પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે ભારત સરકારના તમામ સચિવો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી રાજનાથ સિંહ, શ્રી અમિત શાહ, શ્રીમતિ નિર્મલા સિતારામન અને ડૉ. જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા.
વાતચીતના પ્રારંભમાં કેબિનેટ સચિવ શ્રી પી. કે. સિંહાએ સરકારના અગાઉના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી કેવી રીતે નિદેશક/નાયબ સચિવ કક્ષાના તમામ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરતા હતા તે યાદો તાજી કરી હતી.
ભવિષ્યની કામગીરી અંગે જાણકારી આપતા કેબિનેટ સચિવે બે મહત્ત્વપૂર્ણ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો જેને સચિવોના ક્ષેત્રીય જૂથ સમક્ષ રજૂ કરવામાં આવશેઃ (a) સુઆયોજિત લક્ષ્યાંકો અને સીમાચિહ્નો સાથે દરેક મંત્રાલય માટે પાંચ વર્ષના આયોજનનો દસ્તાવેજ (b) દરેક મંત્રાલયોમાં નોંધપાત્ર અસરકારક નિર્ણયો લેવા, જેની મંજૂરી 100 દિવસની અંદર લેવામાં આવશે.
વાતચીત દરમિયાન જુદા-જુદા સચિવોએ વહીવટી નિર્ણય, કૃષિ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અને આઇટીની પહેલો, શૈક્ષણિક સુધારા, આરોગ્ય, ઔદ્યોગિક નીતિ, આર્થિક વિકાસ, કૌશલ્ય વિકાસ વગેરે જેવા વિષયો પર તેમનો દૃષ્ટિકોણ અને વિચારો વ્યક્ત કર્યા હતા.
વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જૂન, 2014માં તેમણે સચિવો સાથે કરેલી આવી પ્રથમ વાતચીતના સ્મરણો તાજા કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે તાજેતરની સામાન્ય ચૂંટણીનું પરિણામ સત્તાના સમર્થનમાં રહ્યું છે, જેનો શ્રેય અધિકારીઓની આખી ટીમને જવો જોઇએ, જેમણે સખત મહેનત કરી, યોજનાઓનું નિર્માણ કર્યુ અને છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જમીની સ્તર પર શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કર્યા. તેમણે જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં સકારાત્મક મતદાન જોવા મળ્યું હતું, જે રોજ-બરોજના અનુભવના આધારે સામાન્ય લોકોએ અનુભવેલા વિશ્વાસમાંથી પેદા થયું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય મતદારોએ આગામી પાંચ વર્ષ માટે રૂપરેખા નક્કી કરી છે અને આ આપણી સમક્ષ ઉપસ્થિત થયેલો એક અવસર છે. તેમણે જણાવ્યું હતુ કે લોકોની વ્યાપક અપેક્ષાઓને પડકાર તરીકે જોવી ન જોઇએ પરંતુ તેને તક તરીકે જોવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનાદેશ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ અને પોતાના માટે વધુ સારા જીવનની ઇચ્છા દર્શાવે છે.
ભૌગોલિક વૈવિધ્ય અંગે જણાવતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ભૌગોલિક વૈવિધ્યતાનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે કેન્દ્ર સરકારના દરેક વિભાગ અને દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લાઓની ભૂમિકા રહેલી છે. તેમણે “મેક ઇન ઇન્ડિયા” પહેલના મહત્ત્વ અને આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ”માં ભારતે કરેલી પ્રગતિ લઘુ ઉદ્યોગો અને ઉદ્યોગસાહસિકોને વધુ સારી સુવિધાઓ દ્વારા પ્રતિબિંબિત થવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે સરકારના દરેક મંત્રાલયે “ઇઝ ઑફ લિવિંગ” પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે જળ, મત્સ્યપાલન અને પશુપાલન પણ સરકાર માટે મહત્ત્વનાં ક્ષેત્ર બની રહેશે.
તેમણે જણાવ્યું હતું કે આજની વાતચીત દરમિયાન તેમણે જોયું છે કે, સચિવો દેશને આગળ લઇ જવા માટે દૂરંદેશિતા, કટિબદ્ધતા અને ઊર્જા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતુ કે આ ટીમ પર તેમને ગર્વ છે. દરેક વિભાગમાં પરિણામો અને કાર્યક્ષમતા સુધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે તેમણે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતાના 75 વર્ષના આવી રહેલા સીમાચિહ્નનો લાભ લેવા દરેક વિભાગે પ્રયત્નો કરવા જોઇએ, જે લોકોને દેશની સુખસમૃદ્ધિ માટે પોતાનો ફાળો આપવા પ્રેરણા આપી શકે છે. તેમણે દરેક વ્યક્તિને લોકોની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે જોશપૂર્વક ઝડપી કામગીરી શરૂ કરવા અપીલ કરી હતી.