પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાષ્ટ્રને સંબોધન આપ્યું તે દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY-III)ને આગામી દિવાળી સુધી લંબાવવાનો નિર્ણય પણ દેશની જનતા સુધી પહોંચાચ્યો હતો. અર્થાત્, આગામી નવેમ્બર 2021 સુધી 80 કરોડ કરતાં વધારે લોકોને દર મહિને નિર્ધારિત કરવામાં આવેલો ખાદ્યાન્નનો જથ્થો વિનામૂલ્યો પ્રાપ્ત થશે.
તા. 07.06.2021 સુધીમાં, ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તમામ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનો આ યોજના અંતર્ગત 69 LMT જથ્થો વિનામૂલ્યે ખાદ્યાન્નના વિતરણ માટે આપવામાં આવ્યો છે. 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, પંજાબ, તેલંગાણા અને ત્રિપુરાએ મે અને જૂન 2021 માટે ફાળવવામાં આવેલો સંપૂર્ણ જથ્થો ઉપાડી લીધો છે. 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે, આંદામાન અને નિકોબારના ટાપુઓ, આસામ, બિહાર, છત્તીસગઢ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, લદાખ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ દ્વારા મે 2021ની ફાળવણીનો 100% જથ્થો ઉપાડવામાં આવ્યો છે.
પૂર્વોત્તરના 7 રાજ્યોમાંથી 5 એટલે કે, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાએ મે અને જૂન 2021ની ફાળવણીનો સંપૂર્ણ જથ્થો ઉપાડ્યો છે. મણિપુર અને આસામ દ્વારા ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં તે કામગીરી પૂરી થવાનો અંદાજ છે.
FCI દ્વારા સમગ્ર દેશમાં ખાદ્યાન્નનું પરિવહન કરવામાં આવી રહ્યું છે જેથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને કોઇપણ અડચણો વગર સરળાતાથી પૂરવઠો પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત થઇ શકે. મે 2021 દરમિયાન, FCI દ્વારા દરરોજ સરેરાશ 46 રેક સાથે ખાદ્યાન્નના કુલ 1433 રેકના લોડિંગનું કામ કરવામાં આવ્યું છે.
ભારત સરકાર ખાદ્ય સબસિડી, આંતર રાજ્ય પરિહવન અને ડીલરના માર્જિન/ વધારાના ડીલરના માર્જિન સહિત આ પ્રકારના વિતરણ માટે થતો તમામ ખર્ચ ઉપાડી રહી છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી ખર્ચનો કોઇ હિસ્સો લેવામાં આવતો નથી.
ભારત સરકારે PMGKAY હેઠળ વિનામૂલ્યે ખાદ્યાન્નના વિતરણની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા કોવિડ મહામારીના સમય દરમિયાન લાભાર્થીઓને વિનામૂલ્યે ખાદ્યાન્નનો જથ્થો આપવામાં આવી રહ્યો છે અને આ પ્રકારે લાભાર્થીઓ માટે ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. ભારત સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન આર્થિક વિક્ષેપના કારણે ગરીબોને સહન કરવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત, NFSA હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓને દર મહિને પ્રત્યેક વ્યક્તિને 5 કિલો ખાદ્યાન્ન વિનામૂલ્યે આપવામાં આવે છે.