, કલ્યાણ બેનર્જી, શ્રી પી. વેણુ ગોપાલ, આનંદરાવ અડસુલજી, આર. કે. ભારતી મોહનજી, આશરે 34 આદરણીય સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. વિસ્તૃત રીતે ચર્ચા પણ થઇ. કોઈએ પક્ષમાં કહ્યું, કોઈએ વિપક્ષમાં કહ્યું. પરંતુ આ સાર્થક ચર્ચા આ સદનમાં થઇ અને રાષ્ટ્રપતિજીનું ભાષણ કોઈ પક્ષનું નથી હોતું. દેશની આશા-આકાંક્ષાઓની અભિવ્યક્તિનું અને તે દિશામાં થઇ રહેલા કાર્યનું જ એક આલેખન હોય છે અને તે દ્રષ્ટીએ રાષ્ટ્રપતિજીનાં ભાષણનું સન્માન થવું જોઈએ. માત્ર વિરોધ માટે થઈને વિરોધ કરવો એ કેટલું યોગ્ય બાબત છે.
સભાપતિ મહોદયાજી, આપણા દેશમાં રાજ્યોની રચના આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ પણ કરી હતી. ત્રણ નવા રાજ્યોનું નિર્માણ થયું હતું અને તે ત્રણેય રાજ્યોનાં નિર્માણમાં પછી ભલે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ બન્યું હોય, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બન્યું હોય કે બિહારમાંથી ઝારખંડ બન્યું હોય, પરંતુ તે સરકારની દીર્ઘ દ્રષ્ટિ હતી કે કોઈપણ સમસ્યા વિના ત્રણેય રાજ્યો અલગ થતાની સાથે જ જે વિભાજન કરવાનું હોય તો તે વિભાજન, અધિકારીઓની બદલી કરવાની હતી તો અધિકારીઓની બદલીઓ આ બધી જ વસ્તુઓ ખુબ જ સરળતાથી થઇ. નેતૃત્વ જો દીર્ઘ દ્રષ્ટાનું હોય, રાજનૈતિક સ્વાર્થની હડબડાહટમાં નિર્ણયો નાં લેવાતા હોય તો કેટલા સ્વસ્થ નિર્ણયો લેવાય છે. તેનું ઉદાહરણ અટલ બિહારી વાજપેયીજીએ જે ત્રણ રાજ્યોનું નિર્માણ કર્યું હતું, આજે દેશ અનુભવ કરી રહ્યો છે. તમારા ચરિત્રમાં છે જયારે ભારતનું વિભાજન કર્યું તમે, દેશના ટુકડા કર્યા અને જે ઝેર રોપ્યું. આજે આઝાદીના 70 વર્ષો પછી પણ એક દિવસ એવો નથી જતો કે જયારે તમારા તે પાપની સજા સવા સો કરોડ ભારતીયો ના ભોગવતા હોય.
તમે દેશના ટુકડા કર્યા તો પણ એ રીતે કર્યા. તમે ચુંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં સંસદના દરવાજા બંધ કરીને સદન ઓર્ડરમાં નહોતું, ત્યારે પણ આંધ્રના લોકોની ભાવનાઓને માન આપ્યા વિના, તેલંગાણા બનાવવાનાં પક્ષમાં અમે પણ હતા. તેલંગાણા આગળ વધે તેના પક્ષમાં આજે પણ અમે છીએ. પરંતુ આંધ્રની સાથે તમે જે બીજ વાવ્યા, તમે જે ચુંટણી માટેની ઉતાવળમાં આ પગલું ભર્યું. તેનું જ આ પરિણામ છે કે આજે ચાર વર્ષ પછી પણ સમસ્યાઓ સળગતી રહી છે અને એટલા માટે તમને આ પ્રકારની વસ્તુઓ શોભા નથી આપતી.
સભાપતિ મહોદયાજી, ગઈકાલે હું કોંગ્રેસ પક્ષના નેતા શ્રીમાન ખડગેજીનું ભાષણ સાંભળી રહ્યો હતો. હું એ સમજી નહોતો શકતો કે તેઓ ટ્રેઝરી બેંચને સંબોધિત કરી રહ્યા હતા, કર્ણાટકના લોકોને સંબોધિત કરી રહ્યા હતા કે પોતાના જ દળના નીતિ નિર્ધારકોને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ગઈકાલે જયારે તેમણે બશીર બદ્રની શાયરી સાથે શરૂઆત કરી. ખડગેજીએ બશીર બદ્રજીની શાયરી સંભળાવી અને હું આશા રાખું છું કે તેમણે જે શાયરી સંભળાવી હતી તે કર્ણાટકના મુખ્યમંત્રી મહોદયજીએ પણ જરૂરથી સાંભળી હશે. ગઈકાલે તે શાયરીમાં તેમણે કહ્યું કે –
‘દુશ્મની જમ કર કરો, લેકિન યહ ગુંજાઇશ રહે,
જબ કભી હમ દોસ્ત હો જાએ, તો શરમિંદા ન હો.’
હું જરૂરથી માનું છું કે કર્ણાટકનાં મુખ્યમંત્રીજીએ તમારી આ પોકાર સાંભળી લીધી હશે, પરંતુ શ્રીમાન ખડગેજી જે બશીર બદ્રની શાયરીનો તમે ઉલ્લેખ કર્યો, સારૂ થાત જો એ શાયરીમાં જે શબ્દો તમે બોલી રહ્યા છો તેની બિલકુલ પહેલાની લાઈનો તેને પણ તમે જો યાદ કરી લેતા તો કદાચ આ દેશને એ વાતની ખબર જરૂરથી પડી જાત કે તમે ક્યાં ઉભા છો. એ જ શાયરીમાં બશીર બદ્રજીએ પહેલા કહ્યું છે કે –
‘જી ચાહતા હૈ સચ બોલે, જી બહુત ચાહતા હૈ સચ બોલે,
ક્યા કરે હોસલા નહિં હોતા.’
મને નથી ખબર કે કર્ણાટકની ચુંટણીઓ પછી ખડગેજી તે સાચી જગ્યા પર હશે કે નહિં હોય અને એટલા માટે એક રીતે તેમનું આ એક વિદાય પ્રવચન પણ હોઈ શકે છે અને એટલા માટે સામાન્ય રીતે સદનમાં જયારે પહેલી વાર કોઈ સદસ્ય બોલે છે તો દરેક વ્યક્તિ સન્માનપૂર્વક અને એ જ રીતે જે વિદાય વેળાનું વક્તવ્ય હોય છે, તે પણ લગભગ લગભગ સન્માનથી જોવામાં આવે છે. સારૂ થાત ગઈકાલે કેટલાક માનનીય સદસ્યોએ સંયમ રાખ્યો હોત અને આદરણીય ખડગેજીની વાતને એ જ સન્માન સાથે સાંભળી હોત તો સારૂ થાત. લોકશાહી માટે ખુબ જ જરૂરી છે. વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ સદનને બાનમાં લેવાનો કોઈ હક નથી.
ગઈકાલે અધ્યક્ષ મહોદયા, હું જોઈ રહ્યો છું કે જયારે પણ અમારા વિપક્ષમાં કેટલાક લોકો અમારી કેટલીક વાતોની ટીકા કરવા જાય છે તો તેમાં તથ્ય તો ઓછું હોય છે પરંતુ અમારા જમાનામાં એવું હતું, અમારા જમાનામાં આવું કર્યું હતું, અમે એવું કરતા હતા, મોટાભાગે એ જ કેસેટને વગાડવામાં આવે છે. પરંતુ એ વાત ના ભૂલશો કે ભારત આઝાદ થયું, તે પછી પણ જે દેશો આઝાદ થયા તે આપણા કરતા પણ વધુ ઝડપી ગતિએ ઘણા આગળ વધી ચુક્યા છે. આપણે ના વધી શક્યા, માનવું પડશે અને તમે માં ભારતીનાં ટુકડા કરી નાખ્યા તેમ છતાં પણ આ દેશ તમારી સાથે રહ્યો હતો. તમે તે સમયે આ દેશ પર રાજ કરી રહ્યા હતા. પ્રારંભિક ત્રણ ચાર દાયકાઓમાં વિપક્ષનાં એક નામમાત્રનો વિપક્ષ હતો. તે સમય હતો, જયારે મિડિયાનો વ્યાપ પણ ઘણો ઓછો હતો અને જે હતો તે પણ મોટાભાગે દેશનું ભલું થશે તેવી આશા સાથે શાસનની સાથે ચાલતા હતા. રેડિયો સંપૂર્ણ રીતે તમારા જ ગીતો ગાતું હતો અને બીજો કોઈ સ્વર ત્યાં સંભળાતો ન હતો અને પછીથી જયારે ટીવી આવ્યું તો ટીવી પણ સંપૂર્ણ રીતે તમને જ સમર્પિત હતું. તે સમયે ન્યાયપાલિકામાં પણ ન્યાયવ્યવસ્થાનાં સર્વોચ્ચ પદ પર પણ પસંદગીઓ કોંગ્રેસ પક્ષ કરતો હતો. પક્ષ દ્વારા નક્કી થતું હતું એટલે કે આટલી બધી સુવિધાઓ તમને. તે સમયે કોર્ટમાં ન તો કોઈ પીઆઈએલ રહેતી હતી અને ન તો કોઈ એનજીઓની એવી ભરમાર રહેતી હતી. તમારૂ જે વિચારોથી પાલન પોષણ થયું છે તેવો જ માહોલ તે સમયે દેશમાં તમને પ્રાપ્ત થયો હતો. વિરોધનું તો નામોનિશાન નહોતું. પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમારો જ ઝંડો ફરકાઈ રહ્યો હતો પરંતુ તમે સંપૂર્ણ સમય એક જ પરિવારનાં ગુણગાન ગાવામાં ખપાવી દીધો. દેશનાં ઈતિહાસને ભૂલીને એક જ પરિવારને દેશ યાદ રાખે, બધી શક્તિ તેમાં જ લગાવી દે. તે સમયે દેશનો જુસ્સો આઝાદીનાં પછીનાં દિવસોનો હતો. દેશને આગળ લઇ જવા માટેનો જુસ્સો હતો, તમે થોડી ઘણી જવાબદારી સાથે કામ કર્યું હોત, તો એક દેશની જનતામાં સામર્થ્ય હતું દેશને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દેત. પરંતુ તમે તમારા જ સુર વગાડતા રહ્યા અને એ પણ માનવું પડશે કે તમે જો સાચી દિશા રાખી હોત, સાચી નીતિઓ બનાવી હોત, જો ઇરાદો સાફ હોત, તો આ દેશ આજે જ્યાં છે, તેના કરતા અનેક ગણો આગળ અને સારો હોત. તેને નકારી નહિં શકો. એ દુર્ભાગ્ય રહ્યું છે આ દેશનું કે કોંગ્રેસ પક્ષનાં નેતાઓને એવું જ લાગે છે કે ભારત નામનાં દેશનો જન્મ 15 ઓગસ્ટ 1947ના રોજ થયો હતો. જાણે તેની પહેલા દેશ હતો જ નહિં અને ગઈકાલે તો મને નવાઈ લાગી, આને હું અહંકાર કહું, કે પછી અણસમજ કહું કે પછી વર્ષાઋતુનાં સમયે પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કહું. જયારે આવું કહેવામાં આવ્યું કે દેશને નહેરૂએ લોકતંત્ર આપ્યું, દેશને કોંગ્રેસે લોકતંત્ર આપ્યું. અરે ખડગે સાહેબ, થોડું તો ઓછું કરો. જરા હું પૂછવા માંગું છું તમે લોકતંત્રની વાત કરો છો. તમને ખબર હશે આ આપણો દેશ, જયારે તમે જે લોકતંત્રની વાત કરો છો, આપણો દેશ જયારે લિચ્છવી સામ્રાજ્ય હતું, જયારે બુદ્ધ પરંપરા હતી, ત્યારે પણ આપણા દેશમાં લોકતંત્રની ગુંજ હતી. આ કોંગ્રેસ અને નહેરૂજીએ લોકતંત્ર નથી આપ્યું.
બૌદ્ધ સંઘ એક એવી વ્યવસ્થા હતી કે જ્યાં ચર્ચા, વિચાર વિમર્શ અને વોટીંગના આધારે નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલતી હતી અને શ્રીમાન ખડગેજી, તમે તો કર્ણાટકમાંથી આવો છો, ઓછામાં ઓછું એક પરિવારની ભક્તિ કરીને કર્ણાટકની ચુંટણીઓ બાદ કદાચ તમારી અહિયાં બેસવાની જગ્યા બચેલી રહે પરંતુ ઓછામાં ઓછું જગત ગુરૂ બસેશ્વરજીનું તો અપમાન ના કરો. તમને ખબર હોવી જોઈએ, તમે કર્ણાટકમાંથી આવો છો કે જ્યાં જગત ગુરૂ બસેશ્વર હતા, જેમણે તે સમયમાં અનુભવ મંડપમ્ નામની વ્યવસ્થા ઉભી કરી હતી, 12મી શતાબ્દીમાં અને ગામનાં બધા જ નિર્ણયો લોકતાંત્રિક રીતે લેવાતા હતા અને એટલું જ નહી સ્ત્રી સશક્તિકરણનું કામ પણ થયું હતું તે સદનમાં, તે સભાની અંદર મહિલાઓનું હોવું અનિવાર્ય મનાતું હતું. આ જગતગુરૂ બસેશ્વરજીના સમયગાળામાં લોકશાહીને પ્રસ્થાપિત કરવાનું કામ 12મી શતાબ્દીમાં આ દેશમાં થયું હતું. લોકતંત્ર આપણી રગોમાં છે, આપણી પરંપરાઓમાં છે અને બિહારની અંદર ઈતિહાસ સાક્ષી છે, લિચ્છવી સામ્રાજ્યનાં સમયગાળામાં આ રીતે આપણે ત્યાં, જો આપણે પ્રાચીન ઈતિહાસ તરફ ધ્યાન આપીએ તો આપણે ત્યાં ગણરાજ્યની વ્યવસ્થાઓ રહેતી હતી, અઢી હજાર વર્ષ પહેલા, એ પણ લોકતંત્રની પરંપરા હતી. સહમતી અને અસહમતીને આપણે ત્યાં માન્યતા મળી હતી. તમે લોકતંત્રની વાત કરો છો શ્રીમાન મનમોહનજીની સરકારમાં મંત્રી રહી ચુકેલા અને તમારી જ પાર્ટીના નેતા તેમણે હમણાં હમણાં જયારે તમારી પાર્ટીમાં અંદર ચુંટણી ચાલી રહી હતી તો તેમણે મીડિયા સમક્ષ શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે જહાંગીરની જગ્યાએ શાહજહાં આવ્યા, શાહજહાંની જગ્યા પર ઔરંગઝેબ આવે, ત્યાં શું ચુંટણી થઇ હતી? તો આપણે ત્યાં પણ આવી ગયા. તમે લોકતંત્રની વાત કરો છો, તમે લોકતંત્રની ચર્ચા કરો છો. હું જરા પૂછવા માંગું છું કે તમે કયા લોકતંત્રની ચર્ચા કરો છો, જયારે તમારા પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન રાજીવ ગાંધી હૈદરાબાદનાં એરપોર્ટ પર ઉતરે છે. ત્યાં આગળ તમારી જ પાર્ટીનાં ચૂંટાયેલા મુખ્યમંત્રી, અનુસુચિત જાતિનાં મુખ્યમંત્રી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવેલા અને લોકતંત્રમાં વિશ્વાસની વાત કરનારા લોકો જે નહેરૂજીનાં નામ પર તમે લોકતંત્રની બધી જ પરંપરાઓ સમર્પિત કરી રહ્યા છો. શ્રીમાન રાજીવ ગાંધીએ હૈદરાબાદ એરપોર્ટ પર ઉતરીને એક દલિત મુખ્યમંત્રી તેમનું જાહેરમાં અપમાન કર્યું હતું. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ મુખ્યમંત્રી ટી. અંજૈયાનું અપમાન કર્યું, તમે લોકતંત્રની વાતો કરો છો, અરે તમે જયારે લોકતંત્રની વાતો કરો છો ત્યારે સવાલ આ ઉઠે છે અને આ તેલગુદેશમ પક્ષ આ એન. ટી. રામારાવ તે અપમાનની આગ માંથી ઉત્પન્ન થયેલા હતા. ટી. અંજૈયાનું અપમાન થયું તેમનું સન્માન કરવા માટે રામારાવને પોતાનું ફિલ્મ ક્ષેત્ર છોડીને આંધ્રની જનતાની સેવા કરવા માટે મેદાનમાં આવવું પડ્યું.
તમે લોકતંત્રની વાત સમજાવી રહ્યા છો. આ દેશમાં 90 વખત, 90થી વધારે વખત ધારા 356નો દુરૂપયોગ કરીને રાજ્ય સરકારોને તે રાજ્યોમાં ઉભરી રહેલ પક્ષોને તમે ઉખાડીને ફેંકી દીધા. તમે પંજાબમાં અકાલી દળ સાથે શું કર્યું? તમે તમિલનાડુમાં શું કર્યું? તમે કેરલમાં શું કર્યું? આ દેશનાં લોકતંત્રને તમે વિકસવા જ ના દીધું. તમે તમારા પરિવારનાં લોકતંત્રને જ લોકતંત્ર માનો છો અને દેશને તમે છેતરી રહ્યા છો. એટલું જ નહી, કોંગ્રેસ પક્ષનું લોકતંત્ર, જયારે આત્માનો અવાજ ઉઠે છે, તો તેમનું લોકતંત્ર દબાઈ જાય છે. તમે જાણો છો કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રપતિનાં ઉમેદવારનાં રૂપમાં નીલમ સંજીવ રેડ્ડીને પસંદ કર્યા હતા અને રાતો રાત તેમની પીઠ પર છરો ભોંકી દેવામાં આવ્યો. અનઅધિકૃત ઉમેદવારને પરાજિત કરી દેવામાં આવ્યા અને એ પણ તો જુઓ કે અકસ્માતે તેઓ પણ આંધ્રમાંથી આવતા હતા. ટી. અંજૈયા સાથે કર્યું તે જ તમે સંજીવ રેડ્ડી સાથે કર્યું. તમે લોકતંત્રની વાતો કહો છો? એટલું જ નહિં, હમણાંના જ ડો. મનમોહન સિંહજી આ દેશનાં પ્રધાનમંત્રી કેબીનેટનો નિર્ણય કર્યો, લોકતંત્રની મહત્વપૂર્ણ સંસ્થા બંધારણ દ્વારા બનેલી સંસ્થા તમારી જ પાર્ટીની સરકાર અને તમારી જ પાર્ટીના એક પદાધિકારી પત્રકાર પરિષદ બોલાવીને કેબીનેટનાં નિર્ણયને પ્રેસની સામે ટુકડા કરીને ફાડી નાખે છે. તમારા મોઢામાં લોકતંત્ર શબ્દ શોભા નથી દેતો અને એટલા માટે કૃપા કરીને તમે અમને લોકતંત્રના પાઠ શીખવાડશો નહિં.
હું જરા અન્ય એક ઈતિહાસની વાતને આજે જણાવી રહ્યો છું. શું એ સાચી વાત નથી કે, દેશમાં કોંગ્રેસમાં નેતૃત્વ કરવા માટે ચુંટણી થઈ હતી. 15 કોંગ્રેસ કમિટીઓ, તેમાંથી 12 કોંગ્રેસ કમિટીઓએ સરદાર વલ્લભભાઇ પટેલને ચૂંટ્યા હતા. ત્રણ લોકોએ નોટા કર્યો હતો. કોઈને પણ વોટ નહી આપવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં પણ નેતૃત્વ સરદાર વલ્લભભાઇ પટેલને આપવામાં ન આવ્યું. તે કયું લોકતંત્ર હતું? પંડિત નહેરૂને બેસાડી દેવામાં આવ્યા. જો દેશનાં પહેલા પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ હોત તો મારા કાશ્મીરનો આ ભાગ આજે પાકિસ્તાન પાસે ન હોત.
હમણાં ડિસેમ્બરમાં જ શું કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષની ચુંટણી હતી કે, પછી તાજપોશી હતી. તમારી જ પાર્ટીનાં એક નવયુવાને અવાજ ઉઠાવ્યો, તે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માંગતો હતો. તમે તેને પણ રોકી દીધો. તમે લોકતંત્રની વાતો કરો છો? હું જાણું છું કે આ અવાજ દબાવવા માટેના આટલા પ્રયત્નો નિષ્ફળ રહેવાના છે. સાંભળવાની હિમ્મત જોઈએ અને એટલા માટે અધ્યક્ષ મહોદયા, અમારી સરકારની વિશેષતા છે એવી એક કાર્ય સંસ્કૃતિને લાવવામાં આવે, જે કાર્ય સંસ્કૃતિમાં માત્ર જાહેરાતો કરીને છાપાઓની હેડલાઈનોમાં છવાઈ જવું, માત્ર યોજનાઓ જાહેર કરીને જનતાની આંખમાં ધૂળ નાખવી, એ અમારી કાર્ય સંસ્કૃતિ નથી. અમે એવી વસ્તુઓને હાથ લગાવીએ છીએ જેને પૂરી કરવાનો પ્રયાસ થઇ શકે અને જે સારી વસ્તુઓ છે, તે કોઈ પણ સરકારની, કોઈની પણ કેમ ન હોય, જો તે અટકી છે, દેશનું નુકસાન થઇ રહ્યું છે, તો તેને સારામાં સારી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે લોકતંત્રમાં સરકારો આવતી-જતી રહે છે, દેશ એમનો એમ બનેલો રહે છે અને તે સિદ્ધાંતને અમે માનનારા લોકો છીએ. શું તે સત્ય નથી? આ જ કર્મચારીઓ, આ જ કાર્યશૈલી અને શું કારણ હતું કે, પાછળની સરકારમાં દરરોજ 11 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનતા હતા. આજે એક દિવસમાં 22 કિલોમીટરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બની રહ્યા છે. રસ્તાઓ તમે પણ બનાવો છો, રસ્તાઓ અમે પણ બનાવીએ છીએ. પાછલી સરકારનાં છેલ્લા ત્રણ વર્ષોમાં 80 હજાર કિલોમીટર રસ્તાઓ બન્યા છે. અમારી સરકારનાં ત્રણ વર્ષોમાં એક લાખ 20 હજાર કિલોમીટરનાં માર્ગો બન્યા છે. પાછળની સરકારનાં છેલ્લા ત્રણ વર્ષોમાં લગભગ 1100 કિલોમીટરની નવી રેલ લાઈનોનું નિર્માણ થયું. સરકારનાં આ ત્રણ વર્ષોમાં 2100 કિલોમીટરનું થયું. પાછલી સરકારનાં છેલ્લા ત્રણ વર્ષોમાં અઢી હજાર કિલોમીટર રેલવે લાઈનનું વીજળીકરણ થયું. આ સરકારનાં ત્રણ વર્ષોમાં ચાર હજાર ત્રણસો કિલોમીટરથી વધુનું કામ થયું. 2011 પછી પાછલી સરકાર 2014 સુધી તમે ફરી પાછા કહેશો, આ તો અમારી યોજના હતી, આ તો અમારી કલ્પના હતી, તેની ક્રેડીટ તો અમારી છે, એના ગીતો ગાશો, સચ્ચાઈ શું છે? ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક, તમારી કાર્ય કરવાની પદ્ધતિઓ કઈ હતી? જ્યાં સુધી સગા સંબંધીઓનો મેળ ન ખાય અથવા આપણા લોકોનો મેળ ન પડે, ગાડી આગળ વધતી જ નહોતી. 2011 પછીથી 2014 સુધી તમારા વડે માત્ર 59 પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર પહોંચાડવામાં આવ્યા. 2011થી 2014 ત્રણ વર્ષ. અમે આવ્યા પછી આટલા ઓછા સમયમાં એક લાખથી વધુ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક પહોંચાડી દીધું. ક્યાં ત્રણ વર્ષમાં 60થી પણ ઓછા ગામડાઓ અને ક્યાં ત્રણ વર્ષમાં એક લાખથી પણ વધુ ગામડાઓ, કોઈ હિસાબ જ નથી સાહેબ અને એટલા માટે પાછલી સરકારે શહેરી આવાસ યોજના 939 શહેરોમાં લાગુ કરી હતી. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 4320 શહેરોમાં લાગુ થઇ છે. તમે એક હજારથી પણ ઓછા જયારે અમે 4000થી પણ વધુ. પાછલી સરકાર છેલ્લા ત્રણ વર્ષોમાં કુલ 12 હજાર મેગાવોટની પુનઃપ્રાપ્ય ઉર્જાની નવી ક્ષમતા જોડવામાં આવી. આ સરકારના ત્રણ વર્ષોમાં 22 હજાર મેગાવોટથી પણ વધુ જોડવામાં આવી. શીપીંગ ઉદ્યોગ કાર્ગો હેન્ડલિંગમાં તમારા સમયમાં નકારાત્મક વિકાસ હતો. આ સરકારે ત્રણ વર્ષમાં 11 ટકાથી પણ વધુનો વિકાસ કરીને બતાવ્યો. જો તમે જમીન સાથે જોડાયેલા હોત તો કદાચ તમારી આ હાલત ન હોત. મને સારૂ લાગ્યું આપણા ખડગેજીએ, બે બાબતો એક તો રેલવે અને બીજું કર્ણાટક અને ખડગેજીની છાતી એકદમ ફૂલી જાય છે. તમે બીદર કલબુર્ગી રેલવે લાઈનનો ઉલ્લેખ કર્યો. જરા દેશને પણ આ સચ્ચાઈની જાણ હોવી જોઈએ. આ વાત કોંગ્રેસનાં મોઢે ક્યારેય કોઈએ નહિં સાંભળી હોય, ક્યારેય નહિં બોલ્યા હોય. ઉદ્ઘાટન સમારંભમાં પણ નહિં બોલ્યા હોય, શિલાન્યાસમાં પણ નહિં બોલ્યા હોય. સત્ય વાતનો સ્વીકાર કરો કે આ બીદર કલબુર્ગી 110 કિલોમીટરની નવી રેલવે લાઈનની પરિયોજના અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંજુર થઇ હતી અને 2013 સુધી તમારી સરકાર રહી, તમે પોતે રેલવે મંત્રી રહ્યા, આ તમારા જ સંસદીય મતવિસ્તારનો પ્રદેશ છે અને તેમ છતાં પણ આટલા વર્ષોમાં, અટલજીની સરકાર પછી પણ કેટલાય વર્ષો વીત્યા અંદાજ લગાવો માત્ર 37 કિલોમીટરનું કામ થયું, 37 કિલોમીટર અને તે કામ પણ ત્યારે થયું જયારે યેદિયુરપ્પાજી મુખ્યમંત્રી હતા અને તેમણે પહેલ કરી. તેમણે ભારત સરકારે જે માંગ્યું તે આપવાની સહમતી આપી. ત્યારે જઈને તમારી સરકારે અટલજીના સપનાને આગળ વધારવાનું કામ ચાલુ કર્યું અને તે પણ જયારે ચુંટણી આવી તો તમને લાગ્યું કે આ રેલવે ચાલી જય તો સારૂ થશે. 110 કિલોમીટરની થવાની હતી, સાડત્રીસ કિલોમીટરનાં ટુકડા પર જઈને ઝંડી ફરકાવી આવ્યા અને અમે આવીને આટલા ઓછા સમયમાં 72 કિલોમીટરનું જે બાકી કામ હતું તે પૂરૂ કર્યું અને અમે એવું ન વિચાર્યું કે વિપક્ષના નેતાનો સંસદીય મતવિસ્તાર છે, આને હમણાં ખાડામાં નાખો, જોયું જશે. એવું પાપ અમે નથી કરતા. તમારો વિસ્તાર હતો પરંતુ કામ દેશનું હતું અમે દેશનું કામ સન્માન સાથે તેને પૂરૂ કર્યું અને તે સંપૂર્ણ યોજનાનું લોકાર્પણ મેં કર્યું તો પણ તમને દુઃખાવો થઈ રહ્યો છે. આ દુઃખાવાની દવા કદાચ દેશની જનતાએ ઘણા સમય પહેલા જ કરી દીધી છે.
અધ્યક્ષ મહોદયા, બીજી એક ચર્ચા કરી રહ્યા છે બાડમેર રીફાઇનરીની. ચૂંટણી જીતવા માટે, ચૂંટણીની પહેલા પથ્થર પર નામ લાગી જશે તો ગાડી ચાલી જશે. તમે બાડમેર રીફાઇનરી પર જઈને પથ્થર બેસાડી દીધા, નામ લખાવી દીધા, પરંતુ જયારે અમે આવીને કાગળિયાં જોયા તો જે શિલાન્યાસ થયો હતો રીફાઇનરીનો, તે બધે બધું જ કામ માત્ર કાગળ પર હતું, જમીન પર ન તો મંજુરી હતી, ન તો જમીન હતી, ન ભારત સરકાર સાથે કોઈ ફાઇનલ એગ્રીમેન્ટ હતું અને ચુંટણીને ધ્યાનમાં રાખીને તમે ત્યાં પણ પથ્થર જડી દીધો. તમારી ભૂલોને સુધારતા, તે યોજનાને સાચું સ્વરૂપ આપવામાં ભારત સરકારને, રાજસ્થાન સરકારને કેટલી માથાકૂટ કરવી પડી, ત્યારે જઈને ઘણી મુશ્કેલીઓ પછી તેને બહાર કાઢી શક્યા અને આજે તે કામની શરૂઆત કરી દીધી છે.
આસામમાં એક ધોલા સાદિયા પુલ, આ ધોલા સાદિયા પુલ જયારે અમે તેનું ઉદ્ઘાટન કર્યું તો કેટલાક લોકોને જરા તકલીફ થઇ ગઈ અને કહી દીધું કે આ તો અમારૂ હતું, બહુ સહેલું છે. આ લોકો ક્યારેય નથી બોલ્યા જયારે તે પુલનું કામ આગળ વધી રહ્યું હતું, ક્યારેક સદનમાં સવાલો ઉઠ્યા છે, ક્યારેય એવું કહેવાની ઈમાનદારી નથી બતાવી કે આ કામ પણ અટલ બિહારી વાજપેયીની સરકારમાં નિર્ધારિત થયું હતું અને તે પણ અમારા બીજેપીના એક સાંસદ તેમણે વિસ્તૃત રીતે અધ્યયન કરીને માંગણી કરી હતી અને અટલજીએ તે માંગણીને સ્વીકારી હતી અને તેમાંથી આ બન્યો હતો અને 2014માં અમારી સરકાર બન્યા પછી નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વનાં વિસ્તારોને અમે પ્રાથમિકતા આપી અને તેને ઝડપી ગતિએ આગળ વધારવાનું કામ અમે કર્યું અને ત્યારે જઈને તે પુલ બન્યો છે. એટલું જ નહી, હું ગર્વ સાથે કહી શકું છું કે આ સરકાર છે જે દેશમાં આજે સૌથી લાંબી સુરંગ, સૌથી લાંબી ગેસ પાઈપલાઈન, સૌથી લાંબો સમુદ્રની અંદરનો પુલ, સૌથી ઝડપી ટ્રેન આ બધા જ નિર્ણયો આ જ સરકાર કરી શકે છે અને સમય સીમામાં આગળ વધારી રહી છે. આ જ સમયગાળામાં 104 સેટેલાઈટ છોડવાનો વિક્રમ પણ આ જ સમયગાળામાં થાય છે.
એ વાતને નકારી નહિં શકાય જે રાષ્ટ્રપતિજીએ પોતાના ઉદબોધનમાં ઉલ્લેખ કર્યો અને હું કહેવા માંગીશ કે લોકતંત્ર કેવું હોય છે. શાસનમાં રહેલ તમામ વ્યક્તિનું સન્માન કેવું હોય છે. લાલ કિલ્લા પરનાં ભાષણ કાઢો. આઝાદીના બધા જ કોંગ્રેસના નેતાઓનાં ભાષણો કાઢો, એક પણ ભાષણમાં કોઈએ પણ એવું કહ્યું કે, દેશમાં જે પ્રગતિ થઇ રહી છે તેમાં બધી જ સરકારોનું યોગદાન છે. ભૂતપૂર્વ સરકારોનું યોગદાન છે, એવું એક પણ વાક્ય લાલ કિલ્લા પરથી કોંગ્રેસનાં નેતાઓએ કહ્યું હોય, તો જરા ઈતિહાસ ખોલીને લઇ આવો. આ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી કહે છે કે, દેશ આજે જ્યાં છે જૂની બધી જ સરકારોનું પણ યોગદાન છે, રાજ્ય સરકારોનું પણ યોગદાન છે અને દેશવાસીઓનું પણ યોગદાન છે. ખુલ્લેઆમ સ્વીકાર કરવાની હિમ્મત છે અને તે અમારા ચારિત્ર્યમાં છે.
હું આજે કહેવા માંગું છું ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી હતો, તો તે સમયે મુખ્યમંત્રીનાં સમયગાળામાં ગુજરાતની સુવર્ણ જયંતીનું વર્ષ હતું. અમે સુવર્ણ જયંતીનું વર્ષ ઉજવવામાં જે કાર્યક્રમ કર્યા તેમાં એક કાર્યક્રમ કયો કર્યો, જેટલા પણ રાજ્યપાલશ્રીનાં ભાષણો હતા, ગવર્નરનાં, ગવર્નરના ભાષણોમાં શું હોય છે, જેમ રાષ્ટ્રપતિનું ભાષણ તે સરકારની ગતિવિધિઓનો ઉલ્લેખ કરે છે. સરકારો કોંગ્રેસની રહી ચુકી હતી, ગુજરાત બન્યા પછી. પરંતુ અમે ગુજરાત બન્યું ત્યારથી લઈને 50 વર્ષ સુધીની યાત્રામાં જેટલા રાજ્યપાલનાં ભાષણો હતા, જેમાં બધી જ સરકારોનાં કામનું વર્ણન હતું, તેનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો અને તેને આર્કાઇવમાં રાખવાનું કામ અમે કર્યું. લોકતંત્ર આને કહેવાય. તમે મહેરબાની કરીને, બધું જ તમે કર્યું છે, તમારા આ પરિવારે આ કર્યું છે. આ માનસિકતાના કારણે આજે ત્યાં જઈને બેસવાની નોબત આવી છે તમને. તમે દેશનો સ્વીકાર નથી કર્યો અને એટલા માટે આજે આ કારણ છે કે, બમણી ગતિએ માર્ગો બની રહ્યા છે. રેલવે લાઈનો ઝડપી ગતિએ આગળ વધી રહી છે, બંદરોનો વિકાસ થઇ રહ્યો છે, ગેસની પાઈપલાઈનો પથરાઈ રહી છે, બંધ પડેલા ફર્ટીલાઈઝર એકમો તેમને ખોલવાનું કામ ચાલી રહ્યું છે, કરોડો ઘરોમાં શૌચાલયો બની રહ્યા છે અને રોજગારનાં નવા અવસરો ઉપલબ્ધ થઇ રહ્યા છે.
હું જરા કોંગ્રેસના મિત્રોને પૂછવા માગું છું, રોજગારી અને બેરોજગારીની ટીકા કરનારા તે લોકોને હું જરા પૂછવા માંગું છું. તમે જયારે બેરોજગારીનો આંકડો આપો છો, તો તમે પણ જાણો છો, દેશ પણ જાણે છે, હું પણ જાણું છું કે તમે બેરોજગારીનો આંકડો સંપૂર્ણ દેશનો આપો છો, જે બેરોજગારીનો આંકડો સમગ્ર દેશનો છે, તો રોજગારીનો આંકડો પણ સમગ્ર દેશનો બને છે. હવે તમને અમારી વાત પર તો ભરોસો નહિં આવે, હું જરા કંઈક કહેવા માંગું છું અને તમે આંકડા તપાસી લેજો, પશ્ચિમ બંગાળની સરકાર, કર્ણાટકની સરકાર, ઓડિસાની સરકાર અને કેરળની સરકાર, અમે તો છીએ નહિં ત્યાં ના કોઈ એનડીએ છે. આ ચાર સરકારોએ પોતે જે જાહેરાત કરી છે, તે હિસાબે પાછલા ત્રણ ચાર વર્ષોમાં આ ચાર સરકારોનો દાવો છે કે ત્યાં લગભગ-લગભગ એક કરોડ લોકોને રોજગારી મળી છે. શું તમે તેને પણ નકારશો? શું તમે તે રોજગારને રોજગાર નહિં માનો કે? બેરોજગારી દેશની અને સમગ્ર દેશમાં રોજગારીનું કામ અને હું આમાં દેશના આર્થિક રૂપે સમૃદ્ધ રાજ્યોની ચર્ચા નથી કરી રહ્યો, ભાજપાની સરકારોની ચર્ચા નથી કરી રહ્યો, એનડીએની સરકારોની ચર્ચા નથી કરી રહ્યો, હું એવી સરકારોની ચર્ચા કરી રહ્યો છું જે સરકારોમાં તમારા લોકો બેઠા છે અને રોજગારનો તેઓ દાવો કરી રહ્યા છે. અથવા તો તમે નકારી દો કે તમારી કર્ણાટક સરકાર રોજગારનાં જે આંકડા બોલી રહી છે તે ખોટા બોલી રહી છે, બોલો.
અને એટલા માટે દેશને ગેરમાર્ગે દોરવાની કોશિશ ન કરો અને દેશનાં આવા બધા જ રાજ્યોનાં રોજગાર ભારત સરકારે જે પ્રયાસો કર્યા છે, તેમની યોજનાઓ અને તમે જાણો છો એક વર્ષમાં ઈપીએફમાં 70 લાખ નવા નામ નોંધાયા છે અને આ 18 થી 25 વર્ષનાં નવયુવાનો છે, દીકરા-દીકરીઓ છે અને તેમનું નામ ઉમેરાયું છે. શું આ રોજગાર નથી? એટલું જ નહી જે કોઈપણ ડોક્ટર બને, કોઈ એન્જીનીયર બને, કોઈ વકીલ બને, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. પોતાની કંપનીઓમાં લોકોને કામ આપ્યું. પોતાનો રોજગાર વધાર્યો. તમે તેને ગણવા માટે તૈયાર નથી અને તમે જાણો છો ખુબ સારી રીતે જાણો છો ઔપચારિક ક્ષેત્રમાં માત્ર 10 ટકા રોજગારી હોય છે, અનૌપચારિક ક્ષેત્રમાં 90 ટકા હોય છે અને આજે અનૌપચારિકને પણ ઔપારિકમાં લાવવા માટે અમે અનેક એવા પગલાઓ અને અનેક એવી યોજનાઓ બનાવવાની દિશામાં સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે. એટલું જ નહિં, આજે દેશનો મધ્યમ વર્ગીય પરિવારનો નવયુવાન તે નોકરીની ભીખ માંગનારાઓમાંનો એક નથી, તે સન્માનથી જીવવા માંગે છે, તે પોતાના બળે જીવવા માંગે છે. મેં એવા અનેક આઈએએસ અધિકારીઓ જોયા છે ક્યારેક હું પૂછું છું કે તમારા સંતાનો શું કરે છે ? મોટાભાગે હું વિચારો તો હોઉ છું કે કદાચ તે પણ બાબુ બનશે. પરંતુ આજકાલ તેઓ મને કહી રહ્યા છે કે સર જમાનો બદલાઈ ગયો છે. અમારા પિતાજીની સામે અમે હતા તો અમે સરકારી નોકરી શોધતા શોધતા અહિયાં પહોંચી ગયા. આજે અમારા બાળકોને અમે કહીએ છીએ કે બેટા અહિયાં આવી જાવ, તેઓ ના પાડે છે અને તેઓ કહે છે કે હું તો સ્ટાર્ટ અપ ચાલુ કરીશ. તે વિદેશમાં ભણીને આવ્યો છે, કહે છે કે હું સ્ટાર્ટ અપ શરૂ કરીશ. દેશનાં બધા જ નવયુવાનોમાં આ મહત્વકાંક્ષા છે અને ભારતનાં નેતૃત્વમાં કોઈ પણ દળ હોય, દેશનાં મધ્યમવર્ગીય તેજસ્વી અને તરવરીયા જે નવયુવાન છે તેમની મહત્વકાંક્ષાને ટેકો આપવો જોઈએ, તેમને નિરાશ કરવાનું કામ ન કરવું જોઈએ અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્કીલ ડેવલપમેન્ટ યોજના, ઉદ્યમીતા તાલીમની યોજના અથવા બધી જ વાતો દેશનાં મધ્યમ વર્ગનાં ઉર્જાવાન નવયુવાનોને તેમની મહત્વકાંક્ષાને પ્રોત્સાહન આપવા માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને તેનું જ પરિણામ છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10 કરોડથી વધુ ધિરાણને મંજુરી આપવામાં આવી છે. આ આંકડો ઓછો નથી અને અત્યાર સુધી આ 10 કરોડ લોન સ્વીકૃતિમાં ક્યાય કોઈની અટકાવાઇ હોય, કોઈ વચ્ચે દલાલ આવ્યો હોય, તેની કોઈ ફરિયાદ નથી આવી અને આ પણ તો આ સરકારનાં વર્ક કલ્ચરનું પરિણામ છે. આ પણ તે સંસ્કૃતિનું પરિણામ છે, કોઈ વચેટિયા નથી આવ્યા અને તેનું કારણ હતું કે અમે જે પ્રોડક્ટ બનાવી છે, નીતિ નિયમો બનાવ્યા છે, તેનું જ તે પરિણામ હતું કે તેને કોઈપણ ગેરંટી વિના બેંકમાં જઈને તેને પૈસા મળી શકે છે અને આ જે 10 કરોડ લોન મંજુર થઇ છે તેમાં ચાર લાખ કરોડ રૂપિયાથી વધુના પૈસા આપવામાં આવ્યા છે. એટલું જ નહિં, આ લોન પ્રાપ્ત કરનારા લોકો છે તેમાં ત્રણ કરોડ લોકો એકદમ સાવ નવા ઉદ્યમીઓ છે જેમને ક્યારેય એવો અવસર નથી મળ્યો જીવનમાં એવા લોકો છે, શું આ ભારતની રોજગારી વધારવાનું કામ નથી થઇ રહ્યું? પરંતુ તમે આંખો બંધ કરીને રાખી છે અને એટલા માટે તમે સૌ તમારા પોતાના ગીતો ગાવાથી પર નથી આવી રહ્યા અને આ માનસિકતા તમને ત્યાં જ રહેવા દેશે અને એ પણ અટલજીએ કહ્યું છે તે જ સચ્ચાઈ છે કે તમે નાના મનથી કોઈ મોટું નથી થતું, અટલજીએ કહ્યું કે ‘छोटे मन से कोई बड़ा नहीं होता और टूटे मन से कोई खड़ा नहीं होता’ અને એટલા માટે તમે ત્યાં જ રહી જશો, ત્યાં જ ગુજારો કરવાનો છે તમારે.
હું જરા પૂછવા માંગું છું કે આ બધા અમારા જમાનાનાં, અમારા જમાનાનાં ગીતો ગાતા રહે છે. 80ના દશકમાં આપણા દેશમાં આવી ગુંજ સંભળાઈ રહી હતી, 21મી સદી આવી રહી છે, 21મી સદી આવી રહી છે, 21મી સદી આવી રહી છે. અને તે સમયે આ કોંગ્રેસનાં નેતા દરેકને 21મી સદીની એક ચિઠ્ઠી બતાવતા હતા. નવયુવાન નેતાઓ હતા, નવા નવા આવ્યા હતા, પોતાનાં નાના કરતા પણ વધુ બેઠકો જીતીને આવ્યા હતા અને દેશની જનતા 21મી સદી.. 21મી સદી અને મેં તે સમયે એક કાર્ટુન જોયું હતું, ખુબ જ રસપ્રદ કાર્ટુન હતું તે કે રેલવેની પાસે પ્લેટફોર્મ પર એક નવયુવાન ઉભો છે અને સામેથી એક ટ્રેન આવી રહી છે. ટ્રેન પર લખેલું હતું 21મી શતાબ્દી અને આ નવયુવાન તે તરફ દોડી રહ્યો હતો. એક વડીલે કહ્યું અહિયાં જ ઉભો રહે એ તો આવવાની જ છે, તારે કંઈ કરવાની જરૂર નથી. 80ના દાયકામાં 21મી સદીનાં સપના બતાવવામાં આવતા હતા. દર વખતે 21મી સદીનાં ભાષણો સંભળાવવામાં આવતા હતા અને 21મી સદીની વાતો કરનારી સરકાર આ દેશમાં એક ઉડ્ડયન નીતિ પણ ન લાવી શકી. જો 21મી સદીમાં ઉડ્ડયન નીતિ નહિં હોય, તો તે કેવી 21મી સદીનું તમે વિચાર્યું હતું? બળદગાડાવાળી? આવી જ રીતે તમે ચાલો છો.
ભાઈઓ બહેનો, અધ્યક્ષ મહોદયા, એક ઉડ્ડયન નીતિ અમે બનાવી અને આજે નાના નાના શહેરોમાં જે નાની નાની હવાઈ પટ્ટીઓ પડેલી હતી, તેનો અમે ઉપયોગ કર્યો અને 16 નવી હવાઈ પટ્ટીઓ જ્યાં વિમાન આવવા જવાનું શરૂ થઇ ગયું છે. 80થી વધુ ઉડ્ડયનો માટે સંભાવનાઓ પડેલી છે, તેનાં પર અમે કાર્ય કરી રહ્યા છીએ. બીજી શ્રેણી, ત્રીજી શ્રેણીનાં આ શહેરોમાં વિમાનો ઉડવાના છે અને આજે દેશમાં, એ સાંભળીને તકલીફ થશે, આજે દેશમાં લગભગ-લગભગ સાડા ચારસો વિમાનો, હવાઈ જહાજો કાર્યરત છે. લગભગ લગભગ સાડા ચારસો. તમને જાણીને ખુશી થશે કે અમારી આ પહેલનું પરિણામ છે કે આ વર્ષે નવસોથી વધુ નવા વિમાનો ખરીદવાનાં ઓર્ડર ભારતમાંથી ગયા છે અને એટલા માટે હું માનું છું અને આ સફળતા એટલા માટે નથી મળી કે માત્ર અમે નિર્ણયો લઈએ છીએ. અમે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરીએ છીએ, અમે મોનીટરીંગ કરીએ છીએ. અને રોડના કામને પણ અને રેલના કામને પણ અમે ડ્રોનથી જોઈ રહ્યા છીએ. અમે સેટેલાઈટ ટેકનોલોજી દ્વારા અમે ટેગિંગ કરી રહ્યા છીએ. એટલું જ નહિં જો શૌચાલય બને તો મોબાઇલ ફોન પર તેનો ફોટો ટેગ કરવામાં આવે છે અને આ રીતે દરેક વસ્તુને સેટેલાઈટની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધારવાનું કામ અમે કર્યું છે અને તેના કારણે દેખરેખનાં કામમાં પણ ગતિ આવી છે. દેખરેખનાં કારણે પારદર્શકતાને પણ તાકાત મળી છે.
હું હેરાન છુ, જો આધાર, મને આધાર બરાબર યાદ છે, જયારે અમે ચૂંટણી જીતીને આવ્યા. તમારા તરફથી જ આશંકાઓ ઉત્પન્ન કરવામાં આવી હતી કે મોદી આધારને ખતમ કરી નાખશે. આ અમારી યોજના છે, મોદી તેને પછાડી દેશે, મોદી આધારને આવવા નહિં દે. તમે એવું માનીને ચાલ્યા હતા અને એટલા માટે તમે મોદી પર હુમલો કરવા માટે આધારનો એટલા માટે ઉપયોગ કર્યો હતો કે મોદી લાવશે જ નહિં. પરંતુ જયારે મોદીએ તેને વૈજ્ઞાનિક પદ્ધતિએ લાવી અને તેનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવાનાં રસ્તાઓ શોધ્યા કે જે તમારી કલ્પનામાં પણ નહોતા અને જયારે આધાર લાગુ થઇ ગયો, સારી રીતે લાગુ થઇ ગયો. ગરીબમાં ગરીબ વ્યક્તિને સારી રીતે તેનો લાભ મળવા લાગ્યો, તો તમને આધારનું અમલીકરણ ખરાબ લાગવા લાગ્યું. ચટ પણ મારી ને પટ પણ મારી. એવી રમત ચાલે છે કે શું? અને એટલા માટે આજે 115 કરોડથી વધુ આધાર બની ચુક્યા છે. કેન્દ્ર સરકારની અંદાજે ચારસો યોજનાઓ સીધા લાભ હસ્તાંતરણ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) થી ગરીબોના ખાતામાં સીધા પૈસા જમા થવા લાગ્યા છે. 57 હજાર કરોડ રૂપિયા, અરે તમે તો એવી એવી વિધવાઓને પેન્શન આપ્યું છે, જે દીકરીનો જન્મ પણ નથી થયો તે કાગળ પર વિધવા થઇ જય છે. વર્ષો સુધી પેન્શન જાય છે, પૈસા જાય છે અને મલાઈ ખાનારા વચેટીયાઓ મલાઈ ખાય છે. વિધવાનાં નામ પર, વડિલોનાં નામ પર, દીવ્યાંગોનાં નામ પર, સરકારી ખજાનામાંથી નીકળેલા પૈસા વચેટીયાઓનાં ખિસ્સામાં ગયા છે અને રાજનીતિ ચાલતી રહે છે. આજે આધારનાં કારણે સીધા લાભ હસ્તાંતરણથી તમે દુઃખી છો એવું નથી. તમારા દુઃખનું કારણ છે આ જે વચેટીયાઓની ચાલ હતી, તે વચેટીયાઓની ચાલ ખતમ થઇ છે અને એટલા માટે જે રોજગાર ગયો છે તે વચેટિયાઓનો ગયો છે. જે રોજગાર ગયો છે તે બેઈમાનીનો ગયો છે, જે રોજગાર ગયો છે તે દેશને લુંટનારાઓનો ગયો છે.
અધ્યક્ષ મહોદયા, ચાર કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મફત વીજળીનાં જોડાણો આપવાનું સૌભાગ્ય અમે લાવ્યા છીએ. તમે કહેશો કે લોકોનાં ઘરોમાં વીજળી આપવાની યોજના અમારા સમયમાં થઇ હતી. થઇ હશે, પણ શું વીજળી હતી? શું ટ્રાન્સમિશન લાઈનો હતી? અરે 18 હજાર ગામડાઓમાં તો થાંભલા પણ નહોતા લાગેલા. 18મી સદીમાં જીવવા માટે તે મજબુર બન્યા હતા અને આજે તમે એવું કહી રહ્યા છો કે અમારી યોજના હતી અને અમે કોઈપણ વિકાસ માટે ટુકડાઓમાં નથી જોતા. અમે એક સમગ્રતયા સંકલિત પહોંચ અને દૂરદ્રષ્ટિ સાથે અને દુરોગામી પરિણામ આપનારી યોજનાની સાથે અમે વસ્તુઓને આગળ કરીએ છીએ. માત્ર વીજળીનો વિષય હું જણાવવા માંગું છું. તમને ખબર પડશે કે સરકારની કામ કરવાની રીત કઈ છે. અમે કઈ રીતે કામ કરીએ છીએ. વીજળીની વ્યવસ્થા સુધારવા માટે ચાર કરોડ ઘરોમાં, દેશમાં કુલ ઘર છે 25 કરોડ, ચાર કરોડ ઘરોમાં આજે પણ વીજળી ના હોવી એનો અર્થ છે લગભગ લગભગ 20 ટકા લોકો આજે પણ અંધારામાં જિંદગી ગુજારી રહ્યા છે. આ ગર્વ કરવા જેવો વિષય નથી. અને તમે આ વસ્તુ અમને વિરાસતમાં આપી છે, જેને પૂરી કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ કઈ રીતે કરી રહ્યા છીએ. અમે વીજળી વ્યવસ્થા સુધારવા માટે ચાર અલગ અલગ તબક્કાઓમાં અમે વસ્તુઓને સ્પર્શી રહ્યા છીએ. એક વીજળી ઉત્પાદન, પ્રોડકશન, ટ્રાન્સમિશન, વહેંચણી અને ચોથું આવે છે જોડાણ. અને આ બધી જ વસ્તુઓ અમે એકસાથે આગળ વધારી રહ્યા છીએ. સૌથી પહેલા અમે વીજળીનું ઉત્પાદન વધારવા પર ભાર મુક્યો. સૌર ઉર્જા હોય, હાઇડ્રો ઉર્જા હોય, થર્મલ હોય, ન્યુક્લિયર હોય, જે પણ ક્ષેત્રમાંથી વીજળી આવી શકે તેમ હોય તેની પર અમે ભાર મુક્યો અને વીજળીનું ઉત્પાદન વધાર્યું. ટ્રાન્સમિશન નેટવર્કમાં અમે ઝડપી ગતિએ વૃદ્ધિ કરી. પાછલા ત્રણ વર્ષોમાં દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. આ પાછલી સરકારનાં છેલ્લા ત્રણ વર્ષોની સરખામણીએ 83 ટકા વધુ છે. અમે સ્વતંત્રતા પછી દેશમાં કુલ સ્થાપિત ટ્રાન્સમિશન લાઈન તેમાં 2014 પછી 31 ટકા એટલે કે આઝાદી પછી જે હતી તેમાં 31 ટકા અમે એકલા એ આવીને વધારો કર્યો. ટ્રાન્સફોર્મર ક્ષમતા પાછલા ત્રણ વર્ષોમાં 49 ટકા અમે વધારી છે. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કામરો, નિરંતરપણે અવરોધ વિના વીજળીને ટ્રાન્સમિશન કરવા અંતે બધા જ નેટવર્કનું કામ અમે ઉભું કરી નાખ્યું. ઉર્જા વહેંચણી પદ્ધતિ મજબુત કરવા માટે 2015માં ઉજ્જવળ ડિસ્કોમ વીમા યોજના એટલે કે ઉદય યોજના અને રાજ્યોને સાથે લઈને એમઓયુ કરીને આગળ વધારી છે. વીજળી વિતરક કંપનીઓમાં વધુ સારૂ ઓપરેશન અને નાણાકીય વ્યવસ્થાપન સ્થાપિત થાય, તેના પર અમે ભાર મુક્યો છે. ત્યાર પછી જોડાણો માટે વીજળી પહોંચાડવા માટે સૌભાગ્ય યોજના શરૂ કરી છે. એક બાજુ વીજળી પહોંચાડવાની, બીજી તરફ વીજળી બચાવવાની, અમે 28 કરોડ એલઈડી બલ્બ વહેંચ્યા છે. મધ્યમ વર્ગનો પરિવાર કે જે ઘરમાં વીજળીનો ઉપયોગ કરે છે. 28 કરોડ વીજળીનાં બલ્બ પહોંચવાને કારણે 15 હજાર કરોડ રૂપિયા વીજળીનું બીલ બચ્યું છે, જે મધ્યમ વર્ગના પરિવારનાં ખિસ્સામાં બચ્યું છે. દેશનાં મધ્યમ વર્ગને લાભ થયો છે. અમે સમયનો વ્યય પણ બચાવ્યો છે, અમે નાણાનાં વ્યયને પણ બચાવવા માટે ઈમાનદારીથી પ્રયાસ કર્યો છે.
અધ્યક્ષ મહોદયા, અહિયાં આગળ ખેડૂતોનાં નામે રાજનીતિ કરવાના ભરપુર પ્રયાસો ચાલી રહ્યા છે અને તેમને પણ મદદ કરનારા લોકો મળી રહે છે. એ સચ્ચાઈ છે કે આઝાદીના 70 વર્ષ પછી પણ આપણા ખેડૂતો જે ઉત્પાદન કરે છે લગભગ-લગભગ એક લાખ કરોડ રૂપિયાની આ જે ઉત્પાદિત વસ્તુઓ છે, ફળ હોય, ફૂલ હોય, શાકભાજી હોય, અનાજ હોય, આ ખેતરમાંથી લઈને સ્ટોર સુધી અને બજાર સુધી જે પુરવઠા શ્રુંખલા જોઈએ તેની ખોટના કારણે તે સંપત્તિ બરબાદ થઇ જાય છે. અમે પ્રધાનમંત્રી ખેડૂત સંપદા યોજના શરૂ કરી અને અમે તે માળખાગત બાંધકામ પર ભાર મૂકી રહ્યા છીએ કે ખેડૂત જે પણ ઉત્પાદન કરે છે તેને સાર સંભાળ કરવાની વ્યવસ્થા મળે, ઓછા ખર્ચમાં મળે અને તેનો પાક બરબાદ ન થાય, તેની બાહેંધરી તૈયાર છે.
સરકારે પુરવઠા માળખામાં નવા બાંધકામને તૈયાર કરવામાં મદદ કરવાનો નિર્ણય લીધો છે. અને તેના પછી જે એક લાખ કરોડ વધશે તે દેશનાં ખેડૂતોને ખાદ્યાન્ન પ્રક્રિયામાં લાગેલા મધ્યમ વર્ગનાં નવયુવાનોને ગામમાં જ કૃષિ આધારિત ઉદ્યોગો માટે અવસરની સંભાવનાઓ ઉત્પન્ન થઇ છે. આપણા દેશમાં જેટલું કૃષિનું મહત્વ છે તેટલું જ પશુ પાલનનું, તે એકબીજા સાથે જોડાયેલા છે. આપણા દેશમાં પશુ પાલન ક્ષેત્રમાં જરૂરી વ્યવસ્થાનાં અભાવમાં વાર્ષિક 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. અમે પશુઓની ચિંતા કરવી કામધેનું યોજના દ્વારા આ પશુઓની સારસંભાળની ચિંતા કરવા માટે તેમના આરોગ્યની ચિંતા કરવા માટે એક મોટુ મહત્વનું કાર્ય શરૂ કર્યું છે અને તેના કારણે કામધેનું યોજનાનો લાભ દેશના પશુ પાલનને અને જે ખેડૂત પશુ પાલન કરે છે તેમને એક બહુ મોટી રાહત મળવાની છે. અમે 2022માં આવક બમણી કરવાની વાત કરીએ છીએ. 80માં 21મી સદીની વાત કરવી એ તો મંજુર હતી પણ મોદી જો આજે 2018માં આઝાદીના 75 વર્ષ પુરા કરનારા 2022ને યાદ કરે તો તમને તકલીફ પડે છે. કે મોદી 22ની વાત કેમ કરે છે. તમે 80માં 21મી સદીના ગીતો ગાતા હતા. દેશને દેખાડતા રહેતા હતા. અને જયારે મારી સરકાર નિર્ધારિત કામની સાથે 2022 આઝાદીનાં 75 વર્ષ એક ઇન્સ્પીરેશન, એક પ્રેરણા તેને લઈને જો કામ કરી રહી છે. તો તમને તેની પણ તકલીફ થઇ રહી છે અને ખેડૂતોની આવક બમણી કરવી. તમે શંકાઓમાં એટલા માટે જીવો છો કારણ કે તમે ક્યારેય મોટું વિચાર્યું જ નથી, નાના મનથી કઈ થતું જ નથી. ખેડૂતની આવક બમણી કરવી છે, શું તમે તેના ખર્ચમાં ઘટાડો ન કરી શકો? સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા તે શક્ય બન્યું છે, સોલર પંપ દ્વારા તે શક્ય બન્યું છે. યુરીયા નીમ કોટિંગના લીધે તે શક્ય બન્યું. આ બધી વસ્તુઓ ખેડૂતની પડતર કિંમત ઓછી કરવા માટે કામમાં આવનારી વસ્તુઓ છે, આવી અનેક વસ્તુઓને અમે આગળ વધારી છે. તે જ રીતે ખેડૂતને તેના ખેતીનાં વ્યવસાયની સાથે અમે વાંસનો નિર્ણય લીધો. જો તે પોતાનાં ખેતરનાં કિનારા પર વાંસ લગાવશે અને આજે તે વાંસનું ખાતરીપૂર્વકનું બજાર ઉપલબ્ધ છે. આજે દેશ હજારો કરોડો રૂપિયાના વાંસની આયાત કરે છે. તમારી એક ખોટી નીતિના કારણે. શું તમે વાંસને વૃક્ષ કહી દીધુ, ઝાડ કહી દીધું અને તેના કારણે કોઈ વાંસ કાપી નહોતું શકતું. મારા ઉત્તર પૂર્વના લોકો પરેશાન થઇ ગયા હતા. અમારામાં હિમ્મત છે કે, અમે વાંસને ઘાસની શ્રેણીમાં લાવીને મૂકી દીધું. તે ખેડૂતની આવક વધારશે. પોતાનાં ખેતરનાં શેઢા પર જો તે વાંસ ઉગાડે છે, તો તેની છાંયડાનાં કારણે ખેડૂતને તકલીફ પડતી નથી. તેની વધારાની આવક પણ વધશે. અમે દૂધના ઉત્પાદનને વધારવા માંગીએ છીએ. પશુ દીઠ આપણે ત્યાં દૂધનું ઉત્પાદન થાય છે. તેને વધારી શકાય તેમ છે. અમે મધમાખી ઉછેર પર જોર આપવા માંગીએ છીએ. તમને નવાઈ લાગશે મધમાખી ઉછેરમાં લગભગ લગભગ 40 ટકાનો વધારો થયો છે. મધ નિકાસ કરવામાં લાગેલા અને ઘણા ઓછા લોકોને ખબર હશે. આજે દુનિયા સમગ્રતયા આરોગ્ય સંભાળ, જીવન જીવવાની સરળતા તેની પર ભાર મૂકી રહી છે અને એટલા માટે તેને કેમિકલ વેક્સથી બચીને બી વેક્સ જોઇએ છે, આજે આખી દુનિયામાં બી વેક્સનું ઘણું મોટું બજાર ઉપલબ્ધ છે અને આપણો ખેડૂત ખેતીની સાથે મધમાખીનો ઉછેર કરશે તો બી વેક્સના કારણે તેને એક ઉત્તમ પ્રકારની આવકમાં પણ વધારો થશે. અમે એ પણ જાણીએ છીએ કે મધમાખી પાકને ઉગાડવામાં પણ એક નવી તાકાત આપે છે. અનેક એવા ક્ષેત્રો છે અને આ બધા જ કામ દૂધ ઉત્પાદન, મરઘા ઉછેર કેન્દ્રો, મત્સ્ય ઉદ્યોગ હોય, વાંસ હોય આ બધી વસ્તુઓ મુલ્ય વર્ધન કરે છે. જે ખેડૂતની આવકને બમણી કરે છે. અમે જાણીએ છીએ કે જે લોકો વિચારતા હતા કે આધાર ક્યારેય આવશે જ નહિં, આવી ગયું, તેમને એ પણ તકલીફ હતી કે જીએસટી નહિં આવે, અને અમે સરકારને ડૂબાડતા રહીશું. હવે જીએસટી આવી ગયું, આવી ગયું તો શું કરી શકીએ, તો નવી રમત રમો, આવી રમતો ચાલી રહી છે. કોઈપણ દેશની રાજનૈતિક નેતાગીરી દેશને નિરાશ કરવાનું કામ ક્યારેય નથી કરતી. પરંતુ કેટલાક લોકોએ આ કામનો રસ્તો અપનાવ્યો છે. આજે માત્ર જીએસટીનાં કારણે લોજીસ્ટીક્સમાં જે ફાયદો થયો છે. આપણી ટ્રકો પહેલા જેટલો સમય લાગતો હતો તેનો સમય ટ્રફિક જામના કારણે, ટોલ ટેક્સના કારણે. આજે તેનો આ સમયનો વ્યય બચી ગયો અને અમારી પારદર્શકતાની ક્ષમતાને 60 ટકા ડીલીવરીની નવી તાકાત મળી છે. જે કામ પાંચ છ દિવસોમાં એક ટ્રક જઈને કરતી હતી. તે આજે અઢી ત્રણ દિવસમાં પૂરૂ કરી રહ્યા છે. આ દેશને ઘણો મોટો ફાયદો થઇ રહ્યો છે. આપણા દેશનાં મધ્યમ વર્ગની ભારતને આગળ લઇ જવામાં તેની બહુ મોટી ભૂમિકા છે. મધ્યમ વર્ગને નિરાશ કરવા માટે ભ્રમ ફેલાવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. આપણા દેશનો મધ્યમ વર્ગનો વ્યક્તિ સુશાસન ઈચ્છે છે. શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઈચ્છે છે. જો તે રેલવેની ટીકીટ ખરીદે તો રેલવેમાં તેના હકની સુવિધાઓ ઈચ્છે છે. જો તે કોલેજમાં બાળકને ભણવા મોકલે તો તેનું સારૂ શિક્ષણ ઈચ્છે છે. બાળકોને શાળાએ મોકલે તો શાળાઓમાં સારૂ શિક્ષણ ઈચ્છે છે. તે ખાવાનું ખરીદવા જાય તો અન્નની ગુણવત્તા સારી મળે એવું મધ્યમ વર્ગનો વ્યક્તિ ઈચ્છે છે અને સરકારનું એ કામ છે કે, શિક્ષણ માટેનાં શ્રેષ્ઠ સંસ્થાનો હોય, યોગ્ય કિંમત પર તેને ઘર મળે, સારા રસ્તાઓ મળે, વાહન-વ્યવહારની સારી સુવિધાઓ મળે, આધુનિક શહેરી બાંધકામ હોય, મધ્યમ વર્ગની આશા આકાંક્ષાઓને પૂરી કરવા માટે જીવન જીવવાની સરળતા માટે આ સરકાર દોઢ વર્ષથી પગલાઓ લઇ રહી છે. અને આ સાંભળીને તો તમે આશ્ચર્યચકિત થઇ જશો, પ્રારંભિક સ્તરનો આવક વેરોની 05 ટકા, દુનિયામાં સૌથી ઓછો જો ક્યાય હોય તો એ ભારતમાં, હિન્દુસ્તાનમાં છે. જે ગરીબોને માટે કોઈ સમૃદ્ધ દેશમાં પણ નથી, તે આપણે ત્યાં છે. 2000નાં પહેલા બજેટમાં ટેક્સ છૂટની મર્યાદા પચાસ હજાર રૂપિયા વધારીને અઢી લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. આ વર્ષે બજેટમાં ચાલીસ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડીડકશન અમે મંજુર કરી દીધું છે. વરિષ્ઠ નાગરિકોને કરવેરામાં છૂટની પણ જોગવાઈ કરવામાં આવી છે. મધ્યમ વર્ગને અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક નવો ફાયદો કરતુ આ કામ અમારી સરકારે કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 31 હજાર કરોડથી પણ વધુ ખર્ચ અમે કર્યો છે. વ્યાજમાં પહેલીવાર આ દેશમાં મધ્યમ વર્ગનાં લોકોને વ્યાજમાં રાહત આપવાનું કામ આ સરકારે કર્યું છે. નવા એઇમ્સ, નવી આઈઆઈટી, નવા આઈઆઈએમ, 11 મોટા શહેરોમાં મેટ્રો, 32 લાખથી પણ વધુ સ્ટ્રીટ લાઈટ્સ એલઇડી કરી દેવામાં આવી છે અને એટલા માટે નવા ઉદ્યમો એમએસએમઈ, તેને કોઈ નકારી નથી શકતું. એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ છે. અઢીસો કરોડનાં ટર્નઓવર પર અમે ટેક્સનો દર 30 ટકાથી પણ ઓછો કરીને 25 ટકા કરીને મધ્યમ વર્ગનાં સમાજની ઘણી મોટી સેવા કરી છે, 5 ટકાની છૂટ આપી છે. 2 કરોડ રૂપિયા સુધીનાં વ્યવહારો કરનારા તમામ વેપારીઓને માત્ર બેન્કિંગ ચેનલનાં માધ્યમથી લેવડદેવડ કરે છે તો સરકાર તેમની આવકને ટર્નઓવરનાં 8 ટકા નહી 6 ટકા માંગે છે. એટલે કે તેમને ટેક્સ પર 2 ટકાનો લાભ થાય છે. જીએસટીમાં દોઢ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા વ્યવસાયને કોમ્પોઝીશન સ્કીમ આપી છે અને ટર્નઓવરનું માત્ર એક ટકા ચુકવણી એ પણ વિશ્વમાં સૌથી ઓછું કરનારી હિન્દુસ્તાનમાં આ સરકાર જ છે.
માનનીય અધ્યક્ષ મહોદયા, જનધન યોજના 31 કરોડથી વધુ ગરીબોનાં બેંક ખાતા ખોલાવવા, 18 કરોડથી વધુ ગરીબોને સ્વાસ્થ્ય સુરક્ષાની વીમા યોજનાનો લાભ મળે, 90 પૈસા પ્રતિદિન અને એક રૂપિયો મહીને આટલી સારી યોજના વાળો વીમો અમે દેશને, ગરીબોને આપ્યો છે અને તમને એ જાણીને સંતોષ થશે કે આટલા ઓછા સમયમાં એવા ગરીબ પરિવારો પર આફત આવી તો વિમા યોજનાના કારણે આવા પરિવારોને બે હજાર કરોડ રૂપિયા તેમના ઘરમાં પહોંચી ગયા, આ અસાધારણ કામ થયું છે.
ઉજ્જવલા યોજના અંતર્ગત ત્રણ કરોડ ત્રીસ લાખ માં-બહેનોને, ગરીબ માં-બહેનો, અરે ગેસના જોડાણ માટે આ સંસદસભ્યોનાં કુર્તાઓ પકડીને ચાલવું પડતું હતું. અમે સામે ચાલીને જઈને આ ગેસના જોડાણો આપી રહ્યા છીએ અને હવે અમે તે સંખ્યા 8 કરોડ કરવાનો નિર્ણય લીધો છે.
આયુષ્માન ભારત યોજના, મને નવાઈ લાગે છે કે શું દેશનાં ગરીબોને સ્વાસ્થ્ય સુવિધા મળવી જોઈએ કે ન મળવી જોઈએ? ગરીબ પૈસાના અભાવમાં સારવાર કરાવવા માટે નથી જતો, તે મૃત્યુને પસંદ કરી લે છે. પરંતુ બાળકો માટે તે દેવું છોડીને જવા નથી માંગતો. શું આવા ગરીબ નિમ્ન વર્ગનાં પરિવારોની રક્ષા કરવાનો નિર્ણય ખોટો હોઈ શકે છે ખરો? હા, તમને લાગે છે કે આ યોજનામાં કોઈ પરિવર્તન કરવું છે તો સારા હકારાત્મક સુધારા લઈને આવો. હું પોતે ટાઈમ આપવા માટે તૈયાર છું. જેથી કરીને દેશનાં ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીનો વાર્ષિક ખર્ચ કરીને તેને કામમાં આવે સરકાર, પરંતુ તમે તેના માટે પણ આ પ્રકારની દલીલબાજીઓ કરી રહ્યા છો. સારી યોજના છે, જરૂરથી મને સૂચનો આપો, આપણે સાથે મળીને બેસીને નક્કી કરીશું, નિર્ણય લઈશું.
અધ્યક્ષ મહોદયાજી, અમારી સરકારે જે પગલાઓ લીધા છે, તેટલા જ સરકારે સમાજનાં વિચારોમાં પરિવર્તન માટે પ્રયાસો કર્યાં છે. જનધન યોજનાએ ગરીબનો આત્મવિશ્વાસ વધાર્યો છે. બેંકમાં પૈસા જમા કરી રહ્યા છે, રૂપે ડેબીટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે, તે પણ પોતાની જાતને સમૃદ્ધ પરિવારોની બરાબરીમાં જોવા લાગ્યા છે. સ્વચ્છ ભારત મિશને મહિલાઓની અંદર એક જબરદસ્ત આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવાનું કામ કર્યું છે. અનેક પ્રકારની પીડાઓથી તેને મુક્તિ અપાવવાનું કારણ બન્યું છે. ઉજ્જવલા યોજના ગરીબ માતાઓને ધુમાડાથી મુક્તિ અપાવનારા કામ તરીકે ઓળખાઈ. અગાઉ આપણો શ્રમિક સારી નોકરી મેળવવા માટે જૂની નોકરી છોડવાની હિમ્મત નહોતો કરતો કારણ કે જુના પૈસા ડૂબી જશે. અમે તેમના દાવો ન કરાયેલા 27 હજાર કરોડ રૂપિયા યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપીને તેમના સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને આગળ ગરીબ મજુરો જ્યાં જશે, તેમનું બેંક ખાતું પણ સાથે રહેશે. એ કામ અમે કર્યું છે. ભ્રષ્ટાચાર અને કાળું નાણું, હજુ પણ તમને રાત્રે ઊંઘ નથી આવતી, હું જાણું છું તમારી બેચેની, ભ્રષ્ટાચારનાં લીધે જમાનત પર જીવવાવાળા લોકો ભ્રષ્ટાચારનાં કાર્યોથી બચવાના નથી, કોઈપણ બચવાનું નથી. પહેલીવાર દેશમાં એવું થયું છે, ચાર ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ ભારતની ન્યાયપાલિકાએ તેમને દોષિત જાહેર કરી દીધા છે અને જેલમાં જિંદગી ગુજારવા માટે લાચાર બન્યા છે, આ અમારી પ્રતિબદ્ધતા છે. દેશને જેમણે લુંટ્યો છે તેમણે દેશને પાછું આપવું પડશે અને આ કામમાં હું ક્યારેય પાછો નથી પડવાનો. હું લડનારો માણસ છું, એટલા માટે દેશમાં આજે એક ઈમાનદારીનો માહોલ બની રહ્યો છે. એક ઈમાનદારીનો ઉત્સવ છે. ઘણા લોકો આજે આગળ આવી રહ્યા છે, આવક વેરો આપવા માટે આગળ આવી રહ્યા છે. તેમને ભરોસો છે શાસનની પાસે ખજાનામાં જે પૈસા જશે, પાઈ પાઈનો હિસાબ મળશે, સાચો ઉપયોગ થશે. આ કામ થઇ રહ્યું છે.
આજે હું એક વિષયને જરા વિસ્તારથી કહેવા માંગું છું. કેટલાક લોકો માટે ખોટું બોલવું, જોરથી બોલવું, વારં-વાર ખોટું બોલવું, એ એક ફેશન બની ગઈ છે. આપણા નાણામંત્રીએ વારં-વાર આ વાતને કહી છે તેમ છતાં તેમની મદદ કરવાની ઈચ્છા રાખનારા લોકો સત્યને દબાવી દે છે અને જુઠ્ઠું બોલનારા લોકો ચાર રસ્તા પર ઉભા રહીને મોટે મોટેથી જુઠ્ઠું બોલતા રહે છે અને તે મુદ્દો છે એનપીએનો. હું આ સદનના માધ્યમથી, અધ્યક્ષ મહોદયા, તમારા માધ્યમથી આજે દેશને પણ કહેવા માંગું છું કે, આખરે એનપીએનો મુદ્દો છે શું? દેશને પણ ખબર પડવી જોઈએ કે એનપીએ પાછળ આ જૂની સરકારનાં કારોબાર છે અને સો ટકા જૂની સરકાર તેની માટે જવાબદાર છે, એક ટકો પણ કોઈ બીજું નથી. તમે જુઓ તેમણે એવી બેંકિગ નીતિઓ બનાવી કે જેમાં બેંકો પર દબાણ નાખવામાં આવ્યા, ટેલીફોન જતા હતા અને પોતાના માનીતા લોકોને લોન મળી જતી હતી. તેઓ લોનના પૈસા નહોતા આપી શકતા. બેંક, નેતા, સરકાર, વચેટીયાઓ મળીને તેનું પુનર્ગઠન કરતા હતા. બેંકથી ગયેલા પૈસા ક્યારેય બેંકમાં આવતા નહોતા. કાગળ પર આવતા જતા, આવન-જાવન ચાલી રહી હતી અને દેશ, દેશ લુંટાઈ રહ્યો હતો. તેમણે અબજો રૂપિયા આપી દીધા. અમે પછીથી આવીને, તુરંત જ અમારા ધ્યાનમાં આ વિષય આવ્યો, જો મારે રાજનીતિ જ કરવી હોત તો હું પહેલા જ દિવસથી દેશની સામે તે તથ્યો મૂકી દેત, પરંતુ આવા સમયે બેંકોની દુર્દશાની વાત દેશનાં અર્થતંત્રને બરબાદ કરી નાખનારી હતી. દેશમાં એક એવા સંકટનો માહોલ ઉભો થઇ ગયો હોત કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ પડે અને એટલા માટે તમારા પાપોને જાણવા છતા, સાબિતીઓ હોવા છતાં પણ મેં મૌન જાળવ્યું, મારા દેશની ભલાઈ માટે. તમારા આરોપોને હું સહન કરતો રહ્યો, દેશની ભલાઈ માટે, પરંતુ હવે બેંકોને અમે જરૂરી તાકાત આપી છે. હવે સમય આવી ગયો છે કે, દેશની સામે સત્ય આવવું જોઈએ. આ એનપીએ તમારૂ પાપ હતું અને હું આ બાબત આજે આ પવિત્ર સદનમાં ઉભો રહીને બોલી રહ્યો છું. હું લોકતંત્રના મંદિરમાં ઉભો રહીને કહી રહ્યો છું. અમારી સરકાર આવ્યા પછી અમે એકપણ એવી લોન નથી આપી જેને એનપીએની સ્થિતિ આવી હોય અને તમે છુપાવ્યું, તમે શું કર્યું, તમે આંકડાઓ ખોટા આપ્યા, જ્યાં સુધી તમે હતા, તમે કહ્યું એનપીએ 36 ટકા છે. અમે જયારે જોયું અને 2014માં અમે કહ્યું કે ભાઈ ખોટુ નહિં ચાલે, શોધો, જે હશે તે જોયું જશે અને જયારે બધા જ કાગળિયાં શોધવાનું શરૂ કર્યું તો તમે જે દેશને કહ્યું હતું તે ખોટો આંકડો હતો. 82 ટકા એનપીએ હતો, 82 ટકા. માર્ચ 2008માં બેંકો દ્વારા આપવામાં આવેલ કુલ એડવાન્સ 18 લાખ કરોડ રૂપિયા અને, છ વર્ષમાં તમે જુઓ શું હાલત થઇ ગઈ, 8માં 18 લાખ કરોડ અને તમે જ્યાં સુધી માર્ચ 2000 સુધી બેઠા હતા, તે 18 લાખ કરોડ પહોંચી ગયો 52 લાખ કરોડ રૂપિયા સુધી, જે દેશના ગરીબના પૈસા તમે લુંટ્યા હતા. અને સતત અમે પૂનર્ગઠન કરતા રહ્યા કાગળિયાં પર, હા લોન પાછી આવી ગઈ, લોન આપી દીધી. તમે આમ જ તેમને બચાવતા રહ્યા કારણ કે વચ્ચે વચેટીયાઓ હતા, કારણ કે તે તમારા માનીતાઓ હતા, કારણ કે તમારૂ પણ તેમાં કોઈ ન કોઈ હિત છુપાયેલું હતું અને એટલા માટે તમે આ કામ કર્યું હતુ અમે એ નક્કી કર્યું કે, જે પણ તકલીફ આવશે તે સહન કરીશું, પરંતુ સાફ સફાઈ અને મારૂ સ્વચ્છતા અભિયાન માત્ર ચાર રસ્તા સુધીનું નથી. મારૂ સ્વચ્છતા અભિયાન આ દેશના નાગરિકોના હક માટે આ આચાર-વિચારમાં પણ છે અને એટલા માટે અમે આ કામ કર્યું છે.
અમે યોજના બનાવી, ચાર વર્ષ કામ કરતા રહ્યા. અમે પૂનઃમૂડીકરણ પર કામ કર્યું છે. અમે દુનિયા બહારનાં અનુભવો પર અભ્યાસ કર્યો છે અને દેશના બેંકિગ ક્ષેત્રને પણ તાકાત આપી છે. તાકાત આપ્યા બાદ આજે હું પહેલીવાર ચાર વર્ષ તમારા જુઠ્ઠાણાને સહન કરતો રહ્યો. આજે હું દેશની સામે પહેલીવાર એ જાણકારી આપવા જઇ રહ્યો છું. 18 લાખ કરોડ રૂપિયાથી 52 લાખ કરોડ લુંટાવી દીધા તમે અને આજે જે પૈસા વધી રહ્યા છે તે અગાઉના સમયનાં તમારા પાપનું વ્યાજ છે. આ અમારી સરકારે આપેલા પૈસા નથી. આ જે આંકડો બદલ્યો છે, તે 52 લાખ કરોડ પર વ્યાજ જે લાગી રહ્યું છે તેનો છે અને દેશ ક્યારેય પણ આ પાપ માટે તમને માફ નહિં કરે અને ક્યારેક ને ક્યારેક તો આ વસ્તુઓ આનો હિસાબ દેશને તમારે આપવો જ પડશે.
હું જોઈ રહ્યો છું હીટ અને રનવાળી રાજનીતિ ચાલી રહી છે, કીચડ ફેંકો અને ભાગી જાવ, જેટલો વધારે કીચડ ઉછાળશો કમળ એટલુ જ વધારે ખીલવાનું છે, હજુ વધારે ઉછાળો, જેટલું ઉછાળવું હોય તેટલું ઉછાળો અને એટલા માટે હું જરા કહેવા માંગું છું હવે આમાં હું કોઈ આરોપ મુકવા નથી માંગતો પણ દેશ નક્કી કરશે કે શું છે? તમે કતાર પાસેથી ગેસ મેળવવાનો 20 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો અને જે નામથી ગેસનો કોન્ટ્રાક્ટ કરેલો હતો, અમે આવીને કતાર સાથે વાત કરી, અમે અમારો મત રજુ કર્યો, ભારત સરકાર બંધાયેલી હતી, તમે જે સોદો કરીને આવ્યા હતા તેને અમારે નિભાવવો પડે તેમ હતો, કારણ કે દેશની સરકારની પણ પોતાની એક મજબૂરી હોય છે. પરંતુ અમે તેમની સામે તથ્યો રજુ કર્યા, અમે તેમને મજબુર કર્યા અને મારા દેશવાસીઓને ખુશી થશે અધ્યક્ષ મહોદયા, આ પવિત્ર સદનમાં મને એ વાત કહેતા સંતોષ થઇ રહ્યો છે કે અમે કતાર સાથે ફરી વાટાઘાટો કરી અને ગેસની જે આપણે ખરીદી કરતા હતા લગભગ-લગભગ આઠ હજાર કરોડ રૂપિયા અમે દેશના બચાવ્યા છે.
તમે આઠ હજાર કરોડ વધુ આપ્યા હતા. કેમ આપ્યા ? કોના માટે આપ્યા ? કઈ રીતે આપ્યા ? શું તેના માટે કોઇ કે સવાલો ઉભા થઈ શકે છે ? તે દેશ નક્કી કરશે, મારે નથી કહેવું. તે જ રીતે હું એ પણ કહેવા માંગુ છું કે ઓસ્ટ્રેલીયાની અંદર ગેસ માટે ભારત સરકારનો એક સોદો થયો હતો. ગેસ તેમની પાસેથી લેવામાં આવતો હતો. અમે તેમની સાથે પણ વાટાઘાટો કરી, લાંબા સમય સુધી કર્યો અને તમે એવું કેમ ના કર્યું, અમે ચાર હજાર કરોડ રૂપિયા તેમાં પણ બચાવ્યા. દેશના હકના પૈસા અમે બચાવ્યા, કેમ આપ્યા, કોના માટે આપ્યા, કયા હેતુથી આપ્યા, આ બધા સવાલોનાં જવાબ તમે તો ક્યારેય આપશો નહિં, મને ખબર છે, દેશની જનતા જવાબ માંગવાની છે.
નાનકડો વિષય એલઈડી બલ્બ કોઈ મને જરા કહે, શું કારણ હતું કે તમારા સમયમાં તે બલ્બ ત્રણસો, સાડા ત્રણસો રૂપિયામાં વેચાતો હતો. ભારત સરકાર ત્રણસો સાડા ત્રણસોમાં ખરીદતી હતી. શું કારણ છે કે તે જ બલ્બ કોઈ ટેકનોલોજીમાં ફર્ક નથી. કોઈ ગુણવત્તામાં ફર્ક નથી. આપનારી કંપનીઓ પણ એ જ, સાડા ત્રણસોનો બલ્બ, 40 રૂપિયામાં કઈ રીતે મળવા લાગ્યો. જરા કહેવું પડશે, તમારે કહેવું પડશે, તમારે જવાબ આપવો પડશે. મને જણાવો સૂર્ય ઉર્જા, શું કારણ છે કે તમારા સમયમાં સોલર પાવર યુનિટ 12 રૂપિયા, 13 રૂપિયા, 14 રૂપિયા, 15 રૂપિયા લુંટો, જેને પણ લૂંટવું હોય તે લુંટો બસ અમારૂ ધ્યાન રાખો. આ જ મંત્રને લઈને ચાલ્યા. આજે એ જ સૂર્ય ઉર્જા બે રૂપિયા, ત્રણ રૂપિયાની વચ્ચે આવી ગઈ છે. પરંતુ તેમ છતાં પણ અમે તમારા પર ભ્રષ્ટાચારનો આરોપ નથી લગાવતા. દેશને લગાવવો હોય તો લગાવે. હું તેમાં મારી જાતને સંયમિત રાખવા માંગું છું. પરંતુ આ હકીકત બોલી રહી છે કે શું થઇ રહ્યું હતું અને એટલા માટે આજે વિશ્વમાં ભારતનું માન સન્માન વધારે વધ્યું છે. આજે ભારતનાં પાસપોર્ટની તાકાત સંપૂર્ણ વિશ્વમાં જ્યાં પણ હિન્દુસ્તાની, હિન્દુસ્તાનનો પાસપોર્ટ લઈને જાય છે, સામે મળનારો આંખ ઉંચી કરીને ગર્વથી જુએ છે. તમને શરમ આવે છે, વિદેશોમાં જઈને દેશની ભૂલો ખોટી રીતે રજુ કરી રહ્યા છો. જયારે દેશ ડોક્લામની લડાઈ લડી રહ્યો હતો, ઉભો હતો, તમે ચીનનાં લોકો સાથે વાતો કરી રહ્યા હતા. તમને યાદ હોવું જોઈએ સંસદીય પ્રણાલી, લોકતંત્ર, દેશ, વિપક્ષ, એક જવાબદાર પક્ષ કેવો હોય છે? શિમલા કરાર જયારે થયો ઇન્દિરા ગાંધીજીએ બેનજીર ભુટ્ટોજી સાથે કરાર કર્યો. અમારી પાર્ટીનો ઇનકાર હતો. પરંતુ ઈતિહાસ સાક્ષી છે અટલ બિહારી વાજપેયીએ ઇન્દિરાજીનો સમય માંગ્યો, ઇન્દિરાજીને મળવા ગયા અને તેમને કહ્યું કે દેશહિતમાં આ ખોટું થઇ રહ્યું છે, બસ અમે બહાર આવીને તે સમયે દેશનું કોઈ નુકસાન ન થવા દીધું. દેશની આપણી પણ એક જવાબદારી હોય છે. જયારે આપણી સેનાનો જવાન સર્જીકલ સ્ટ્રાઈક કરે છે, તો તમે સવાલ કરો છો કે નિશાનો તાકો છો. હું સમજુ છું કે જયારે દેશમાં એક કોમનવેલ્થ ગેમ યોજાઈ હતી, આ દેશમાં એક કોમનવેલ્થ ગેમ થઇ હતી, હજુ પણ કેવી-કેવી વસ્તુઓ લોકોનાં મનમાં સવાલ બનીને ઉભી છે. આ સરકારમાં આવ્યા પછી 54 દેશોની ઇન્ડિયા-આફ્રિકા સમિટ થઇ. બ્રિકસ સમિટ થઇ, ફીફા અંડર 17નો વર્લ્ડ કપ થયો. આટલી મોટી મોટી યોજનાઓ થઇ, અરે હમણાં 26 જાન્યુઆરીએ આસિયાનનાં 10 દેશનાં વડાઓ આવીને બેઠા હતા અને મારો તિરંગો લહેરાઈ રહ્યો છે. તમે ક્યારેય વિચાર્યું નહોતું, અરે જે દિવસે નવી સરકારનાં શપથ યોજાયા અને સાર્ક દેશોનાં વડાઓ આવીને બેસી ગયા તો તમારા મનમાં સવાલ હતો કે 70 વર્ષમાં અમને કેમ સમજણ ન પડી, નાનું મન મોટી વાત કરી જ નથી શકતું.
અધ્યક્ષ મહોદયા, એક ન્યુ ઇન્ડિયાનું સપનું, તેને લઈને દેશ આગળ વધવા માંગે છે. મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયાની વાત કરી હતી, સ્વામી વિવેકાનંદજીએ નવા ભારતની વાત કરી હતી, આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જયારે પદ પર હતા ત્યારે પણ નવા ભારતનું સપનું સૌની સામે રાખ્યું હતું. આવો આપણે સૌ સાથે મળીને નવું ભારત બનાવાવના સંકલ્પને પૂર્ણ કરવા માટે પોતાની જવાબદારીઓનું વહન કરીએ. લોકતંત્રમાં ટીકાઓ લોકતંત્રની તાકાત છે. તે હોવી જોઈએ, ત્યારે જ તો અમૃત નીકળશે, પરંતુ લોકતંત્ર ખોટા આરોપો મુકવાનો અધિકાર નથી દેતું. પોતાનાં રાજનૈતિક રોટલા શેકવા માટે દેશને નિરાશ કરવાનો હક નથી આપતું અને એટલા માટે જ હું આશા રાખું છું કે, રાષ્ટ્રપતિજીનાં ઉદબોધનને બોલનારાઓએ બોલી નાખ્યું, હવે જરા આરામથી તેને વાંચીએ, પ્રથમ વખત વાંચવાથી સમજણ ન પડી તો બીજીવાર વાંચીએ. ભાષા સમજમાં ન આવી હોય તો કોઈની મદદ લઈએ. પરંતુ જે કાળા-ધોળુ સત્ય લખવામાં આવ્યું છે, તેને નકારવાનું કામ તો ન જ કરીએ. એજ એક અપેક્ષા સાથે રાષ્ટ્રપતિનાં ઉદબોધન પર જે જે માન્ય સભ્યોએ પોતાના વિચારો રજુ કર્યા, હું તેમને અભિનંદન આપું છું અને હું સૌને કહું છું કે સર્વસંમતીથી રાષ્ટ્રપતિજીનાં ઉદબોધનનો આપણે સ્વીકાર કરીએ. આ જ અપેક્ષા સાથે તમે જે સમય આપ્યો, હું તમારો ખુબ ખુબ આભારી છું, ધન્યવાદ!