મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બાબા રામદેવ આયોજિત ભ્રષ્ટાચાર વિરોધી અનશન અભિયાન દરમિયાન કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતને દિલ્હીના રામલીલા મેદાનમાં જે રાવણલીલાનું અધમ કૃત્ય આચર્યું તેની સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો છે અને જણાવ્યું છે કે જૂલ્મગાર કોંગ્રેસ સરકારના અંતનો આ આરંભ છે. ભ્રષ્ટાચારી શાસકોના જૂલ્મો સામે ઝૂકયા વગર દેશના યુવાનો અને જનતાને ભ્રષ્ટાચાર સામેનો જંગ પૂરી તાકાતથી આગળ ધપાવવા તેમણે આહ્વાન કર્યું હતું.
અમદાવાદ મણીનગર વિધાન ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને કોંગ્રેસી દિલ્હી દરબારના આ જૂલ્મો માટે સીધેસીધા જવાબદાર ગણાવ્યા હતા. જો ડૉ.મનમોહનસિંહ પોતાને પ્રમાણિક માનતા હોય અને કેન્દ્રની સરકારના ભ્રષ્ટાચારનો વિરોધ હોય તો દેશની જનતાને વિશ્વાસ બેસે એવા પગલા લેતા કોણ રોકે છે ? એવો પ્રશ્ન કરી તેમણે વડાપ્રધાનશ્રીની નિષ્ક્રિયતા સામે નિશાન તાકાતા જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 1975ની પાંચમી જૂનના દિવસને લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા સંપૂર્ણ ક્રાંતિનો દિવસ જાહેર કરાયેલો તેની યાદ અપાવતા જણાવ્યું કે ગઇકાલે પાંચમી જૂનની મધરાતે દિલ્હીના રામલીલા મેદાનમાં નિર્દોષ દેશવાસીઓ માતા, બહેનો, બાળકો ઉપર દિલ્હીની કોંગ્રેસી સલ્તનતના પોલીસે અશ્રુગેસ ફેંકયા, લાઠી વરસાવી, ખૂન વહાવ્યું, આવો જૂલ્મ અત્યાચાર કાંઇ સંજોગોમાં સહન કરાય નહીં. સમયની માંગ છે કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ કેન્દ્રની સરકાર સામે જનજનમાં જાગી ઉઠેલા આક્રોશ અને અવાજને હવે દબાવી શકાશે નહીં.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે બાબા રામદેવનું ભ્રષ્ટાચાર વિરોધી જન અભિયાન કોઇ સરકાર કે કોઇ પક્ષ વિરુધ્ધનું નથી તો પછી કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત કેમ આટલી ગભરાઇ ગઇ ? ભ્રષ્ટાચાર વિરોધી આ અભિયાનને કરોડો કરોડો દેશવાસીઓનું જે સમર્થન મળી રહ્યું છે તે પણ એક વિશ્વવિક્રમ છે ત્યારે આ જન આક્રોશને જૂલ્મો આચરીને દબાવી શકાશે નહી એવી સ્પષ્ટ ચેતવણી તેમણે આપી હતી.
ઉપસ્થિત વિશાળ જનમેદનીની આ સભામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું કે, જો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એ ગુનો ગણાતો હોય તો આ ગુનો મને મંજૂર છે. જો વિદેશી કાળા નાણાં દેશમાં પાછા લાવીને દેશના વિકાસ માટે વાપરવાનો કાનૂન લાવવાની માગણી કરવી એ ગુનો હોય તે પણ મંજૂર છે. રામદેવજી તો છેલ્લા બે વર્ષથી ભ્રષ્ટાચાર વિરોધી જનમત માટેનું લોકશિક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમને કેમ રોક્યા નહિ ?
હિન્દુસ્તાનની જનતાના આ આક્રોશને જૂલ્મોથી દબાવી શકાશે નહીં અને દિલ્હીની કોંગ્રેસ સલ્તનત હવે બચી શકવાની નથી. બધી કાનૂની મર્યાદા તોડીને મધરાતે રામલીલા મેદાનમાં રાવણલીલા આચરનારી આ કેન્દ્રની સલ્તનતે જે જૂઠાણા અને વિશ્વાસઘાતના કારસા રચ્યા છે તેની સિલસીલાબંધ હકીકતો આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યાં સુધી કેન્દ્રના એક પછી એક સાથી પક્ષોના મંત્રીઓ અને સરકારના ભ્રષ્ટાચારી ખુલ્યા પડયા ત્યાં સુધી દિલ્હીનો કોંગ્રેસ દરબાર નિヘન્તિ હતો પરંતુ હવે પોતાના પગ નીચે રેલો આવી ગયો છે ત્યારે ગભરાઇ ગયેલી કેન્દ્ર સરકારે એક બાજુ રામદેવજી સાથે વાટાઘાટોના ખેલ કર્યા અને તેના જંગાલિયત ભર્યા જૂલ્મોનો આયોજિત પ્લાન તૈયાર કરેલો અને મધરાતે બાબા રામદેવ સૂતા હતા ત્યારે જૂલ્મી કાર્યવાહી શરૂ કરવા પોલીસના ધાડા નિર્દોષો ઉપર ત્રાટકયા પણ દેશની જનતાએ તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ક્રાંતિથી આઝાદીની લડતમાં વિદેશી સલ્તનતને હિન્દુસ્તાન છોડાવ્યું ત્યાં સુધી જૂલ્મો અને અત્યાચારો સામે નહીં ઝૂકવાનો માર્ગ બતાવ્યો છે.
કોંગ્રેસ જે રીતે દેશવાસીઓના ભ્રષ્ટાચાર વિરોધી અવાજને દબાવી દેવા કૃતસંકલ્પ છે તેની પાછળનો રાઝ ખૂલ્લો પાડતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે હસનઅલી પકડાઇ ગયો અને સર્વોચ્ચ ન્યાયતંત્રની નજર હેઠળ વિદેશી બેંકોમાં કોના કાળા નાણાંનું કરોડો કરોડોનું ધન છે તે રહસ્ય બહાર પડી જશે તેનાથી દિલ્હીની સલ્તનત થથરી ગઇ છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની આ ધરતી ઉપરથી જનતાએ આંદોલન કરીને નવનિર્માણમાં ભ્રષ્ટાચારી કોંગ્રેસ શાસકોને સત્તામાંથી ઉખાડીને ફેંકી દીધેલા. જૂલ્મો ગુજારનારાઓએ 103 નવલોહિયાઓને જૂલ્મી ગોળીબારથી શહીદ બનાવેલા પણ આંદોલન તો સફળ જ બન્યું હતું. દિલ્હીની કોંગ્રસ સલ્તનતને ચેતવણી આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે 1975માં આપાતકાલીન કટોકટીમાં પણ આ જ દેશની જનતાએ કોંગે્રસી શાસનના સત્તાસુખના સપના ચૂરચૂર કરી નાખેલા. હવે સમય પાકી ગયો છે કે દેશની જનતા દિલ્હી દરબારના જૂલ્મો સામે ઝૂકશે નહીં અને ભ્રષ્ટાચાર સામેનો જંગ છોડશે નહીં. કોંગ્રેસમાં જે કોઇ ઇમાનદાર હોય તેમણે ભ્રષ્ટાચાર વિરોધી આ લડાઇને ટેકો જાહેર કરવો જોઇએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને પડકારતા જણાવ્યું કે કયાં સુધી જૂઠાણાં અને ખોટા આક્ષેપો કરશો ? કેટકેટલા નિર્દોષોને જેલના દરવાજા બતાવશો ? આવો ડર બતાવવાનું બંધ કરો. ભ્રષ્ટાચારનું દુષણ નાબૂદ કરવાના જનતા જનાર્દનના આક્રોશ સામે ટકી શકશો નહીં એમ તેમણે જણાવ્યું હતું. દેશમાં ભ્રષ્ટાચારનો સડો લાગ્યો છે તે મિટાવવાનું આ આંદોલન છે અને ભ્રષ્ટાચારી શાસનની જડોને ઉખાડીને જ જંપવાનો નિર્ધાર છે. વિકાસની સાથે મૂલ્યોનું જતન કરવા માટેનું આ આંદોલન છે અને દેશની જનતાનો આ જ નિર્ધાર છે, એમ તેમણે જણાવ્યું હતું.